આજથી ગુજરાતનાં આ 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 સુધી કરફ્યૂ, જાણો બીજી શું કરાઈ મોટી જાહેરાત?

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

ગુજરાતમાં કોરોના બેકાબૂ થતાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત બીજા ચાર મહાનગરો-ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલી જેવા ૧૨ શહેરો મળીને હવે રાજ્યના કુલ ૨૦ શહેરોમાં આજથી (બુધવાર) રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવાયો છે.

કરફ્યૂનો અમલ ૧ કલાક વધારાયો છે, એટલે કે રાત્રે ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ સંચારબંધી ૩૦ એપ્રિલ સુધી લાગુ રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને અનુલક્ષીને સપ્તાહમાં ત્રણેક દિવસ અને સપ્તાહના અંત ભાગમાં પણ લોકડાઉન રાખવા માટે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે કરેલા સૂચન અને એડવોકેટ જનરલની સલાહ અનુસરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મોડી સાંજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવાયા છે.

કોરોનાના વકરતા સંક્રમણને ધ્યાને લઈને રાજ્યમાં ૩૦મી એપ્રિલ સુધી તમામ રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પચાસથી વધુ સંખ્યામાં એકત્રીકરણ થવા ઉપર પણ રોક લગાવાઈ છે. લગ્ન સમારંભોમાં અત્યાર સુધી ૨૦૦ માણસો માટે છૂટ હતી, પરંતુ હાઇકોર્ટની સૂચનાને પગલે આમાં પણ ૫૦ ટકા કાપ લદાયો છે, એટલે કે ૧૦મી એપ્રિલથી લગ્નમાં માત્ર ૧૦૦ માણસની જ છૂટ મળશે.

સરકારી કચેરીઓમાં પહેલો અને ત્રીજો શનિવાર ર્વિંકગ હોય છે, પરંતુ એપ્રિલમાં તમામ શનિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. તદુપરાંત સરકારી કચેરીઓમાં પ્રવેશ ઉપર પણ આંશિક પ્રતિબંધ લાદી દેવાયો છે, માત્ર અગત્યના કામ માટે જ સરકારી કચેરીમાં બહારનાને પ્રવેશ અપાશે. આ તમામ નિર્ણયો કોર કમિટીની બેઠકમાં લેવાયા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

મોરવાહડફ, ગાંધીનગરમાં ચૂંટણીની SOP લાગુ પડશે

રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં તથા મોરવાહડફ વિધાનસભા બેઠક ઉપર આવતા દિવસોમાં ચૂંટણીઓ યોજાનારી છે. આ સંદર્ભે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, આ બંને સ્થળોએ ચૂંટણીપંચની કોરોના અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસઓપી લાગુ પડશે અને ઉમેદવારોએ પ્રચાર દરમિયાન તથા મતદારોએ મતદાન વખતે તે માર્ગદર્શિકા અનુસરવી પડશે

૩ લાખ રેમડેસિવીર ઇન્જે.નો ઓર્ડર અપાયો

મુખ્યમંત્રી રૂપાણીએ મંગળવારે સાંજે જાહેર કર્યું હતું કે, રેમડેસિવીરના ૩ લાખ ઇન્જેક્શનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને એ મળે ત્યારબાદ તુર્ત જ વેચાણ શરૂ કરવામાં આવશે. સરકારી દવાખાના- હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન ફ્રીમાં અપાશે. દરેક મોટા શહેરોમાં, જિલ્લા કેન્દ્રો ઉપર તે ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉત્પાદકોએ હવે ૭૦% ઓક્સિજન આપવો પડશે

મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે, ઓક્સિજનનું ઉત્પાદકોએે તેમનું ૬૦ ટકા ઉત્પાદન રાજ્ય સરકારને આપવા માટે સોમવારે જણાવાયા બાદ હવે વધુ ૧૦ ટકા યાને ૭૦ ટકા ઓક્સિજન ઉત્પાદન રાજ્ય સરકારને આપવું પડશે. ઔદ્યોગિક હેતુ માટે તેમનું માત્ર  ૩૦ ટકા ઉત્પાદન જ વેચી શકશે.

રાજ્યને ગૃહમંત્રી, પી.કે. મિશ્રાનું માર્ગદર્શન : ટેસ્ટિંગ વધારવા તાકીદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય આરોગ્ય સચિવને સાથે રાખી મુખ્યમંત્રી રૂપાણી સાથે મંગળવારે સાંજે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ પીએમઓ તરફથી પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા પણ જોડાયા હતા, જ્યારે રાજ્યના કોર કમિટીના  સભ્યો પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં રાજ્ય સરકારને RT-PCR ટેસ્ટિંગ વધારવા તથા ઘનિષ્ઠ ટ્રેસિંગ કરવા કેન્દ્ર તરફથી તાકીદ કરાઈ હતી.

પટણામાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના મહિના બાદ ૧૮૭ આરોગ્ય કર્મી ફરી સંક્રમિત

કોરોના રસી લીધા પછી પણ સંક્રમણ સામે સંરક્ષણ પ્રાપ્ત થતું નથી. બિહારની રાજધાની પટણામાં રસીનો બંને ડોઝ લઇ ચૂકેલા ૧૮૭ આરોગ્ય કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ આરોગ્ય કર્મચારીઓને એક મહિના પહેલાં કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ રસીનો બીજો ડોઝ લીધા પછીના ૧૪ દિવસમાં તેમનામાં રસીનું પ્રોટેક્શન આવી જવાની સમયમર્યાદા પણ પૂરી થઇ ગઇ હતી. રાહતની વાત એ છે કે આ આરોગ્ય કર્મચારીઓની સ્થિતિ ગંભીર નથી.

મહારાષ્ટ્રમાં મંગળવારે ૫૫,૪૬૯ કેસ, ૨૯૭નાં મોત, મુંબઇમાં ૧૦,૦૦૦ કેસ

કોરોનાથી સૌથી વધુ એસરગ્રસ્ત એવા મહારાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં ૫૫,૪૬૯ નવા સંક્રમિતો સામે આવ્યાં હતાં. રાજ્યમાં એક જ દિવસમાં ૨૯૭ દર્દીઓનાં મોત થયાં હતાં. મુંબઇમાં ૨૪ કલાકમાં ૧૦,૦૩૦ નવા કેસ નોંધાયાં હતાં. મહારાષ્ટ્રમાં કોરોનાના સેક્ન્ડ વેવમાં દરરોજ નિતનવા વિક્રમો સર્જાતાં ભયાવહ સ્થિતનું નિર્માણ થયું છે.

Source:


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares