ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ : આદિવાસીઓ પર ખતરો

SHARE WITH LOVE
 • 191
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  191
  Shares

સુરત જિલ્લાના ઉમરપાડા નજીકના જંગલમાં આવેલી છ એકરની જમીન પર પોતાની માલિકીનો દાવો સાબિત કરવાની બાબત 60 વર્ષના ગુલિયા વસાવા માટે અસ્તિત્વનો સવાલ બની ગયો છે.

તેમના દાદા આ જમીન વાવતા હતા. આ જમીનમાં જ તેના દાદા અને પિતાને દફન કરેલા છે, પણ હવે બાપદાદા વખતની આ જમીન રહેશે કે નહીં તેની તેમને ચિંતા પેઠી છે.

ભારતમાં ગુલિયા વસાવા જેવા 11.9 લાખ લોકો છે, જેમની પાસે રહેલી જંગલની જમીન તેમના કબજામાં રહેશે કે કેમ તેની અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ફેબ્રુઆરી 2019ના છેલ્લા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે વનની જમીન પર વસી રહેલા આવા દસેક લાખ પરિવારોએ ત્યાંથી હટવું પડે તેમ છે.

ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ (એફઆરએ) હેઠળ આ જમીનો પર માલિકીના દાવા કરાયા હતા.

તેની વિરુદ્ધ વાઇલ્ડ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓએ અરજી કરી હતી, જેના અનુસંધાન સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ 2006 પ્રમાણે, જિલ્લા કલેક્ટરને અધિકાર અપાયો છે કે જંગલની જમીન પર વસેલા લોકોનો માલિકીનો દાવો તેઓ માન્ય કરી શકે.

વાઇલ્ડલાઇફ ફર્સ્ટ, નેશનલ કન્વર્ઝવેશન સોસાયટી અને ટાઇગર રિસર્ચ ઍન્ડ કન્ઝર્વેશન ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વનને સુરક્ષિત કરવા માટેની માગણી કરી હતી.

તેમનું કહેવું હતું કે એફઆરએના આધારે ખોટા જમીન માલિકીના દાવાના કારણે જંગલોની સુરક્ષા સામે ખતરો ઊભો થયો છે.

17 રાજ્યોએ આપેલી માહિતીના આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

વનવિસ્તારમાં રહેતા 40 લાખ લોકોએ જમીન પર દાવો કર્યો હતો. તેની ત્રણ તબક્કે રાજ્ય સરકારોએ તપાસ કરી હતી.

દરેક તબક્કે જુદા-જુદા 13 પ્રમાણો આપવા જરૂરી હતા. તેમાંથી 18 લાખ દાવાને માન્ય રાખીને 72,000 ચોરસ કિમી જેટલી વનભૂમિ પર માલિકી હકના પ્રમાણપત્રો (લૅન્ડ ટાઇટલ્સ) આપી દેવાયા હતા.

પરંતુ દસેક લાખ કુટુંબોના દાવા માન્ય રહ્યા નથી, તેથી તેમણે હવે જમીનો ખાલી કરવી પડે તેમ છે.

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો હતો, વધુ સુનાવણી જુલાઈ-2019માં હાથ ધરાશે.

‘કઈ રીતે દાવાનો સ્વીકાર થયો અને કઈ રીતે અસ્વીકાર’ આ અંગે જવાબ માગવામાં આવ્યો છે.

2011ની વસ્તી ગણતરી પ્રમાણે, દેશમાં અનુસૂચિત જાતિ એટલે કે આદિવાસીઓની વસ્તી 8.2 ટકા જેટલી છે.

ગુલિયા વસાવા જેવા લોકોએ હવે સરકાર સામે લાંબી લડત માટે તૈયારીઓ કરવી પડે તેમ છે.

પોતાના 12 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવતા ગુલિયાએ વનવિસ્તારમાં આવેલી પોતાની જમીન પર માલિકી હક માટે 2013માં અરજી કરી હતી.

તેની સામે તેમને નોટિસ મળી છે કે તમે આ જમીનના માલિક નથી.

કાયદા પ્રમાણે, તેમણે સોગંદનામું કર્યું હતું તથા પોતાના ખેતરમાં ઊગેલા વૃક્ષોની તસવીરો સહિતના દસ્તાવેજો આપ્યા હતા. આમ છતાં તેમનો દાવો નકારી કઢાયો છે.

ગુલિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “જે થવું હોય તે થાય, હું મારા વડવાઓની જમીન કોઈ સરકારી માણસને સોંપવાનો નથી,”

તેઓ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખમામાંગળી ગામમાં રહે છે. ગામમાં તેમના જેવા બીજા 11 આદિવાસી પરિવારો છે, જે જમીન માલિકી હક મેળવવા માટે મથામણ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરીએ જમીનો ખાલી કરવા માટે આપેલા હુકમ પર હાલમાં સ્ટે આવ્યો છે ખરો, પરંતુ આદિવાસી નેતાઓ અને પ્રજાને લાગે છે કે તેમને માત્ર કામચલાઉ રાહત જ મળી છે.

આગળ જતા તેમણે તથા વનવિસ્તારમાં વિચરતી અને પશુપાલન કરતી પ્રજાને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવવાનો છે.

અરજદારોનું શું કહેવું છે?

વનભૂમિ પર થયેલા કહેવાતા ગેરકાયદે કબજા સામે અરજી કરનારાઓમાં એક પ્રવીણ ભાર્ગવ પણ છે.

તેઓ માને છે કે આદિવાસી પ્રજાને માત્ર જંગલોમાં જ મર્યાદિત કરી દેવાની જરૂર નથી.

બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા પ્રવીણ ભાર્ગવે કહ્યું કે એફઆરએ અગાઉથી જ જંગલ પર હક્ક-હિસ્સો હોય તેની ખરાઈ માટે છે.

આ કાયદો નવી જમીન આપવા માટે કે જમીનની વહેંચણી કરવા માટે નથી.

ભાર્ગવ કહે છે, “અદાલત પોતાનું કામ કરી રહી છે અને અમે આખરી ચુકાદો શું આવે છે તેની રાહ જોઈએ રહ્યા છીએ.”

“જોકે, અમારું નિરીક્ષણ અને અભ્યાસ જણાવે છે કે વનવિસ્તારમાં પગપેસારો થયો છે. તે રીતે વધુ જંગલોને ખુલ્લાં કરી દેવામાં આવી રહ્યાં છે, જેના કારણે વન્યસૃષ્ટિ તથા કુદરતી સંતુલન પર અસર થશે.”

ભાર્ગવ વધુમાં જણાવે છે કે આદિવાસી પ્રજા તથા જંગલો અને વન્યસૃષ્ટિ બંનેની સુરક્ષા માટે સમજદારી સાથેનો અભિગમ દાખવવો જરૂરી છે.

સામાજિક અને જૈવિક બંને બાબતોને ધ્યાનમાં રાખીને જ કોઈ નિર્ણય લેવાવો જોઈએ.

તેઓ કહે છે કે વનભૂમિમાં વધારો થવાનો નથી, જ્યારે માનવવસ્તી વધવાની છે. તેથી જંગલો પર મનુષ્યની નિર્ભરતા વધવાની છે.

તેથી સુપ્રીમ કોર્ટ અત્યારે જંગલોની જમીન પર ઊભા કરવામાં આવેલા બોગસ દાવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

શું આ કેસથી ભાજપને ફાયદો થશે?

કેટલાક આદિવાસી નેતાઓ કહે છે કે આદિવાસી પ્રજામાં ચિંતાની લાગણી ફેલાવવામાં આવી રહી છે. જોખમ દેખાડીને તેમને શાસક ભાજપ માટે મતો આપવા માટે પ્રેરવામાં આવી રહ્યા છે.

જોકે, ભાજપના નેતાઓ આવા દાવાઓને નકારી કાઢે છે અને કહે છે કે કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને સહજ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું:

“આ કેસ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં છે. હકીકતમાં અમે રિવ્યૂ પિટિશન કરીને આદિવાસીઓના હકોના બચાવ માટે કોશિશ કરી રહ્યા છીએ.”

ગુજરાત સરકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે અને નકારી દેવામાં આવેલા દાવાની પુનઃ સમીક્ષા માટે વધુ સમય આપવાની માગણી કરી છે.

આદિવાસી નેતાઓનું માનીએ તો હાલમાં ઊભી થયેલી સ્થિતિ, રિવ્યૂ માટે થયેલી અરજીઓ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે ભાજપને ફાયદો થશે.

ગુજરાતના આદિવાસી હકો માટે કામ કરતા રોમિલ સુતરિયાના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા આદિવાસીઓ હવે કૉંગ્રેસના બદલે ભાજપને ટેકો આપતા થયા છે.

આ આદિવાસીઓ એવું માને છે કે એફઆરએ કાયદામાંથી આખરે ભાજપ જ તેમને બચાવી શકશે.

અહીં એ વાત નોંધનીય છે કે જંગલોમાં વસતા જે 13,715 પરિવારોના હક-દાવા નકારી કાઢવામાં આવ્યા છે, તેમના વતી ગુજરાત સરકારે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.

મોતીભાઈ વસાવા કહે છે કે રાહુલ ગાંધીએ પણ છત્તીસગઢમાં પોતાના મુખ્ય પ્રધાનને રિવ્યૂ પિટિશન ફાઇલ કરવા માટે જણાવ્યું છે. ‘તો શું તેનો અર્થ થયો કે આ સ્થિતિમાં કૉંગ્રેસને ફાયદો થશે?’

તેના જવાબમાં તેઓ ઉમેરે છે કે સુપ્રીમ કોર્ટ પોતાનું કામ કરી રહી છે અને યોગ્ય કાર્યવાહી બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. તેને લોકસભાની આગામી ચૂંટણી સાથે જોડવાની વાત અયોગ્ય છે.

જોકે રાજકીય વિશ્લેષકો વાતને જુદી રીતે જુએ છે.

ઘનશ્યામ શાહ કહે છે કે સમય હવે બદલાયો છે અને આદિવાસીઓ પોતાના અધિકારો અને જવાબદારીઓ માટે વધારે સભાન બન્યા છે.

તેઓ કહે છે, “ગુજરાતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિકાસના નામે આદિવાસીઓને બહુ પરેશાન કરવામાં આવ્યા છે.”

“એફઆરએના નામે લેવાનારાં પગલાંને પણ આદિવાસીઓને વધારે પરેશાન કરવાનાં પગલાં તરીકે જ જોવામાં આવશે.”

લોકસભાની 47 બેઠકો એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ) અનામત બેઠકો છે.

અરજી કરનારી એક સંસ્થા વાઇલ્ડ લાઇફ ફર્સ્ટના પ્રવીણ ભાર્ગવ કહે છે કે કોર્ટ પોતાની ગતિથી કામ કરતી હોય છે.

તેઓ ઉમેરે છે, “અમે માત્ર અરજદારો છીએ અને ચુકાદાના કારણે શું રાજકીય અસરો થઈ શકે તે વિશે ટિપ્પણી કરી શકીએ નહીં.”

“આમ છતાં એ વાત યાદ રાખવી જોઈએ કે આ કાયદો 2004માં યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ની સરકાર પ્રથમવાર બની તે પછી પસાર કરવામાં આવ્યો હતો.”

મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આસામ, ઓડિશા, મિઝોરમ જેવાં કેટલાંક રાજ્યોમાં આદિવાસીઓની સારી એવી વસ્તી છે.

જમીન-સંપાદન સામે આદિવાસી આંદોલન

આઝાદી પછી આદિવાસી વિસ્તારોમાં એકથી વધારે વિકાસની યોજનાઓ લાગુ પડતી રહી છે.

ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સરદાર સરોવર યોજના સામે વ્યાપક આંદોલન ચાલ્યું હતું.

ઘનશ્યામ શાહ જેવા વિશ્લેષકો માને છે કે વિકાસનાં કાર્યોમાં સૌથી વધુ ભોગ આદિવાસીઓએ આપવો પડ્યો છે.

દાખલા તરીકે નર્મદા ડેમ નજીક વનની જમીન પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જેથી પ્રવાસીઓને ત્યાં આકર્ષી શકાય.

નર્મદા જિલ્લાના સ્થાનિક આદિવાસી નેતા ડૉ. પ્રફુલ્લ વસાવા કહે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ શરૂ કરવામાં આવેલાં વિકાસનાં કાર્યો જંગલની જમીન પર કરવામાં આવી રહ્યાં છે.

તેઓ કહે છે, “સિંચાઈ યોજના હોય કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રોજેક્ટ હોય, આદિવાસીઓએ તેના માટે પોતાની જમીનોનો ભોગ આપવો પડે છે.”

આદિવાસી પાસે વનભૂમિનો માલિકીનો હક હોય તો પણ તે કાયમ રહેશે તે નક્કી નથી હોતું.

આદિવાસી નેતાઓને લાગે છે કે વિકાસનાં કાર્યો તેમનાં ગામ અને જમીન સુધી પહોંચે ત્યારે તેમણે જમીનો ગુમાવવી પડે છે.

આદિવાસી નેતા રોમિલ સુતરિયા કહે છે કે જમીનના માલિકી હક મળે તો ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે.

માલિકી હક હોય તો પોતાની જમીન પર કૂવો ખોદવા સહિતનાં કામ આદિવાસીઓ કરી શકે.

માલિકી હક હોય તો તેમને નિરાંત થાય કે તેમની જમીન વિકાસનાં કાર્યો માટે પડાવી લેવામાં નહીં આવે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અન્ય આદિવાસી નેતા નગીન રાઠવાએ કહ્યું કે તમે વિચાર કરો કે તમે રહેતા હો, તે મકાન તમારા નામે ના હોય તો કેવી ચિંતા થાય.

તેઓ કહે છે, “તમે સતત એવા ભયમાં રહો છો કે કોઈ દિવસ કોઈ આવીને તમારા બાપદાદાની જમીન ખાલી કરવાનું કહેશે. અમારી જમીન આવી રીતે જતી રહે તો પણ અમે કશું કરી શકીએ નહીં.”

પ્રવીણ ભાર્ગવ કહે છે કે આદિવાસીઓ જંગલની બહાર આવીને સારી રીતે રહી શકે તેવી તક તેમને આપવી જરૂરી છે.

તેમનું કહેવું છે, “મારો અનુભવ છે કે જંગલમાં વસનારા ઘણા લોકો ત્યાંથી બહાર નીકળવા માગે છે. તેઓ શહેરોમાં આવીને વસવા માગે છે. તેવા લોકોને સરકારે સારી રીતે થાળે પાડવા જોઈએ.”

વનમાં રહેતા વનવાસીઓ કુદરતની સાથે બહુ તાલમેલથી ખુશ રહે છે તે બધી માન્યતાઓ છે એમ પણ પ્રવીણ ભાર્ગવ કહે છે.

જંગલની જમીન અંગેના કાયદાઓનો ઇતિહાસ

આદિવાસી કાર્યકર અને ભાષાશાસ્ત્રી ડૉ. ગણેશ દેવીના જણાવ્યા અનુસાર બ્રિટિશરોએ રજવાડાંના કબજામાં ના હોય તેવા વનવિસ્તાર પર કબજો જમાવવા માટે કાયદો પસાર કર્યો હતો.

1860માં ‘ધ ફૉરેસ્ટ ઍક્ટ’ એવા નામે કાયદો પસાર કરાયો હતો અને વનમાં વસતા લોકોની યાદી તૈયાર કરાઈ હતી.

આ યાદી જ આગળ જતા અનુસૂચિત જાતિની યાદી બની હતી.

પદ્મશ્રી ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. દેવી કહે છે કે બ્રિટિશ સરકારે ભારતના જંગલોને કબજે કરવા માટે વનવિભાગ ઊભો કર્યો હતો.

આઝાદી પછી આ કાયદો અમલમાં જ રહ્યો અને વનવિભાગની કામગીરી પણ એ જ પ્રમાણે ચાલતી રહી.

બાદમાં ધ ફૉરેસ્ટ (કન્ઝર્વેશન) ઍક્ટ 1980 પસાર કરાયો, જેમાં જંગલની જમીનોના માલિકી હકને બદલવા સામે કડક જોગવાઈ કરવામાં આવી.

તેના કારણે આદિવાસીઓ અને સરકાર સામસામે આવી ગયા હતા.

1927 અને બાદમાં આ 1980ના ‘ધ ફૉરેસ્ટ ઍક્ટ’ના કારણે જ સરકાર અને આદિવાસીઓ વચ્ચે સંઘર્ષ થતો રહ્યો છે એમ ડૉ. દેવી માને છે.

યૂપીએની સરકાર હતી ત્યારે ‘ધ ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો હતો.

આ કાયદા હેઠળ વનવિભાગને જણાવાયું હતું કે આદિવાસી બાબતોના મંત્રાલય સાથે સંકલન કરીને આદિવાસીઓને તેમની જમીનોનો હક મળે તે માટે કાર્યવાહી કરવી.

1980ના ‘ધ ફૉરેસ્ટ ઍક્ટ’ હેઠળ કેન્દ્ર સરકાર જંગલની જમીનોને અન્ય હેતુઓ માટે આપી શકે છે.

‘ધ ફૉરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટ’ હેઠળ તા. 01.01.2015થી તા. 05.02.2019 સુધીમાં કુલ 54648.54 હેક્ટર જમીનમાં હેતુફેર કરવામાં આવ્યો છે.

આ રીતે વનવિસ્તાર નાશ પામે તેની સામે રાજ્ય સરકારોએ ફરજિયાત વનીકરણ માટે અન્ય બિનજંગલ જમીન તથા પડતર જમીનનો ઉપયોગ કરવાનો રહે છે.

source:


SHARE WITH LOVE
 • 191
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  191
  Shares

Leave a Reply

Your email address will not be published.