કોણ છે ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?

SHARE WITH LOVE
 • 306
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  306
  Shares

ગુજરાતમાં મહિસાગર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને મહીસાગરમાં સતિપતિ અદિવાસી લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

સુરક્ષા એજન્સીઓએ આ લોકો પર ઝારખંડની ‘પથ્થલગડી ચળવળ’ સાથે સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી પકડાયાં જ્યારે બાકીના બે પુરુષ તાપીના વ્યારામાંથી પકડાયા છે. આ ત્રણેય આરોપી મૂળે ઝારખંડનાં છે.

એટીએસના ઈન્ચાર્જ એસ.પી. દીપેન ભદ્રને બીબીસી ગુજરાતીને કહ્યું હતું, “આ લોકો ગુજરાતના વ્યારા અને મહીસાગરમાં સતિપતિ આદિવાસી લોકોને વર્તમાન સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યા હતા.”

દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના ડાંગ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લામાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વસે છે.

સતિપતિની વાત કરીએ તો વર્ષ 1930ના દાયકામાં કથિતરૂપે આદિવાસીઓનો એક એવો સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો, 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ ભારતની સરકાર આણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાતના તાપી જિલ્લામાંથી શરૂ થયેલા આદિવાસીઓનો આ સંપ્રદાય સતિપતિ સમુદાય તરીકે ઓળખાય છે અને આઝાદીનાં 70 વર્ષથી વધારે વીતી ગયાં હોવા છતાં તે સ્થાનિક, રાજ્ય કે પછી ભારત સરકારના નિયમોને માનવાનો ઇન્કાર કરે છે.

line

શું છે સતિપતિ સમુદાય?

સાંકેતિક ચિત્ર
ઇમેજ કૅપ્શન, સાંકેતિક ચિત્ર

ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં આદિવાસીઓનો એક સમુદાય એવો પણ છે કે જે માને છે કે ભારતને આઝાદી મળી તે પહેલાં બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાએ સતિપતિ સમુદાયના સ્થાપક કુંવર કેસરીસિંહને જંગલની જમીન અને નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનનો હક ભેટમાં આપ્યો હતો.

આદિવાસીઓનો આ સમુદાય સ્થાનિક, રાજ્ય કે પછી કેન્દ્રીય સરકારને માનતો નથી તથા કોઈ પણ સરકારી ગતિવિધિમાં ભાગ લેતો નથી.

કેટલાક અખબારી અહેવાલોમાં ગુજરાત સરકારના અધિકારીઓને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે સતિપતિ આદિવાસીઓ રૅશન કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ પણ નથી બનાવતા. સરકારના રસીકરણ કાર્યક્રમ અને આરોગ્યને લગતા અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ નથી લેતા.

ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અરૂણ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું “સતિપતિ સમુદાય પોતાને મૂળનિવાસી તરીકે માને છે અને તેઓ સમજે છે કે જંગલની જમીન, પાણી અને અન્ય સંસાધનો પર તેમનો સીધો અધિકાર છે. તેઓ સરકારની દખલગીરીને સ્વીકારતા નથી.”

“60-70 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા સમુદાય વિશે મૌખિક ઇતિહાસ વધારે પ્રસરાયો છે. સતિપતિ સમુદાય બહારના લોકોનો સ્વીકાર કરવા નથી માગતા. તેઓ જે ઉગાડે એ જ ખાય અને પોતાને ત્યાં જે બને તેનાંથી જ કામ ચલાવે. તેઓ સમૂહ જીવનમાં વિશ્વાસ ધરાવે છે.”

પ્રોફેસર વાધેલાના મતે આદિવાસીઓમાં અનેક પેટાજ્ઞાતિઓ હોય છે. સતિપતિ સમુદાયના લોકો ભીલ આદિવાસીઓની પેટાજ્ઞાતિના છે.

ડાંગના સ્થાનિક પત્રકાર લક્ષ્મણ બાગુલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ લોકો પોતાને જ સરકાર માને છે. ભારત કે પછી રાજ્યની સરકારને ન માનતાં. આ લોકો ચૂંટણીમાં પણ ભાગ લેતા નથી. શિક્ષણના અભાવે જાગૃતતાની કમી છે, જેને કારણે આ સમુદાયમાં ભારે ગરીબીમાં જીવે છે.

જેના પરિણામે ડાંગ અને નર્મદા જિલ્લામાં સતિપતિ સમુદાયના લોકોએ ચૂંટણી માટે ઓળખપત્રો બનાવ્યા હતા.

આ આદિવાસીઓ સતિપતિના સ્થાપક કુંવર કેસરીસિંહને ‘ભારત સરકાર’ના માલિક તરીકે ઓળખે છે અને તેમને પૂજનીય માને છે.

વર્ષ 2016માં ડીએનએ અખબારની વેબસાઇટમાં પ્રકાશિત એક અહેવાલમાં આ સમુદાયના મેળાવડાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

આ અહેવાલ મુજબ 2016ના ફેબ્રુઆરી મહિનામાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં થયેલા મેળાવડામાં ત્રણ હજારથી વધારે લોકો ભેગા થયા હતા.

અહીં સતિપતિ સમુદાયના આગેવાન કુંવર રવિન્દ્ર સિંહની લાલ બત્તી ધરાવતી કૉન્ટેસા ગાડી પર ‘ભારત સરકાર-ભારતના માલિક’ લખેલું પાટિયું લગાવેલું હતું.

આ આદિવાસીઓમાં સમુદાયના સ્થાપક કેસરી સિંહ અને ત્યાર બાદ તેમના પુત્ર કુંવર રવિન્દ્ર સિંહને પૂજનીય માનવામાં આવે છે.

ડીએનએના અહેવાલમાં સ્થાનિક આગેવાન પરાગ સહારેને ટાંકતાં લખવામાં આવ્યું છે, “સતી એટલે માતા અને પતિ એટલે પિતા. આપણે બધા કુદરતમાંથી જનમ્યા છીએ અને અમે તેની પૂજા કરીએ છીએ. સરકારી અધિકારીઓ આપણા નોકર છે પરંતુ તે લોકો શાસક બની ગયા છે. એટલે અમે તેને માન્યતા નથી આપતા.”

“કેસરીસિંહજી ભારતના અસલી માલિક છે. ભારતમાંથી બ્રિટિશ શાસન ખતમ થયું તે પહેલાં રાણી વિક્ટોરિયાએ તેમને આ અધિકારો આપ્યા હતા.”

line

ગુજરાતની બહાર પણ વિસ્તારનો પ્રયત્ન

સતિપતિનો વિસ્તાર ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી થયા હોવાના અહેવાલો છેલ્લાં વર્ષોમાં સામે આવ્યા છે.

‘ધી હિંદુ’ અખબારમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ઝારખંડમાં 2018માં ચૂંટણી પહેલાં આદિવાસી ગામોની બહાર પાટિયાં લગાવાયાં હતાં, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘અહીં માત્ર ગ્રામસભાની સત્તા છે.’

આ અહેવાલ મુજબ ખૂંટી જિલ્લાના એક ગામમાં આદિવાસીઓની સભામાં સતિપતિ સમુદાયના અનુસરણની વાત સામે આવી હતી.

અહીં લોકોએ ભારત અથવા રાજ્ય સરકાર માનવાનો ઇન્કાર કર્યો હતો અને કુંવર કેસરીસિંહના અનુયાયી હોવાનું જણાવ્યું હતું.

ઝારખંડ જ્યાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વસે છે ત્યાં પથ્થલગડી આંદોલન ચલાવાયું હતું.

‘પથ્થલગડી’ એક સાંસ્કૃતિક અને સામાજિક પ્રથા હતી જેણે એક આંદોલનનું સ્વરૂપ લીધું હતું.

આદિવાસીઓના વિકાસના મુદ્દે આ આંદોલને 2018ના વર્ષમાં વેગ પકડ્યો હતો અને લોકોએ બહારના લોકો માટે ગામમાં પ્રવેશ વર્જિત કર્યો હતો.

ખૂંટી વિસ્તાર ઝારખંડના નક્સલપ્રભાવિત જિલ્લાઓમાંથી એક છે. આદિવાસીઓનો આરોપ હતો કે તેમને નક્સલવાદીઓ સાથે સાંકળીને પોલીસ પકડે છે પરંતુ તેમનો નક્સલીઓ સાથે કોઈ સંબંધ નથી, એ લોકો તો કુંવર કેસરીસિંહના અનુયાયી છે.

આવો જ દાવો તાજેતરમાં ગુજરાતમાં પકડાયેલા ત્રણ લોકોને લઈને પણ કરાયો હતો.

જોકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એટીએસના અધિકારીએ આ દાવાને ફગાવી દીધો હતો. પ્રોફેસર અરૂણ વાઘેલાએ કહ્યું હતું કે આ સમુદાયનો નક્સલવાદ સાથે સંબંધ નથી રહ્યો. તેમની વિચારસરણી અલગ છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં સ્થાનિક પત્રકાર રવિ પ્રકાશે કહ્યું કે હાલમાં સામે આવ્યું કે ખૂંટી જિલ્લામાં સતિપતિ સમુદાયના લોકો સ્થાનિક લોકોને મળવા ગયા હતા.

ખૂંટીમાં એક ગામમાં 2020માં જાન્યુઆરીમાં છ-સાત લોકોની હત્યા થઈ હતી. ત્યારે એક ફૅક્ટ ફાઇન્ડિંગ ટીમનાં તારણોમાં સામે આવ્યું હતું કે સતિપતિના સમર્થકો અને ગેરસમર્થકો વચ્ચે વિવાદ હતો.

સતિપતિ સમુદાયના લોકો દ્વારા પારંપરિક પ્રથાઓ અને સરકારી યોજનાઓ અંગે લેવાયેલા નિર્ણયને અંગે સતિપતિ પંથના સમર્થકો અને બિનસમર્થકો વચ્ચે ટકરાવ થયો હોવાનું આ ફૅક્ટ ફાઇન્ડિંગ ટીમે જણાવ્યું હતું.

જોકે હિંસા અને હત્યામાં સતિપિત સમર્થકોની સંડોવણી વિશે કંઈ કહેવામાં નહોતું આવ્યું.

રવિ પ્રકાશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “સતિપતિ પંથના લોકોએ ઝારખંડ જ નહીં છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પણ વિસ્તાર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અન્ય રાજ્યોમાં આદિવાસીઓના વિચાર અલગ છે.”

“પથ્થલગડી જેનાથી જોડાયેલા ત્રણ લોકો ગુજરાતમાં પકડાયા છે, એ આંદોલન હેઠળ ભારતીય સંવિધાન હેઠળ અનુસૂચિ પાંચ અંતર્ગત ગ્રામસભાને આપવામાં આવેલ અધિકારને સર્વોપરી માનવામાં આવ્યા છે.”

“આ લોકો ગ્રામસભાના અધિકારક્ષેત્રના સન્માનની વાત કરે છે પરંતુ સતિપતિ તો ભારતીય બંધારણને માનતા જ નથી અને તેઓ આ બાબતે કટ્ટર છે.”

Source:


SHARE WITH LOVE
 • 306
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  306
  Shares