ગુજરાત બોર્ડના 959 વિદ્યાર્થીઓએ લખ્યો એક જેવો ખોટો જવાબ, રિઝલ્ટ રોકાયું?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે સામુહિક નકલનું એક મોટું કૌભાંડ પકડ્યું છે, જેમાં ગીર-સોમનાથનાં ત્રણ એક્ઝામ સેન્ટર્સના નામ સામે આવ્યા છે અને બારમા ધોરણના 959 જેટલા વિદ્યાર્થીઓ એમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

એક તરફ બોર્ડની પરીક્ષામાં ચોરીઓ અટકાવવા માટે ગુજરાત સરકાર એડીચોટીના પ્રયત્નો કરે છે ત્યારે સામુહિક નકલના આવા કિસ્સા સામે આવે તો સરકારને માથે માછલા ધોવાય એ સ્વાભાવિક છે. જોકે જે વિદ્યાર્થીઓ આ નકલમાં સંડોવાયેલા છે તેમના પર 2020 સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને જે વિષયમાં સામુહિક નકલનો કિસ્સો સામે આવ્યો છે એ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે.

ગીર-સોમનાથના સેન્ટર્સની ચોરીનો આ આખો મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે 959 વિદ્યાર્થીઓએ એક જ સવાલનો એક સરખો જવાબ લખ્યો હતો. જેમાં બધાએ ભૂલ પણ એકસરખી જ કરી હતી! તો 200 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા, જેમણે ‘બેટી પરિવાર કા ચિરાગ હૈ’ નિબંધ શરૂઆતથી અંત સુધી એક સરખો લખ્યો હતો. આ સિવાય એકાઉન્ટ્સ, ઈકોનોમિક્સ, અંગ્રેજી અને સ્ટેટેસ્ટિક્સ જેવા વિષયોમાં પણ સામુહિક ચોરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

આ ઘટનાને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગીર-સોમનાથના અમરાપુર અને પ્રાચી-પિપળા સેન્ટર્સ તેમજ જુનાગઢના વિસાનવેલ પરીક્ષા સેન્ટરની માન્યતા રદ્દ કરવાનું આયોજન કરી રહ્યું છે. તો બીજી તરફ જેટલા વિદ્યાર્થીઓ આમાં સંડોવાયા છે એમને ગાંધીનગર હાજર કરીને એમની પરીક્ષા પર પ્રતિબંધ પણ લાદી દેવામાં આવશે.

કેટલાક વિદ્યાર્થીઓએ આ સંદર્ભે બોર્ડને કહ્યું છે કે આ પરીક્ષા કેન્દ્રો પર ચાલુ પરીક્ષાએ શિક્ષકો વિદ્યાર્થીઓને ડિક્ટેશન આપતા હતા. આ બધામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જે સેન્ટર્સ પર સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે એ સેન્ટર્સ પર સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને અમદાવાદની પ્રાઈવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ પકડાયા છે, જેમણે બહારના વિદ્યાર્થીઓ તરીકે આ સેન્ટર્સ પર ફોર્મ ભર્યું હતું. આ કૌભાંડને શિક્ષણ બોર્ડનું અત્યાર  સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. બહારના વિદ્યાર્થીઓને કારણે આ કૌભાંડમાં આવનારા દિવસોમાં નવા રહસ્યો ખૂલે તો નવાઈ નહીં.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.