સોશિયલ મીડિયામાં છવાયા અંગ્રેજો સામે લડનાર આદિવાસી નાયક

SHARE WITH LOVE
 • 2.7K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.7K
  Shares

my adivasi – Myadivasi.com

Like Us:

ભારતમાં શુક્રવાર સવારથી આદિવાસી નેતા બિરસા મુંડા સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા છે.

ભારતના ટૉપ ટ્રેન્ડમાં #બિરસા મુંડા અને #ધરતીબાબા_બિરસા મુંડા મોખરે રહ્યું હતું, તેવામાં સોશિયલ મીડિયા યુઝર્સમાં એ વાતને લઈને ચર્ચા હતી કે કોણ હતા બિરસા મુંડા?

આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખ આઝાદ રાવણે બિરસા મુંડા માટે ભારત રત્નની માગણી કરી.

#BharatRatnaforBirsaMunda પર અનેક લોકોએ તેમને ભારતની આઝાદીના પ્રથમ લડવૈયા ગણાવ્યા.

પ્રોફેસર દિલિપ મંડલે આજ સુધી કોઈ આદિવાસી નેતાને ભારત રત્ન નથી આપવામાં આવ્યો એવો સવાલ કર્યો.

આદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળે પણ બિરસા મુંડાને ભારત રત્ન આપવાની વાતનું સમર્થન કર્યું.

આદિવાસિયો દ્વારા પોતાની જમીન માટેની લડત ઘણી જૂની છે અને 19મી સદીના આદિવાસી નાયક બિરસા મુંડાનો કિસ્સો એક અપવાદ માની શકાય કારણકે ઇતિહાસમાં તેમને હજુ યાદ રાખવામાં આવ્યા છે.

બિરસા મુંડાનો જન્મ 1875માં છોટાનાગપુરમાં થયો હતો જે આજે ઝારખંડનો એક જિલ્લો છે.

25 વર્ષના તેમના જીવનની કહાણી એટલી જ્વલનશીલ હતી કે તેનો તાપ આજ સુધી અનુભવાય છે.

તેમની મુંડા જનજાતિ કોલ જનજાતિનો એક ભાગ હતી.


ખ્યાતિ

વાંસની એક ઝૂંપડીમાં મોટા થયેલા બિરસા મુંડા ઘેટાં-બકરી ચરાવતા, વાંસળી વગાડતા અને સ્થાનિક છોડના ઔષધીય ગુણોની વિશે શોધ-ખોળ કરતા.

પ્રાથમિક દિવસોમાં તેઓ એક સ્થાનિક ભુવા રૂપમાં ઓળખાતા પરંતુ પછીના સમયમાં તેમણે બ્રિટિશ શાસકો, દલાલો અને ખ્રિસ્તી ધર્મના ઉપદેશકોથી પોતાના સમુદાયના લોકોની રક્ષા કરનાર આદિવાસી નેતા તરીકે જાણીતા થયા.

પ્રોફેસર સુનીલ ખિલનાનીની શ્રેણી ઇનકાર્નેશન્સમાં પ્રખ્યાત લેખિકા અરૂંધતી રૉય કહે છે, “જો તમે ભારતના નક્શાને જોવો તો જાણી શકશો કે જે વિસ્તારમાં આદિવાસીઓ રહે છે ત્યાં જ વન અને ખનીજસંપદા અને આના પર બધાની નજર હોવા છતાં આદિવાસીઓનું અસ્તિત્વ ટકી રહ્યું કારણકે બિરસા મુંડા જેવા લોકોએ પોતાની માતૃભૂમિ માટે લડત શરૂ કરી હતી.”

ઇનકાર્નેશન્સ શ્રેણીમાં પ્રોફેસર સુનીલ ખિલનાની કહે છે, “આ જ એ દુનિયા છે જેમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો. જો અત્યાચારી માલિકને નવો ઘોડો ખરીદવો હોય તો પૈસા કોલ પાસેથી વસૂલ કરવામાં આવતા, જો તેના ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય તો તે કોલ પર કર થોપી દેતા, જો માલિકના ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય કે પછી કોઈ લગ્ન કે પૂજા, દરેક બાબતે કોલ પાસેથી કરવેરો વસૂલ કરવામાં આવતો. લૂટ, દંડ અને ડકૈતીનું તંત્ર ત્યાર સુધી ચાલતું રહે જ્યાં સુધી બિચારો કોલ ભાગી ન જાય.”

ચલકાન્ડ ગામમાં બિરસા મુંડા તેમના જોશને કારણે અલગ તરી આવતા. કોલ સમુદાયના યુવાનોની સરેરાશ લંબાઈ કરતા ઊંચા પાંચ ફીટ ચાર ઇન્ચના બિરસા મુંડા અપેક્ષાકૃત રૂપે ગોરા હતા.

પ્રોફેસર ખિલનાની કહે છે, જર્મન મિશનરીઝની એક રિપોર્ટમાં તેમનું વર્ણન એક હસમુખ અને અધીર કિશોરના રૂપમાં કરવામાં આવ્યું હતું જેને જોતાજ તમે જાણી શકો કે તે મસ્તી-તોફાનનો ભંડાર છે.

તેમને એમ વિચારીને બીજા ગામમાં મિશન શિક્ષા માટે ચૂંટવામાં આવ્યા કે ધર્માંતરણ માટે બરાબર પાત્ર હશે. જોકે પછી ખ્રિસ્તી મિશનરીઓનો નિર્ણય ખોટો સાબિત થયો.

પાદરીઓ સાથે દલીલ કરવા બદલ બિરસા મુંડાને મિશનરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

તેઓ ચલકાન્ડ ગામમાં એક હિંદુ વણકર પરિવાર સાથે રહેવા લાગ્યા હતા. અહીં એક વૈષ્ણવ સંતનો સાથ મળ્યો અને પછી તેમને એક ભુવાના રૂપમાં ખ્યાતિ મળી.

1896-97માં ઉત્તર ભારત ભયંકર ભૂખમરા અને દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. આની આગાહી બિરસા મુંડાએ કરી હોવાની લોકવાયકા પણ છે. લોકો તેમને એક દેવદૂતના રૂપમાં જોવા લાગ્યા. આજે પણ કેટલાક આદિવાસીઓ એમને ભગવાન તરીકે જુએ છે તો કેટલાક એમને આદિવાસી ઓળખના નાયક તરીકે.

લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં એક માનવવિજ્ઞાની અલ્પા શાહ ઝારખંડમાં આદિવાસી સમુદાયો વચ્ચે કામ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે કે, આધિવાસીઓના જીવનમાં ત્યારે પણ આધ્યાત્મનું ઘણું મહત્ત્વ હતું. ધર્મનું રૂપ ત્યારે તેવું નહોતું જેવું આજે છે. ધર્મ, અર્થતંત્ર અને રાજકારણ બધા એકબીજા સાથે જોડાયેલા હતા. જો બિરસાને જોઈએ તો તેઓ પોતાના સમુદાયના લોકોને રાજકીય રીતે એકઠાં કરી રહ્યા હતા પરંતુ તેમના આંદોલનમાં આધ્યામિકતાની મોટી ભૂમિકા હતા.

જોકે, બિરસા મુંડાને ઇતિહાસમાં અંગ્રેજો સામે તેમના સંઘર્ષ માટે યાદ રાખવામાં આવે છે.


અંગ્રેજો સામે લડત

19મી સદીની શરૂઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતના મોટા ભાગ પર કબજો કરી ચૂકી હતી અને આ ઝુંબેશ ચાલુ હતી. પછીના વર્ષોમાં ભારતમાં આવેલા રજવાડાંઓ પર પણ તેમણે કબજો કર્યો હતો.

બિરસા મુંડાના વિસ્તાર છોટાનાગપુર પર નિયંત્રણ મેળવવા વન કાયદા સહિત કેટલાક બીજા કાયદાઓ પણ લાગુ કરવામાં આવ્યા હતા અને જોતજોતામાં આદિવાસીઓ પાસેથી તેમના અધિકાર છીનવાવા લાગ્યા.

આદિવાસીઓ વગર રોક-ટોક પોતાના ઘેટાં-બકરાં ન હતા ચરાવી, બળતણ માટે જંગલમાં લાકડું કાપવા નહોતા જઈ શકતા.

આ દરમિયાન અંગ્રેજોએ આ વિસ્તારમાં બહારી લોકો (દિક્કુ)ને વસાવવાનું શરૂ કરી દીધું.

કોલ અને મુંડા સમુદાયના લોકો જે જમીનને પોતાની સંયુક્ત સંપત્તિ માનતા હતા તેને અંગ્રેજોએ બહારથી આવેલા લોકોને સોંપવાનું શરૂ કરી દીધું.

પ્રોફેસર ખિલનાની કહે છે કે પોતાની કિશોરાવસ્થાના અંતિમ વર્ષોમાં બિરસા મુંડા અંગ્રેજો, બહારના લોકો ( દિક્કુ) અને મિશનરીઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો ભાગ બન્યા હતા. 1895 તેમણે જાહેરાત કરી કે એક દેવીય આગ લાગશે અને જે લોકો તેમનો સાથ નહીં આપે તે પણ આ આગમાં ભસ્મ થઈ જશે.

પ્રોફેસર ખિલનાની પ્રમાણે લોકો પોતાના હથિયાર લઈને પહાડ પર તેમના શિબિર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા.

અલ્પા શાહ કહે છે, “તે પહાડ પર છ હજાર લોકો ભેગા થઈ ગયા. બ્રિટિશ સત્તાવાળાને લાગ્યું કે આ ભીડ તેમના વિરુદ્ધ એકઠી થઈ છે. પરંતુ તે લોકો પોતાના જીવના ડરથી ત્યાં ભેગા થયા હતા.”

બ્રિટિશ શાસકોએ બિરસા મુંડાની ધરપકડ કરી લીધી અને બે વર્ષ પછી તેઓ બહાર આવ્યા.


જેલમાં મૃત્યુ

1898માં તેમણે બ્રિટિશ રાણી વિક્ટોરિયાના પૂતળા બાળવાનું આહ્વાન કર્યું હતું.

1899માં તેમણે ર-ધનુષ, કુહાડી જેવા સાધનો લઈને મુંડાઓએ અંગ્રેજો અને તેમના દિક્કુ દલાલો વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. તેમની સંપત્તિને આગ લગાડી દીધી અને પોલીસોની હત્યા કરી નાખી.

ઉલગુલાન નામની આ બગાવત વધુ લાંબી ન ચાલી, અંગ્રેજોએ આ બળવાને તોડી પાડ્યો અને બિરસાને ફરી પકડી લેવામાં આવ્યા અને જેલમાં જ તેમનું મૃત્યુ થયું.

તેમની મૃત્યુ પછી અંગ્રેજોને તેમની વિરાસતને પચાવી પાડવામાં વાર ન લગાવી.

ઝારખંડની રાજધાની રાંચીમાં ઍરપોર્ટ અને કેન્દ્રીય જેલનું નામ બિરસા મુંડાના નામ પર જ રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ સરકારે તેમના નામ પર રાજપીપલામાં એક યુનિવર્સિટી શરૂ કરી છે પરંતુ એ પણ હકીકત છે કે આદિવાસીઓની જળ, જંગલ અને જમીનની લડાઈ આજે પણ ભારતમાં અનેક સ્થળોએ ચાલે ધરાવે છે.

( આ લેખમાં ભારતની 50 હસ્તીઓના જીવનની કહાણી પર આધારિત પ્રોફેસર સુનીલ ખિલનાનીની ઋંખલા ઇન્કાર્નેશન્સમાંથી ઇનપુટ્સ લેવામાં આવ્યા છે)

Source:


SHARE WITH LOVE
 • 2.7K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.7K
  Shares

Leave a Reply

Your email address will not be published.