ગુજરાતી ખ્રિસ્તીઓ ભગવાન ઇસુના ગરબા રમીને કરે છે ઈશ્વર ભક્તિ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અસ્મિતા દવે, અમદાવાદ

જેમ દુધમાં સાંકર ભળે તેમ પારસીઓ ભળી ગયા એ વાત તો સૌ જાણે છે. પરંતુ ગુજરાતના ખ્રિસ્તીઓ પણ આ બાબતનું એક અનોખું ઉદાહરણ છે. લગભગ છેલ્લા પચાસ વર્ષથી ગુજરાતી ખ્રિસ્તીઓ ગરબા રમીને ભગવાન ઇસુની ભક્તિ કરે છે.

નાતાલના તહેવાર નિમિત્તે વિવિધ ચર્ચમાં કેરલ અને પ્રાર્થનાસભાઓનું આયોજન થતું હોય છે કે પ્લમ કેક ખવાતી હોય છે તે વાતો ઘણી જાણીતી છે. પરંતુ ગુજરાતી ખ્રિસ્તીઓ ગરબે ઘુમે છે. તેના માટે વિશેષ ગરબા લખવામાં આવે છે. જેમાં ભગવાન ઇસુના જીવન સાથે જોડાયેલી કથાઓનો સમાવેશ કરવામાં આવે છે. પહેલાં તેઓ લગ્ન પ્રસંગે ભગવાન ઇસુના ભજનો પર ગરબા રમતાં પરંતુ ધીરે ધીરે તેઓ નવરાત્રીની જેમ ક્રિસ્મસ પર પણ ગરબા રમતાં થયા. તેની પાછળ રોમન કેથલિક ચર્ચના પોપ જ્હોન 23માએ વેટિકન – 2 કાઉન્સિલ બાદ 25 જાન્યુઆરી, 1959ના રોજ કરેલી જાહેરાત છે.

કેમ રમાય છે ક્રિસમસ પર ગરબા?

એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી વિષયના અધ્યાપક મયૂર મેકવાન જણાવે છે કે, ખ્રિસ્તી ધર્મમાં શું ફેરફાર જરૂરી છે તે નક્કી કરવા માટે પોપે બધાં જ બિશપની કાઉન્સિલ બોલાવેલી. જેને વેટિકન -2 પણ કહેવામાં આવે છે. તેમાં કેટલાંક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતાં. તેમણે કહેલું કે ઇશ્વરની ભક્તિ સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિ મુજબ થવી જોઈએ.

તેમણે આગળ જણાવ્યું કે, ગરબાના મૂળમાં શક્તિ કે દેવી આરાધાના છે. તે ગુજરાતી પ્રજાની શૈલી છે. તેથી ગુજરાતીઓએ ઇશુની ભક્તિ માટે ગરબાના માધ્યમને પસંદ કર્યું. ખ્રિસ્તી ધર્મને કોઈ પણ સાંસ્કૃતિક નૃત્ય શૈલી સાથે ભક્તિનો બાધ નથી. ભૂતકાળમાં એક પ્રિસ્ટે કથકલિ દ્વારા ક્રાઇસ્ટની સમગ્ર વાર્તા રજૂ કરી હતી.

લગ્નમાં રમાતા ગરબા 80ના દાયકાથી ક્રિસમસ પર રમાતા થયા

છેલ્લા 35થી પણ વધુ વર્ષોથી ખ્રિસ્તી ગરબાની કૅસેટ અને સીડી તૈયાર કરતાં ગાયક અને સંગીતકાર સી.વનવીર જણાવે છે કે, મેં સૌથી વધુ ખ્રિસ્તી ગરબાની સીડી બનાવી છે. આજથી 35-40 વર્ષ પહેલાં માત્ર ઇશુના અમુક ભજનો પર લગ્ન પ્રસંગે ગરબા રમાતા. મેં જોયું કે મુંબઈના ગુજરાતી ખ્રિસ્તીઓને ગરબા રમવાનો શોખ તો બહુ છે પણ નોનસ્ટોપ ગરબા ઉપલબ્ધ નહોતા. તેથી 1987માં મેં સૌ પહેલાં નોનસ્ટોપ ગરબાની સીડી બનાવી જેની ત્રણ જ મહિનામાં 20 હજાર કૅસેટ વેંચાઈ હતી.

મેં કેટલાંક ગરબા લખ્યા પણ છે, જેમાં બાઇબલની વાતો, નવો કરાર અને જૂના કરારની વાતો ઇસુની કથાઓ વગેરેનો આધાર લેવાય છે. બાઈબલના 66 પુસ્તકોને મેં દુહા અને છંદનું સ્વરૂપ આપ્યું છે. મેં ‘તાળીઓના તાલે’, ‘ગરબે રમવા હાલો’, ‘પગલાં પડે તાલમાં’ જેવી સીડીઓ પણ તૈયાર કરી છે.

જ્યારે શહેરમાં મણીનગર ખાતે  છેલ્લા આઠ વર્ષથી ગરબાનું આયોજન કરતાં બ્લેસો નેવિલ ક્રિસ્ટીએ જણાવ્યું કે અમે શહેરમાં સૌથી મોટા ગરબાનું આયોજન કરીએ છીએ. જેમાં લગભગ 3 થી 4 હજાર લોકો આવે છે. તેમાં દર વર્ષે ક્રાઇસ્ટના ગરબા ગાઈને ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. નાતાલથી નવા વર્ષ સુધી આ પ્રકારના ગરબાના નાના-મોટા ઘણા આયોજનો થતાં હોય છે.

ક્રાઈસ્ટના ગરબા:

બેથલેહામ ગામમાં રે આજ તારે હાલવું છે કે નહીં

મધુરવીણા મધુરવીણા કોણે રે વગાડી, વનમાં ફરતાં દાઉદ(ડેવિડે)એ વગાડી રે

તું જગતનો રાય, માતા મરિયમ કેરી કૂખે રે જન્મ્યો આજે જગતનો રાય

પ્રભુ ઈસુ તણા જીવનનાં ગીત મને ગાવા દો,

તેનાં જીવન તણી સુવાર્તા આજ મને કહેવા દો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •