ગીર-સોમનાથ : હજુ ૩૬ ફિશીંગ બોટો દરિયામાં હોવાથી પરત લાવવા દોડધામ, તમામ કોવિડ હોસ્પિટલો માટે વિશેષ વ્યવસ્થા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વેરાવળ

ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડાની સંભાવનાના પગલે આજે ૩૦૭૩ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા હતા. હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં રોજ મોડી સાંજે ઉના આસપાસના વિસ્તારમાં ટકરાશે. પવનની ગતિ પ્રતિ કલાક ૧૫૦ કિ.મી. રહેશે. દરીયામાં ૩ મીટરના મોજા ઉછળશે.

ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તોકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. અધિકારી/કર્મચારીઓને હેડ ક્વાટર ન છોડવા જણાવામા આવ્યું છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે, દરીયા કીનારાના ૧૦ કિ.મી.ની હદમાં આવતા ૯૯ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકાના ૨૮ ગામો, સુત્રાપાડા તાલુકાના ૧૭ ગામો, કોડીનાર તાલુકાના ૨૦ ગામો અને ઉના તાલુકાના ૩૪ ગામોનો સમાવેશ થાય છે. વેરાવળ તાલુકાના ૩૩૨ લોકો, સુત્રાપાડા તાલુકાના ૩૨૮ લોકો, કોડીનાર તાલુકાના ૬૭૧ લોકો અને ઉના તાલુકાના ૧૭૪૨ લોકોને કોવીડ ગાઇડ લાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડયે વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્ય ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમનાં નંબર ૦૨૮૭૬-૨૮૫૦૬૩, ૨૮૫૦૬૪ છે.

વેરાવળનાં દરિયા કિનારે આજે સાંજે ૬૦૦ કી.મી. વાવાઝોડું દૂર હોય પણ દરિયામાં કોઈ અસર દેખાતી ન હોય, દરિયો સાવ શાંત જણાયો હતો. મરીન પોલીસ સ્ટેશનો, નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ કિનારા પર સતત ફરજ બજાવી રહયા છે. હજુ પણ ૩૬ બોટો દરિયામાં  હોવાનું જાણવા મળે છે. જાલેશ્વર બંદર વિસ્તાર, ભીડીયા, હીરાકોટ સહિત સાવ દરિયા નજીકની ઝુપડપટ્ટીઓ છે, ત્યાનાં લોકોને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેન્ડ ટુ છે. આ સાથે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દીઓને કોઈ તકલીફ ન થાય એ માટે પણ ઓક્સિજન અને જનરેટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •