ભરૂચ-નર્મદા: ની 300 પ્રાથમિક શાળા અન્ય શાળામાં મર્જ થશે

SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

ભરૂચ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને નજીકની શાળામાં મર્જ કરવાની સૂચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને આપવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવી 300 થી વધુ શાળાઓ મર્જ થવાનો અંદાજ છે. જેનાથી 600 જેટલા શિક્ષકો ફાજલ પડવાનો ભય ઉપસ્થિત થયો છે. તો ધોરણ 1 થી 5માં પોતાના જ ગામમાંથી હવે નાના બાળકોને બીજા ગામ સુધી ભણવા જવાની ફરજ પડશે. રાજ્યના શિક્ષણ વિભાગ સચિવ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વિવિધ મુદ્દે દર સપ્તાહે વીડિયો કોન્ફરન્સ થકી શિક્ષણની ગુણવત્તા સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હાલ ધોરણ 1થી 5 અને 6થી 8ના વર્ગોમાં જો વિદ્યાર્થીઓની સંખ્યા 30 કરતાં ઓછી હોય તેવી શાળાઓ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવી કેટલી શાળાઓ છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

600 થી વધુ શિક્ષકો ફાજલ પડશે
બંને જિલ્લામાંથી 300 ઉપરાંત શાળાઓ મર્જ થવાની હોવાથી આ શાળાઓમાં ફરજ બજાવતા 600 થી વધુ શિક્ષકોના માથે ફાજલ પાડવાની તલવાર લટકી રહી છે. તો તેમની સાથે મધ્યાહન ભોજન સંચાલકોને પણ અસર થશે. શિક્ષકોને તો અન્ય શાળામાં સમાવી લેવામાં આવશે પરંતુ મધ્યાહન ભોજન સંચાલકોને ઘર આંગણે મળતી રોજગારી છીનવાઈ જશે.


શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં અંદાજે 150 કરતાં વધુ શાળાઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તો નર્મદા જિલ્લામાં 166 જેટલી શાળાઓ બંધ કરી નજીકના ગામની શાળામાં મર્જ કરવાની ફરજ પડશે. બંને જિલ્લામાં 300 કરતાં વધુ શાળાઓમાં મર્જ કરવાની સ્થિતિને કારણે 600 થી વધુ શિક્ષકો ફાજલ પડે તેમ છે. જોકે, સરકારના નિયમ મુજબ આ ફાજલ શિક્ષકોને પ્રથમ તેમના ક્લસ્ટર, ગ્રૂપમાં અથવા તાલુકામાં જે શાળામાં ઘટ હોય ત્યાં સમાવેશ કરવામાં આવશે. તેમ છતાં જો શિક્ષકો વધમાં જસે તો તેમને નજીકના તાલુકાની શાળાઓમાં સમાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તેમને હજી સુધી રાજ્ય કક્ષાએથી કોઇ સુચના મળી નથી.


ભરૂચ DPEOની જગ્યા ખાલી પડી
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. પી. પટેલ વય નિવૃત્ત થયા બાદ હાલ ભરૂચ જિલ્લામાં તેમની જગ્યા ખાલી પડી છે. તેમના સ્થાને હાલ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન ચૌધરીને ચાર્જ સોપવામાં આવ્યો છે. શાળાઓ મર્જ થવા અંગે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ થઈ શક્યો નથી.


અંતરિયાળ ગામોમાં ટ્રાન્સપોર્ટેશનની અપુરતી સુવિધાના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધવાનો ડર
અંતઆરીયાળ વિસ્તારો ખાસ કરીને નર્મદા જિલ્લાના ગામડાઓમાં હજી સુધી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરતા પ્રમાણમાં થઈ શકી નથી. જે ગામોની શાળાઓ મર્જ થવાની છે તેવા ગામોમાં હાલ બસની પણ સુવિધા ઉપલબ્ધ નથી. બીજી તરફ ગામની શાળામાં એકલા નહીં જઈ શકતા બાળકો બાજુના ગામ સુધી કેવી રીતે જઈ શકે.? આવા વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેશિયો ફરી વધવાનું જોખમ રહેલું છે.


શાળા બીજા ગામમાં ગયા પછી નિર્માણ પામેલી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું થશે?
શાળા અન્ય ગામમાં મર્જ થયા પછી સરકાર દ્વારા નિર્માણ પામેલી શાળાઓની પ્રોપર્ટી ખંડેર બનશે. તેની જણાવણી કોણ કરશે અથવા તે બિલ્ડીંગનો ઉપયોગ કયા કામમાં થશે તેની હજી કોઈ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી નથી. બીજી તરફ હાલમાં જ હજી કેટલીક શાળાઓમાં ઓરડાના ઠેકાણા નથી ત્યાં જે શાળાઓમાં નવા વિદ્યાર્થીઓને સમાવવાનાં છે ત્યાં પણ વર્ગોની અછતનો પ્રશ્ન સામે ઊભો છે.

આ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટાભાગે આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી આદિવાસી માતા-પિતા તેમજ આદિવાસી આગેવાનો તેમજ આદિવાસી સંગઠનોમાં પણ શાળાઓ મર્જ કરવા અંગે સરકારના નિર્ણયનો નર્મદા જિલ્લામાં વિરોધ શરૂ થયો છે. આ અંગે આદિવાસીઓના સંગઠનના પ્રમુખ મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. આમ સંગઠનની આ અંગે મિટિંગ યોજાશે, આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ બંધ કરીને આદિવાસીઓને સરકાર શું  ભવિષ્યના મજૂરો બનાવવા માંગે છે  સરકારના આ નિર્ણયનો વિરોધ કરાશે. 
એક સર્વેમાં જણાવ્યા મુજબ નર્મદા તાલુકા વાર શાળાઓ જોતા ત્રીસ થી ઓછા વિદ્યાર્થીઓની આવી સંખ્યાવાળી શાળાઓમાં તિલકવાડા તાલુકામાં ૩૮ શાળાઓ, સાગબારા તાલુકામાં ૯, ગરુડેશ્વર તાલુકા માં ૩૪, નાંદોદ તાલુકામાં ૪૪ અને ડેડીયાપાડા તાલુકામાં ૪૧ શાળાઓ મળી કુલ ૧૮૮ શાળાઓનો સમાવેશ થાય છે.


SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

Leave a Reply

Your email address will not be published.