વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સંપાદિત જમીનનું યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતો આક્રમક, 6 ગામના ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ: ભરૂચ જિલ્લામાં વિવિધ સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા ખેડૂતો સાથે વળતર મુદ્દે સરકાર અન્યાય કરી રહી છે, જેને લઈને આગામી સમયમાં લડત આપવા માટે રણનીતિ નક્કી કરવા ભરૂચના કારેલા ગામે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર 6 ગામોનાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતાં એવોર્ડ પરત લઇને યોગ્ય એવોર્ડ આપવાની માંગ કરી અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાનું નક્કી કર્યું હતું અને આ લડતને આગળ ધપાવવા માટે તમામ ખેડૂતોએ હુંકાર કર્યો હતો.
સરકાર અન્યાય કરી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, આવકવેરા વિભાગની ખેડૂતો સાથે કનડગત અને અંકલેશ્વરના 34 અને ભરૂચનાં 55 ગામો માટે બનાવેલા શહેરી વિકાસ સત્તા મંડળ, બૌડામાં સમાવિષ્ટ ગામોના ખેડૂતોની એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત જમીનનું વળતર સહિતના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર સુથોદરા, કેલોદ, કુરચણ, વાતરસા, પીપરીયા, દેરોલ અને દયાદરાના ખેડૂતોને વળતરમાં અન્યાય થતાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ખેડૂતોના પક્ષે ચૂકાદો હોવા છતાં સરકાર દ્વારા વળતર આપવામાં ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉમટી પડ્યા
કારેલા ગામ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જો સરકાર દ્વારા આ 6 ગામોના ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરવાની પ્રોસિઝર સાથે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દાખવી હતી. સાથોસાથ ખેડૂતોને અપાતા નહેરના પાણી અને વીજળીની અનિયમિતતા મુદ્દે પણ લડત ઉગ્ર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, આગેવાનો મહેન્દ્રસિંહ, નિપુલ પટેલ, ઈશાક ઉગરાદાર, રણજીતસિંહ, સહકારી આગેવાન સંદીપ માંગરોલા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •