એક્ઝિટ પોલનું A to Z: જાણો ક્યારે શરૂ

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

લોકસભાની ચૂટંણીના સાત તબક્કા પૂરા થવા આવ્યા છે જે 11 એપ્રિલથી શરૂ થયા હતા. રવિવારે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ જશે. બધાની નજરો તેની ઉપર છે. ત્યારે આપણે સમજીએ કે એક્ઝિટ પોલ ખરેખર શું છે અને તે ક્યારે શરૂ થયા. કેવી રીતે કરાય છે. કેટલો વિશ્વાસ કરવો જોઇએ.

શું છે એક્ઝિટ પોલ

એક્ઝિટ પોલ એટલે સંશોધકો દ્વારા મત આપીને નીકળતા મતદારોને પૂછાયેલા સવાલો. આ સવાલોને આધારે કોણ જીતશે અને કોણ હારશે, તેનો અંદાજ લગાવાય છે.

ઓપિનિયમ પોલ અને એક્ઝિટ પોલમાં શું તફાવત છે

ઓપિનિયન પોલ મતદાનની પહેલા લેવામાં આવે છે તેને આધારે તેઓ મત કોને આપવાના છે તેનો કયાસ લગાવાય છે. જ્યારે એક્ઝિટ પોલ મત આપ્યા પછી નીકળતી વખતે પૂછાયેલા સવાલો હોય છે એટલે તેને એક્ઝિટ વખતે કરાયેલો પોલ કહેવાય છે.

ભારતમાં ક્યારે શરૂ થયા

ભારતમાં એક્ઝિટ પોલ દિલ્હીના સેન્ટર ફોર ડેવલપિંગ સોસાયટી દ્વારા 60ના દાયકામાં શરૂ કરાયા હતા. સૌપ્રથમ ગંભીરતાથી શરૂ કરાયા હોય તેવા પોલ 1980માં શરૂ થયા હતા. પ્રણવ રોયે ડેવિડ બટલર સાથે આ પ્રયોગ શરૂ કર્યા હતા. તેમના આ કાર્ય પર કમ્પેડિયમ ઓફ ઇન્ડિયન ઇલેક્શન્સ નામનું પુસ્તક પણ તૈયાર થયું. વર્ષ 1996માં સીએસડીએસના પહેલીવાર દૂરદર્શન દ્વારા એક્ઝિટ પોલ માટેનું કામ આપવામાં આવ્યું હતું.

એક્ઝિટ પોલ દર્શાવવા પર બે વર્ષ સુધી જેલની સજા છે

રીપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, 1951ના સેક્શન 126 એ મુજબ ચૂંટણીની શરૂઆતથી લઇને છેલ્લા તબક્કાની ચૂંટણી પૂરી થયા પછી અડધા કલાક સુધી પ્રતિબંધ મૂકાયેલો છે. જો કોઇ એક્ઝિટ પોલ બતાવે તો બે વર્ષ સુધીની જેલ અને દંડની સજાની જોગવાઇ છે.

એક્ઝિટ પોલની ટીકા કેમ થાય છે

એક્ઝિટ પોલની ટીકા એટલા માટે થાય છે કારણ કે રાજકીય પાર્ટીઓ પ્રશ્નોની પસંદગી, લોકોની પસંદગી, પ્રશ્નોનો સમય, પોલ કરવાની મેથડથી લઇને બીજી બાબતોમાં પણ ઘાલમેલ કરી શકે છે. તેનાથી ખોટા પરિણામો આવી શકે છે. એકબીજાનું સારૂ દેખાડવા કે સામેની પાર્ટીનું ખરાબ દેખાડવા પણ આવા પોલ કરાવી શકાય છે.

ચૂંટણી પંચે પ્રતિબંધનો અમલ કરાવવા લાંબી લડાઇ લડી છે

વર્ષ 1998માં પહેલીવાર ચૂંટણી પંચે ગાઇડલાઇન જાહેર કરીને જણાવ્યું કે છાપા અને ટેલિવિઝને એક્ઝિટ પોલની મેથોડોલોજીથી લઇને સેમ્પલ સાઇઝ જેવી તમામ જાણકારી મતદારોને આપવાની રહેશે. જોકે આ ગાઇડલાઇનનો વિરોધ થયો. મુદ્દો કોર્ટ સુધી ગયો. જોકે, કોર્ટે ત્યારે પ્રતિબંધ મૂક્યો ન હતો. ત્યારપછી પણ ખેંચતાણ ચાલતી રહી. વર્ષ 2004માં ચૂંટણી પંચે લો મિનિસ્ટ્રીને સંપર્ક કર્યો. ચૂંટણી પંચે 6 રાષ્ટ્રીય અને 18 પ્રાદેશિક પક્ષોની સંમતિ પણ આ બાબતે લીધી. કાયદામાં સુધારો કરવા માટેની ભલામણ કરી. ફેબ્રુઆરી 2010માં કેટલીક ભલામણોનો સ્વીકાર કરાયો. ચૂંટણી પંચે 2013માં ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધની ભલામણ કરી પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. હાલ તે અંગે કોઇ નિર્ણય કરાયો નથી.

શું એક્ઝિટ પોલ સાચું આકલન કરે છે

વર્ષ 2004માં શાઇનિંગ ઇન્ડિયાના સૂત્ર સાથે ભાજપની સરકાર બનશે તેવું લગભગ તમામ પોલમાં જાહેરાત કરાઇ હતી પરંતુ ખોટા પડ્યા હતા. 2009માં પણ આગાહીઓ ખોટી જ પડી હતી. વર્ષ 1999માં પણ એનડીએની જીતની જાહેરાત કરાઇ હતી. 315 બેઠકો આવશે તેવું કહેવાયું પરંતુ 296 જ આવી. જોકે, 2014ની ચૂંટણીમાં મોટાભાગની પોલ એજન્સીઓની આગાહીઓ સાચી પડી હતી. તમામે મોદી વડાપ્રધાન બનશે તેવી જાહેરાત કરી હતી. દિલ્હીમાં કેજરીવાલની જીત મામલે પણ મોટાભાગની એજન્સીઓ ખોટી પડી હતી. આમ એકિઝટ પોલ કોઇકવાર સાચા પડી જાય તો કોઇક વાર ખોટા. એટલે 100 ટકા વિશ્વાસ કરી શકાય નહીં. કેટલા ટકા વિશ્વાસ કરવો તે તમામ વિવેક પર આધાર રાખે છે. જોકે, જ્યાં સુધી ચૂંટણી પંચ પરિણામો જાહેર ન કરે ત્યાં સુધી ચર્ચા કરવાના મુદ્દા તો જરૂર મળી જાય છે.


SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

Leave a Reply

Your email address will not be published.