સરકારે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી સસ્તી વીજળી ખરીદી છેઃ સૌરભ પટેલ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગરીબ લક્ષી યોજનાના લાભો છેવાડાના માનવીને મળતા રહે તે માટે તેમજ વિકાસલક્ષી કામોમાં ગતિ જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારની નીતિ મુજબ જ અને કાયદાની જોગવાઈ અનુસાર સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી સસ્તી વીજળી ખરીદવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, ખાનગી વીજ ઉદ્યોગકારો પાસેથી વીજળી ખરીદવા માટેના બીડ UPA સરકારે જ નક્કી કર્યા હતા અને અલ્ટ્રા મેગા પ્રોજેકટમાં 4,000 મે.વોટના બીડ કાઢ્યા હતા. તે સમયે રાજ્ય સરકારે પોતાના 3200 મે.વોટના બીડ કાઢ્યા હતા અને અલ્ટ્રા મેગાવોટના પ્રોજેકટમાં 1805 મે.વોટની વીજળી ખરીદવા રાજ્ય સરકારે કરાર કરીને કુલ આશરે 5000 મે.વોટ ખાનગી વીજળી ખરીદવામાં આવી હતી.

ખાનગી વીજળી ખરીદવા અંગેના કારણો આપતા તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની નીતિ મુજબ દર વર્ષે 1500 મે.વોટની વીજળી ઉત્પન્ન કરવી હોય તો રૂા.6,000 કરોડનું બજેટ પ્રતિ વર્ષ સરકાર પાસે હોવું જોઈએ એટલે આમ કરીએ તો વિકાસના કામો તથા ગરીબલક્ષી યોજનાઓમાં ઘટાડો થાય એટલા માટે કેન્દ્રએ નક્કી કરેલી નીતિ મુજબ જ ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રેગ્યુલેટરી કાયદા મુજબ જે વીજળી સસ્તી હોય તે ડીમાન્ડ મુજબ ખરીદવાની હોય છે. હાલ 5000 મે.વોટ વીજળીના ખાનગી બીડ છે અને જેના વીજળીના ભાવ ઘણા બધા રાજ્ય હસ્તકના પાવર સ્ટેશન કરતા સસ્તા હોઈ ખાનગી વીજળી ખરીદવાને પ્રાધાન્ય અપાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ટાટા, અદાણી, એસ્સાર, પાસેથી જે ભાવે વીજળી ખરીદી કરાય છે તે સરેરાશ ભાવ કરતા ઓછો ભાવ હોય તે વીજળી ખરીદી છે.

ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારે વર્ષ-2012-13 થી 2018-19 સુધીમાં ખાનગી કંપનીઓ પાસેથી જે ભાવે વીજળી ખરીદી છે તે એવરેજ ભાવ કરતા 75 પૈસાથી રૂા.1.50 સુધી સસ્તી પડી છે. આજની તારીખ સુધીમાં રૂા.23,508 કરોડનો ફાયદો ગ્રાહકોને સસ્તી વીજળી ખરીદવાના પરિણામે થયો છે. રાજ્ય સરકારે સસ્તી વીજળી ખરીદવાનો હંમેશા આગ્રહ રાખ્યો છે પછી તે સરકારની વીજ ઉત્પાદન કંપની હોય કે, પછી ખાનગી વીજ ઉત્પાદન કંપનીની હોય અને આ બચતની રકમ વિકાસલક્ષી યોજનાઓ પાછળ ખર્ચ કરી શકાય. કેન્દ્ર સરકારની વીજળી ખરીદી અંગેની નીતિ મુજબ જે વીજ એકમ અથવા કંપની સસ્તી વીજળી આપે તેની પાસેથી વીજળી ખરીદવાનો રાજ્ય સરકાર આગ્રહ રાખે છે તેમ પણ તેમણે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.