ખુરશીને આયા પગ..!: ગાંધીનગરના પૂર્વ મેયરની વિવેકાધીન ગ્રાન્ટમાંથી ખરીદેલી ગાયબ ખુરશીઓ કથિત ગેરકાયદેસર બિલ્ડીંગનાં ભોંયરામાં જોવા મળી

SHARE WITH LOVE

ગાંધીનગર

  • ડેપ્યુટી કમિશ્નરે એજ ખુરશી બેસી આરામ કર્યો

ગાંધીનગરનાં પૂર્વ મેયરની વિવેકાધીન ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલી અને છેલ્લા ઘણા સમયથી ગાયબ થઈ ગયેલી પ્લાસ્ટિકની ખુરશીઓનો જથ્થો આજે પૂર્વ મેયરના સેકટર – 11માં આવેલા કથિત ગેરકાયદેસર બિલ્ડીંગના ભોંયરામાં જોવા મળતાં કુતૂહલ સર્જાયું છે. કેમ કે આજ ખુરશીઓની ખરીદીમાં ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો થયા પછી અચાનક જ ખુરશીઓ ગાયબ થઈ ગઈ હતી.

ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલની વિવેકાધીન ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે આશરે 12 હજારથી વધુ ખુરશીઓ ખરીદવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન કોર્પોરેશન દ્વારા પૂર્વ મેયરની ગ્રાન્ટમાંથી બાર હજાર ખુરશીની ખરીદી કરાઈ હતી. એક ખુરશી દીઠ 500 ના ભાવે આશરે રૂ. 60 લાખના ખર્ચે યુદ્ધના ધોરણે ખુરશીની ખરીદી કરી લેવાઈ હતી.

જે પૈકીની કેટલીક ખુરશીઓ સેકટર – 21 ખાતેની નર્સરીમાં મૂકવામાં આવી હતી. આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ રાતોરાત ખુરશીઓ ખસેડી દેવાઈ હતી. હાલ આ ખુરશીઓ સેકટર – 11 ખાતે આવેલા પૂર્વ મેયરના વિવાદાસ્પદ બિલ્ડિંગ માં જોવા મળી રહી છે. ત્યારે અચાનક ખુરશીને પગ ક્યાંથી આવ્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

સે-21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલી નર્સરીના દરવાજા પર અને મિનિ કમલમ તરીકે ઓળખાતા રાયસણ ખાતેના પાર્ટી પ્લોટમાં મેયરની ગ્રાન્ટમાંથી ખરીદાયેલી સેંકડો ખુરશીઓ જોવા મળી હતી. ત્યારે હાલ સે-11 ખાતે આવેલા પૂર્વ મેયરના વિવાદાસ્પદ બિલ્ડિંગના બેઝમેન્ટમાં બે હજાર જેટલી ખુરશીઓ જોવા મળે છે.

રાજકીય સભાઓમાં આ ખુરશીઓ ક્યારેક જોવા મળે છે, પરંતુ નગરજનો સુધી તે પહોંચી નથી. 12 હજાર નંગ ખુરશીઓ ખરેખર ક્યાં પહોંચી છે અને હકીકતમાં કેટલી ખુરશી ખરીદાઈ છે તે અંગે તપાસ થાય તે જરૂરી છે. મેયરને વાર્ષિક રૂ.બે કરોડના કામ ગ્રાન્ટમાંથી હાથ ધરવા માટે ભલામણ કરવાની સત્તા છે. જેમાંથી રૂ.1.75 કરોડ કેપિટલ કામમા વાપરી શકાય છે, એટલે કે તેનો ઉપયોગ રોડ, ગટર જેવા માળખાકીય સુવિધાના કામમાં થઈ શકે છે. રેવન્યુ ગ્રાન્ટમાં રૂ. 25 લાખની રકમ ફાળવવામાં આવી છે. આમ, આટલી બધી ખુરશીઓ માટે કઈ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો તે મોટો સવાલ છે અને કદાચ એટલે જ પૂર્વ સ્થાયી સમિતી ચેરમેનને પણ ગ્રાન્ટનો હિસાબ આપવામાં તંત્ર આનાકાની કરી રહ્યું છે. ત્યારે આજે અચાનક જ કથિત ગેરકાયદેસર બિલ્ડિંગ ખાતે ગાયબ થયેલી ખુરશીઓ જોવા મળતા ફરી વિવાદને વંટોળ મળી ગયો છે. નવાઇની વાત એ છે કે આજ ખુરશીમાં હાઈકોર્ટ કમિશન આવ્યું ત્યારે ડેપ્યુટી કમિશનર આરામ કરતાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE