અંકલેશ્વર GIDCની કંપનીમાં ડિસ્ટિલેશન પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા વેળાં આગ
વાસુદેવ કેમિકલમાં સોલવન્ટના કારણે આગ વધુ વિકરાળ બની : 2 કલાકે કાબૂ મેળવાયો
અંકલેશ્વર જીઆઇડીસીની વાસુદેવ કેમિકલમાં વહેલી પરોઢે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. 8 જેટલા ફાયર ફાઇટરોની મદદથી 2 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. ડિસ્ટિલેશન પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ભભૂકી હતી. ત્યાં રહેલ સોલ્વન્ટના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જેના પર પાનોલી અને અંકલેશ્વર ડીપીએમસીએ આગ પર ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વાસુદેવ કેમિકલ કંપનીમાં વહેલી સવારે ડિસ્ટિલેનશન પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પ્લાન્ટમાં કામદાર વર્ગમાં નાસભાગ મચી ગઇ હતી. પ્લાન્ટમાં મુકેલા સોલ્વન્ટ ભરેલ ડ્રમમાં આગ પ્રસરતા આગ વધુ ફેલાય ગઈ હતી અને ડ્રમ ફાટતા સોલ્વન્ટ પ્રસરી જતા કંપની બહાર આવેલા કાંસમાં પણ આગ ફેલાઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ફાયટરની ટીમ દોડી આવી હતી. જો કે આગ વધુ ફેલાતા પાનોલી જીઆઈડીસીના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 8 જેટલા ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આગના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ તેમજ ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને પણ સ્થળ તપાસ આરંભી પ્રાથમિક સ્થળ નોટિસ પાઠવી હતી.