દિલ્હીમાં પેટ્રોલ રૂ. 90ને પાર, મુંબઇમાં રૂ.96.62
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
સળંગ 11મા દિવસે ભાવ વધારવામાં આવતા દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 90 રૂપિયાને પાર થઇ ગયો છે અને ડીઝલનો ભાવ વધીને80.60 રૂપિયા થઇ ગયો છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલના ભાવમાં 31 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા પછી મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 96.62 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 87.62 રૂપિયા થઇ ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને 65 ડોલરને પાર થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધતા ભારતમાં પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધારી રહી છે.
છેલ્લા 11 દિવસમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 3.24 રૂપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં 3.47 રૂપિયાનો વધારો થયો છે. 2010માં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંકુશ મુક્ત થયા પછીનો આ સૌથી મોટો વધારો છે.