ગુજરાતમાં માવઠા બાદ આજથી બે દિવસ પડશે કડકડતી ઠંડી, જાણો અંબાલાલે શું કહ્યું

SHARE WITH LOVE

રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. માવઠાની અસર ઓછી થતાં ફરીથી શીત લહેર રાજ્યમાં ફરી વળી છે. હવામાન આગાહી કરવામાં આવી હતી કે, માવઠા બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે ત્યારે શનિવારના રોજ નલિયાનુ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ સુધી કચ્છમાં ઠંડીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કચ્છની સાથે-સાથે આગામી બે દિવસ સુધી અલગ-અલગ સ્થળો મારે લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.

મહત્ત્વની વાત છે કે, 21 ડિસેમ્બરથી નલિયાનું ન્યુનતમ તાપમાન વધી રહ્યું છે. શુક્રવારે નલિયામાં ન્યુનતમ તાપમાન 16.2 ડિગ્રી રહ્યા બાદ શનિવારે એકાએક જ તાપમાનનો પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો હોવાના કારણે લોકોને ઠંડીમાં ઠુંઠવાવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારબાદ પછીના બે દિવસ દરમિયાન તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની સંભાવના હોવાના કારણે લોકોને ઠંડીમાં રાહત મળશે. મહત્ત્વની વાત છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના 16 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર માં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પોરબંદર, લાલપુર, જામજોધપુર, નેત્રંગ, કુકરમુંડા, બનાસકાંઠા, થરાદ, મુન્દ્રા, કુતિયાણા અને નર્મદામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

માવઠાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો માવઠુ થતા મકાઈ, રજકો, જીરૂ, ધાણા, મેથી જેવા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ હવામાન અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્યમાં 9થી 13 જાન્યુઆરીના રોજ કાતિલ ઠંડી પડશે. આ ઉપરાંત 16થી 18 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસામાં પણ વધારે વરસાદ થતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ચોમાસા બાદ રાજ્યમાં અવાર અવાર પડતાં કમોસમી વરસાદે પણ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે હાલ જે વિસ્તારોમાં માવઠું થયું છે તે વિસ્તારના ખેડૂતો સરકારની પાસેથી પાક નુકસાનીના વળતરનું માગણી કરી રહ્યા છે. એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ મોંઘવારીના કારણે પણ ખેડૂતોની હાલત કફોળી બની છે. 

Source:


SHARE WITH LOVE