ઠંડીને લીધે કચ્છમાં કાશ્મીર જેવી સ્થિતિ, બરફના જામેલા પડ જોવા મળ્યા… જાણો કેટલું રહ્યું તાપમાન
કચ્છઃ કડકડતી ઠંડીને કારણે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હાડકા ધ્રુજાવતી ઠંડીને કારણે કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકામાં તો વાહનો ઉપર બરફનું પડ જામી ગયું હતું. કાતિલ ઠંડીને લીધે રાજ્યનાં ટોપ કોલ્ડ વિસ્તારમાં સ્થાન ધરાવતા નલિયામાં પારો 3.2 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે ક્રિસ્મસ બાદ કચ્છમાં ઠંડીએ તેનું અસલ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રવિવાર રાતથી જ ઠંડીએ કચ્છમાં તેની પકડ જમાવી હતી. જેને પગલે નલિયાની જેમ જ કચ્છનાં અન્ય વિસ્તારોમાં પણ ઠંડીને પગલે પારો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો હતો. કંડલા એરપોર્ટમાં તાપમાન 5.5 ડીગ્રી નોંધાયું હતું. જિલ્લાનાં પાટનગર ભુજમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળતા પારો 10.2 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.
લાંબા સમય પછી ઠંડીની સિઝનમાં ડિસેમ્બર મહિનામાં આ પ્રકારે ઠંડી જોવા મળી છે. જેને પગલે નાતાલની રજાઓમાં કચ્છનાં પ્રવાસે આવેલા ટુરિસ્ટ પણ કચ્છમાં કાશ્મીર જેવા માહોલને દિલથી માણી રહ્યા છે.