બિન સચિવાલય ભરતી વિવાદ: કોંગ્રેસ 9મીએ વિધાનસભા કૂચ કરશે

SHARE WITH LOVE
 • 30
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  30
  Shares

નેતાઓનું સમાધાન, પણ પરીક્ષા રદ કરવાની માગણી સાથે સેંકડો ઉમેદવારો અડીખમ

બિન સચિવાલય કર્મચારીઓની ભરતી મામલે સર્જાયેલા વિવાદમાં ગુરુવારે સાંજથી આંદોલન ઢીલું પડ્યું હોવાનું જણાતા કોંગ્રેસના નેતાઓ ખુલીને મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ યુવાન પરીક્ષાર્થીઓમાં નવું જોમ પૂરતાં તેઓ પરીક્ષા રદ કરાવવાની માગણી પર અડગ રહ્યા છે. બિન સચિવાલય ભરતી પરીક્ષાને રદ કરવાની માગણી સાથે કોંગ્રેસે નવમી ડિસેમ્બરે વિધાનસભા કૂચનું એલાન કર્યું છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ સરકારને ઘેરવા માટે કમર કસતાં કોંગ્રેસે ગૃહમાં પણ આ મામલે આક્રમક રજૂઆતની તૈયારી કરી છે. ભરતી પરીક્ષાઓમાં વારંવાર છબરડા અને ભ્રષ્ટાચારના મામલે સમગ્ર રાજ્યમાં જન આંદોલન ઊભું કરવા કોંગ્રેસ સંગઠનને સાબદું કરાયું છે. કોંગ્રેસના સમર્થન સાથે નારાજ ઉમેદવારો ફરી મેદાને ઉતરતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

એસઆઈટીની રચના અંગેની જાહેરાત બાદ આંદોલનકારીઓમાં સ્પષ્ટ ભાગલા પડ્યા હતા, જેના કારણે આંદોલનના નેતાઓએ સરકાર સાથે સમાધાન કર્યા બાદ પણ સેંકડો ઉમેદવારો મેદાન છોડવા તૈયાર ન હતા. કોંગ્રેસે આંદોલનને ટેકો આપવાનું એલાન કરતાં શુક્રવાર સવારથી નારાજ ઉમેદવારોએ ફરી મોરચો માંડ્યો હતો.

આંદોલનના નેતા યુવરાજસિંહે એસઆઈટીની રચના માત્રથી સંતોષ માની લેવાની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતને લોલિપોપ સમાન ગણાવીને સેંકડો યુવાનોએ મેદાન છોડવા નનૈયો ભણ્યો હતો. લડતમાં ધાર્યું પરિણામ ન મળવાની નિરાશા સાથે અનેક યુવાનો રવાના થઈ રહ્યા હતા. આંદોલનકારીઓનો ડગતો આત્મવિશ્વાસ જોઈને પોલીસે પણ દબાણ વધાર્યુ હતું. જેના કારણે રાત્રે નવ સુધીમાં માંડ ૫૦૦ ઉમેદવારો જોવા મળતા હતા. એબીવીપીના નેતાઓએ આંદોલનને નિષ્ફળ બનાવ્યું હોવાનું લાગણી વ્યક્ત કરીને લડત પર બેઠેલા ઉમેદવારોને આખરે મજબૂત પીઠબળની જરૂર પડી હતી. જેથી તેમણે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓનો હુરિયો બોલાવવાની ઘટના ફરી નહીં બને તેની ખાતરી આપી હતી.

ઉમેદવારોની લડતની તૈયારી જોતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ સ્વર્ણિમ પાર્ક પહોંચી ગયા હતા. તેમને જોઈને આંદોલનકારીઓની ઘટતી સંખ્યા અટકી હતી. થોડા સમય બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ આવી પહોંચ્યા હતા. નેતાઓની હાજરી જણાતા કોંગ્રેસના કાર્યકરો ખુલીને મેદાનમાં આવ્યા હતા અને તેમણે સૌ પ્રથમ આંદોલનકારીઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી. મોડી રાત્રે ખુલ્લા આકાશમાં પરેશ ધાનાણી તથા કોંગ્રેસના અગ્રણીઓએ આંદોલનકારીઓ સાથે ખીચડી-શાકનું ભોજન લીધુ હતું. ઉલ્લેખનીય છે કે, આંદોલનના પ્રથમ બે દિવસ દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાના નામે કોંગ્રેસના નેતાઓએ આંદોલનકારીઓને ચા-નાસ્તો પૂરો પાડ્યો હતો, પરંતુ રાત પડતાં તેઓ ખુલીને બહાર આવ્યા હતા.

આંદોલન પર બેઠેલા યુવાનો સાથે રાત ભર ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. જેના કારણે પરીક્ષા રદ કરાવવા માગતા વિદ્યાર્થીઓને ફરી મેદાનમાં લાવવા માટે સોશિયલ મીડિયા તથા રૂબરૂ સંપર્ક થયો હતો. પરિણામે, શુક્રવારે સવારથી ફરી સ્વર્ણિમ પાર્કમાં આંદોલનકારીઓની ભીડ જોવા મળી હતી. આંદોલનકારીઓનો ઉત્સાહ ટકાવી રાખતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ભરતી પરીક્ષાની પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે છેક સુધી લડી લેવાનો હુંકાર કર્યો હતો.

પ્રતિક ઉપવાસમાં એકની તબિયત લથડી 

કોંગ્રેસે આંદોલનમાં નવું જોમ પૂરતા ઉમેદવારોએ હવે પરીક્ષા રદ કરવાની માગ સાથે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. દરરોજ અલગ-અલગ વિસ્તારના ૧૫થી ૧૭ ઉમેદવારો પ્રતિક ઉપવાસ પર બેસવાના છે. અગાઉ આંદોલનોની આગેવાની લઈ ચૂકેલા જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ ઉપવાસમાં તેમનો સાથ આપી રહ્યાં છે. કોંગ્રેસ-એનએસયુઆઈના કાર્યકરો પણ તેમની સાથે ઉપવાસમાં જોડાયા છે. ઉપવાસના પ્રથમ દિવસે શુક્રવારે સાંજે એનએસયુઆઈના એક કાર્યકરની તબિયત લથડતા તેને દવાખાને લઈ જવાયો હતો.

Source:


SHARE WITH LOVE
 • 30
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  30
  Shares