ગુજરાત પેટાચૂંટણી પરિણામ : ભાજપનો આઠેય બેઠક પર વિજય, કૉંગ્રેસનો ધબડકો

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

ગુજરાત પેટાચૂંટણીમાં આઠેય બેઠકો ભાજપે જીતી લીધી છે.

સોમવારે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.

ગુજરાતની આઠેય બેઠકો પર લીડ મળતાં પ્રદેશ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભાજપકાર્યાલયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.

પત્રકારપરિષદમાં વિજય રૂપાણીએ આ ચૂંટણીપરિણામોને ‘2022ની ચૂંટણીનું ટ્રેલર’ ગણાવ્યાં હતાં.


ગઢડામાં ભાજપનો વિજય

સૌરાષ્ટ્રની ગઢડા વિધાનસભાની બેઠક ભાજપે જીતી લીધી છે.

બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ કૅબિનેટ મંત્રી આત્મરામ પરમારે કૉંગ્રેસના મોહન સોલંકીને પરાજય આપ્યો છે.

ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જે આઠ બેઠકની ચૂંટણી થઈ એમાંથી એકમાત્ર ગઢડા જ એસ.સી. અનામત બેઠક હતી.

રાજ્યસભાની ચૂંટણી અગાઉ પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હતું અને એના કારણે આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.

પ્રવીણ મારુએ પેટાચૂંટણી લડવાનું ટાળ્યું હતું.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને હરાવ્યા હતા.

જોકે ભાજપે તેમ છતાં અહીં આત્મારામ પરમારને ફરી ટિકિટ આપી હતી અને આ વખતે પરમાર વિજયી થયા હતા. .


લીમડીમાં ભાજપનો વિજય

લીમડીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ કૉંગ્રેસના ચેતન ખાચરને હરાવ્યા છે.

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર ભાજપના ઉમેદવારે કૉંગ્રેસના ઉમેદવારને 32050 મતોથી પરાજય આપ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે અગત્યની માનવામાં આવે છે.

આ બેઠક પરથી અગાઉ કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા.

જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમા પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

વિધાનસભાની આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક ગણાતા હતા.


કપરાડામાં ભાજપનો વિજય

કપરાડા બેઠક પર ભાજપના જિતુ ચૌધરીનો વિજય થયો છે.

જિતુ ચૌધરીએ કૉંગ્રેસના બાબુ પટેલને હરાવ્યા છે.

આદિવાસી વસતી ધરાવતી કપરાડા બેઠક વર્ષોથી કૉંગ્રેસ પાસે હતી.

વર્ષ 2002માં જિતુ ચૌધરી કપરાડા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેમણે સતત આ બેઠક પર જીત મેળવી હતી.

જોકે જિતુ ચૌધરી હવે ભાજપમાં જોડાતાં બેઠક પર કૉંગ્રેસ નબળી પડી હતી.

ડાંગ અને કપરાડા બેઠકોને રાજકીય નિરીક્ષકો ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણતા હતા.

જોકે, પાટીલના નેતૃત્વમાં લડાયેલી આ પેટાચૂંટણીમાં ભાજપે બન્ને બેઠકો જીતી લીધી છે.


ધારીમાં ભાજપનો વિજય

ધારીમાં ભાજપના જે.વી કાકડિયાનો વિજય થયો છે. કાકડિયાએ કૉંગ્રેસના સુરેશ કોટડિયાને પરાજય આપ્યો છે.

ચૂંટણીપંચના આંકડા અનુસાર ભાજપના ઉમેદવારે કૉંગ્રેસના ઉમેદવારને 17209 મતોથી હરાવ્યા છે.

ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.

ધારી બેઠક એ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને પાટીદારો અહીં નિર્ણાયક સાબિત થાય છે.

અગાઉ થયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની મોટી અસર હતી.

એ સમયે સત્તાધારી ભાજપ સામે રોષ જોવા મળતો હતો. જોકે નિષ્ણાતોના મતે અહીંના મતદારો પક્ષ કરતાં ઉમેદવારને વધુ મહત્ત્વ આપે છે.


ડાંગમાં ભાજપનો વિજય

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપે જીતી લીધી છે. ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલનો વિજય થયો છે. તેમણે ગ્રેસના સુર્યકાંત ગાવીતને હરાવ્યા છે. ગુજરાત ભાજપે ટ્વીટ કરીને વિજય પટેલને અભિનંદન પણ પાઠવ્યાં હતાં

311 ગામડાં ધરાવતા ડાંગ જિલ્લામાં ભીલ, કૂંકણા, વારલી અને વસાવા જાતિની સંખ્યા સૌથી વધુ છે.

પાછલાં વર્ષોમાં આ સમાજમાંથી ઘણા પરિવારોએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે.

જિલ્લામાં ઘણાં ગામોમાં એક અંદાજ મુજબ 35000-36000 ખ્રિસ્તી ધર્મ પાળનારા મતદારો છે અને મુખખ્યત્વે કૉંગ્રેસના મતદારો ગણાય છે.

જોકે, ભાજપે ડાંગમાં અને ખાસ કરીને સુબીર તાલુકાનાં ગામોમાં નાની સભાઓ અને બેઠકો યોજી ખ્રિસ્તી મતદારોને પક્ષની તરફેણમાં વાળવા પ્રયાસ કર્યા હતા.


મોરબીમાં ભાજપનો વિજય

મોરબી બેઠક પરથી ભાજપના બ્રિજેશ મેરજાનો વિજય થયો છે. ભારતીય ચૂંટણીપંચ અનુસાર, બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસના જયંતીલાલ પટેલને 4649 મતથી હરાવ્યા છે.

બ્રિજેશ મેરજા અગાઉ પણ મોરબીથી કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને હવે ભાજપમાંથી પણ ચૂંટાયા છે.

વડોદરાની કરજણ બેઠક પરથી પણ ભાજપના અક્ષય પટેલનો વિજય થયો છે. ભાજપના અક્ષય પટેલે કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને 16425 મતથી હરાવ્યા છે.

ભારતીય ચૂંટણીપંચ અનુસાર અબડાસા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો વિજય થયો છે.

જાડેજાએ કૉંગ્રેસના શાંતિલાલ સેંઘાણીને 36778 મતથી હરાવ્યા છે. પ્રદ્યુમ્નસિંહ જાડેજા અગાઉ કૉંગ્રેસમાંથી આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને ભાજપે અબડાસાના ઉમેદવાર બનાવ્યા હતા.


કરજણમાં ભાજપનો વિજય

કરજણ બેઠક પરથી ભાજપના અક્ષય પટેલનો વિજય થયો છે. અક્ષય પટેલ કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને હરાવ્યા છે.

અક્ષય પટેલે કિરીટસિંહને 16425 મતોથી પરાજય આપ્યો છે.


અબડાસાથી ભાજપે ખાતું ખોલાવ્યું

ચૂંટણીપંચ પ્રમાણે ગુજરાતમાં આઠ બેઠકમાંથી એક બેઠકનું પરિણામ જાહેર થયું છે. ભારતીય ચૂંટણીપંચ અનુસાર અબડાસા બેઠક પરથી ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો વિજય થયો છે.

ત્યારે હવે તેઓ ભાજપમાંથી પણ અહીંથી ચૂંટણી જીત્યા છે.


બિહાર : વલણોમાં એનડીએ આગળ, જેડીયુ કાર્યકર્તાઓની ઉજવણી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ હાલ આગળ ચાલી રહ્યો છે, ત્યારે પટણામાં જેડીયુ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનો શરૂ કર્યો હતો.


કોને કેટલા મત મળ્યા?

ચૂંટણીપંચની વેબસાઇટના ડેટા મુજબ સાંજે ચાર વાગ્યે, કચ્છ જિલ્લાની અબડાસા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને 71 હજાર 848 મત (49.3%) મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડૉ. શાંતિલાલ સેંઘાણીને 35 હજાર 70 મત, (24.06%) મત મળ્યા હતા.

ડાંગની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલને 66 હજાર 219 વોટ (69.38%) મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સૂર્યકાંત ગાવિતને 23 હજાર 676 મત મળ્યા, જે 24.81 ટકા સૂચવે છે.

અમરેલી જિલ્લાની ધારી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાને 45 હજાર 387 મત (49.65 %) મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 29 હજાર 586 (32.36 %) મત મળ્યા હતા.

ગઢડાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આત્મારામ પરમારને 56 હજાર 340 (56.68%) વોટ મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ 37 હજાર 189 (37.41%) વોટ મેળવ્યા હતા.

કપરાડાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને 89 હજાર 736 વોટ (59.57%) અને કૉંગ્રેસના બાબુ પટેલને 50 હજાર 941 વોટ (33.81%) મત મળ્યા હતા.

વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 76 હજાર 958 મત (53.62 %) કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજાને 60 હજાર 533 મત (42.18%) વોટ મળ્યા હતા.

ભાજપ સરકારના પૂર્વ મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ઉપરથી ઉમેદવાર કિરીટસિંહ રાણાને 87 હજાર 747 (55.91 %) અને ચેતન ખાચરને 56 હજાર 208 (35.81%) મત મળ્યા હતા.

રસાકસી બાદ મોરબી બેઠક ઉપર કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાએ 64 હજાર 711 (45.14 %), જ્યારે જયંતી પટેલને 60 હજાર 62 (41.9 %) મત મળ્યા હતા.


ભાજપની સફળતા પર વિજય રૂપાણીએ શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્રણ બેઠકો ભાજપે જીતી લીધી છે, જ્યારે બાકીની પાંચ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

સોમવારે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.

ગુજરાતની આઠેય બેઠકો પર લીડ મળતાં પ્રદેશ ભાજપમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભાજપકાર્યાલયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.


અમિત ચાવડાએ ચુકાદો માથે ચઢાવ્યો

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકારપરિષદને સંબોધતા કહ્યું હતું કે રાજ્યસભાની એક બેઠક મેળવવાની ભાજપની સત્તાલાલસા તથા ‘દલ-બદલ’ને કારણે કોરોનાની મહામારીમાં ગુજરાતની જનતા ઉપર વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી આવી પડી હતી.

તેમણે કહ્યું, “મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી લોકો ત્રસ્ત છે, છતાં તેને મતમાં કેવી રીતે પરિવર્તિત ન કરી શક્યા તેનું ચિંતન કરવામાં આવશે અને રહી ગયેલી ઉણપોને દૂર કરીને આગળ વધીશું.”

ચાવડાએ જનતાના ચુકાદાને માથે ચડાવવાની વાત પણ કરી હતી.

હાર્દિકે કહ્યું, ‘મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહીશ’

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યું છે કે તેઓ ‘મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહેશે.’

તેમણે ટ્વીટ કર્યું, ‘હાર-જીતને લીધે પલ્લું વેપારીઓ બદલતા હોય છે, વિચારધારાના અનુયાયી નહીં, લડીશ, જીતીશ અને મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહીશ.’


પરેશ ધાનાણીએ કહ્યું ‘પરિણામ ઊણપનો અરિસો’

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર પર ‘જનાદેશ’નો સ્વીકાર કરતી કવિતા લખી હતી.

તેમણે લખ્યું કે પરાજયએ ઊણપોનો અરીસો છે અને તેઓ જનાદેશને સ્વીકારે છે. તેમના કહેવા પ્રમાણે, આ ચૂંટણીજંગમાં મોંઘવારી, મંદી અને બેરોજગારી જેવા મુદ્દા હારી ગયા હતા.

ધાનાણીએ વિજય રૂપાણી તથા સી.આર. પાટીલને અભિનંદન પાઠવ્યાં હતાં.

બીજી બાજુ, ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા બપોરે ચાર વાગ્યે પત્રકારપરિષદ સંબોધશે, જેમાં તેઓ ચૂંટણીપરિણામો અંગે કૉંગ્રેસ પક્ષ વતી પ્રતિક્રિયા આપશે.


આઠ બેઠકોનો અત્યાર સુધીનો ચિતાર

ચૂંટણીપંચના ડેટા મુજબ, બપોરે અઢી વાગ્યે કચ્છ જિલ્લાની અબડાસા બેઠક ઉપર ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજા (27 રાઉન્ડના અંતે) કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણી ઉપર 31 હજાર 500 જેટલા મતોની સરેરાશ ધરાવતા હતા. એક તબક્કે અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ બીજા ક્રમ ઉપર હતા.

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા 36 રાઉન્ડના અંતે 26 હજાર 500 કરતાં વધુ મતની સરેરાશ ધરાવતા હતા.

મોરબી બેઠક ઉપર કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજા 33 રાઉન્ડના અંતે લગભગ પાંચ હજાર મતની સરસાઈ ધરાવતા હતા. એક તબક્કે તેઓ કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ કરતાં પાછળ હતા.

ધારીની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયા કૉંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડિયા ઉપર (21 રાઉન્ડના અંતે) 11 હજાર 500 મતની લીડ ધરાવતા હતા.

ગઢડાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર કૉંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી ઉપર 15 રાઉન્ડના અંતે 15 હજાર કરતાં વધુ મતની સરસાઈ ધરાવતા હતા.

વડોદરા જિલ્લાની કરજણ બેઠક ઉપર કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલ 27 રાઉન્ડના અંતે કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજા ઉપર 15 હજાર 500 કરતાં વધુ મતથી આગળ હતા.

ડાંગની બેઠક ઉપર 19 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર વિજય પટેલ કૉંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંતભાઈ ગાવિત ઉપર 35 હજાર કરતાં વધુ મતની સરસાઈ ધરાવતા હતા.

કપરાડાની બેઠક ઉપર 16 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કૉંગ્રેસના બાબુભાઈ પટેલ ઉપર લગભગ 29 હજાર 500 મતની લીડ ધરાવતા હતા.

લીબડી, કરજણ, ગઢડા, કપરાડા, અને ડાંગ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની લીડ તથા બાકી રાઉન્ડને ધ્યાને લેતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી હતી.


મોરબીમાં હાલ શું સ્થિતિ છે?

મતગણતરીના પ્રારંભિક વલણોમાં મોરબીની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ આગળ જોવા મળ્યા હતા. જોકે, બાદમાં તેમને પાછળ રાખીને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ લીડ હાંસલ કરી લીધી હતી.

સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ચૂંટણીપંચના આંકડા અનુસાર મેરજાને 1466 મતો મળ્યા છે, જ્યારે જયંતીલાલને 1188 મતો મળ્યા છે. આ ઉપરાંત આ બેઠક પર અપક્ષ ઉમેદવાર નિજામ મોવર અને વસંત પરમારને અનુક્રમે 484 અને 223 મતો મળ્યા છે.

બ્રિજેશ મેરજા રાજ્યસભાના ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બહુ પાતળી સરસાઈથી અહીંથી ચૂંટાયા હતા.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા.

ચૂંટણી પહેલાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહ્યું હતું કે બ્રિજેશ મેરજા પક્ષપલટો કરવાનો ઇતિહાસ ધરાવે છે અને એટલા માટે કૉંગ્રેસ પક્ષપલટુ અભિયાન ચલાવે તો ખાસ ફેર નહીં પડે.


વિજય રૂપાણીએ કહ્યું, ‘2022ની ચૂંટણી પૂર્વેનું ટેલર’

અમદાવાદમાં ભાજપકાર્યાલયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.

તેમણે કહ્યું, આઠ બેઠક ઉપરની ચૂંટણીઓ ગુજરાતના અલગ-અલગ ભૌગોલિક વિસ્તાર તથા સમાજનું પ્રતિનિધિત્વ કરતી હતી, તેથી મહત્ત્વપૂર્ણ છે.

રૂપાણીના મતે આ પરિણામો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા 2022ની ચૂંટણી પૂર્વેનું ટેલર છે. જોકે તેમણે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લગતો પ્રશ્ન ટાળી દીધો હતો.

સી. આર. પાટીલે વિજયનો શ્રેયએ ભાજપના કાર્યકર્તાની મહેનત તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓને આભારી ગણાવ્યો હતો.


કૉંગ્રેસના ઉમેદવારનો અપ્રત્યક્ષ રીતે પરાજયનો સ્વીકા

કરજણની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પાંચેક રાઉન્ડની મતગણતરી બાકી હતી ત્યારે અપ્રત્યક્ષ રીતે હારનો સ્વીકાર કર્યો હતો અને પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવતા રહેવાની વાત કરી હતી.

કરજણની બેઠક ઉપર મતદારોને પ્રભાવિત કરવા માટે લાંચ દેવામાં આવી હોવાનો વીડિયો વહેતો થયો હતો, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભાજપમાંથી કૉંગ્રેસમાં આવેલા અક્ષય પટેલે આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસ પાસે કહેવા માટે કંઈ રહ્યું નથી એટલે આ પ્રકારના આરોપ મૂકી રહી છે.’


પાટીલ સામે આગામી પડકાર

પેટાચૂંટણીમાં ભાજપની લીડ જોયા બાદ અમદાવાદમાં ભાજપકાર્યાલય ખાતે કાર્યકરો ઉત્સાહમાં

અમદાવાદથી મળતા અહેવાલો મુજબ, બપોરના સમયે મુખ્ય મંત્રી વિજય રુપાણી તથા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પક્ષના મુખ્યાલય ‘શ્રીકમલમ્’ ખાતે પહોંચી ગયા છે.

પ્રદેશાધ્યક્ષ તરીકે પાટીલના નેતૃત્વમાં ભાજપ પ્રથમ વખત કોઈ ચૂંટણીજંગમાં ઊતર્યો હતો.

પાટીલ સામે હવે જિલ્લાપંચાયત, મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને વિજય અપાવવાનો પડકાર રહેશે.


01:00 વાગ્યાની સ્થિતિ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 1.00 કલાકની સ્થિતિ પ્રમાણે, અબડાસા (19મો રાઉન્ડ), લીમડી (25મો રાઉન્ડ), મોરબી (22મો રાઉન્ડ) ધારી (12મા રાઉન્ડ), ગઢડા (11મા રાઉન્ડ), કરજણ (18મા રાઉન્ડ), ડાંગ (13મા રાઉન્ડ), કપરાડા (11મા રાઉન્ડ)નાલ અંતે તમામ આઠ બેઠક ઉપર ભાજપ આગળ છે.


12:30 વાગ્યાની સ્થિતિ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 12:30 કલાકની સ્થિતિ પ્રમાણે, અબડાસા (16મો રાઉન્ડ), લીમડી (21મો રાઉન્ડ), મોરબી (18મો રાઉન્ડ) ધારી (11મા રાઉન્ડ), ગઢડા (નવમા રાઉન્ડ), કરજણ (15મા રાઉન્ડ), ડાંગ (12મા રાઉન્ડ), કપરાડા (નવમા રાઉન્ડ)માં ભાજપ આગળ છે.


12 વાગ્યાની સ્થિતિ

ચૂંટણી પંચની વેબસાઇટ પર પ્રાપ્ત આંકડા પ્રમાણે અબડાસા (13મા રાઉન્ડ), લીમડી (18મા રાઉન્ડ), મોરબી (15મો રાઉન્ડ) ધારી (10મા રાઉન્ડ), ગઢડા (આઠમા રાઉન્ડ), કરજણ (13મા રાઉન્ડ), ડાંગ (નવમા રાઉન્ડ), કપરાડા (આઠમા રાઉન્ડ)માં ભાજપ આગળ છે.

મોરબીની બેઠક પર 11મા રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ આગળ હતા, પરંતુ 12મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ સરસાઈ મેળવી હતી, જે 15મા રાઉન્ડને અંતે પણ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.


11:30 કલાકની સ્થિતિ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 11:30 કલાકની સ્થિતિ પ્રમાણે, અબડાસા (આઠમો રાઉન્ડ), લીમડી (14મા રાઉન્ડ), મોરબી (12મો રાઉન્ડ) ધારી (સાતમા રાઉન્ડ), ગઢડા (છઠ્ઠા રાઉન્ડ), કરજણ (10મા રાઉન્ડ), ડાંગ (સાતમા રાઉન્ડ), કપરાડા (છઠ્ઠા રાઉન્ડ)માં ભાજપ આગળ છે.

મોરબીની બેઠક ઉપર 11મા રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ આગળ હતા, પરંતુ 12મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ 30 મતની પાતળી સરસાઈ મેળવવામાં સફળતા મેળવી હતી.


ધારીમાં ભાજપ આગળ

ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ભાજપમાં જોડાઈ ગયા હતા.

જે બાદ પેટાચૂંટણીમાં ભાજપ તેમને ટિકિટ આપી હતી તો સામે પક્ષે કૉંગ્રેસ સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા હતા.

એ સમયે સત્તાધારી ભાજપ સામે રોષ જોવા મળતો હતો.

જોકે નિષ્ણાતોના મતે અહીંના મતદારો પક્ષ કરતાં ઉમેદવારને વધુ મહત્ત્વ આપે છે.


ધારી અને હાર્દિક પટેલ ફેક્ટર

ધારી પેટાચૂંટણી પર હાલમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આ ચૂંટણી એક પરીક્ષા સમાન છે.

ધારી બેઠકના મતદારો મોટા ભાગે પક્ષને નહીં પણ ઉમેદવારને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે ચૂંટણી પહેલાં બીબીસી સાથે કરેલી વાતીચતીમાં આ બેઠક પર પાટીદાર અને ‘હાર્દિક ફૅક્ટર’ અસર કરી શકે છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું, “હાર્દિક પટેલ આજે પણ ગામડાંમાં અને યુવાવર્ગમાં લોકપ્રિય છે, જેની અસર અહીં થઈ શકે છે.”

તેઓ કહે છે, “ધારી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર બંને ઉમેદવારો પાટીદાર છે, એટલે હવે મતદારો આ બેઠક પરથી નક્કી કરશે કે પાટીદારો ભાજપ તરફી છે કે કૉંગ્રેસ તરફી.”

તો એમ. એસ. યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગમાં પ્રોફેસર અમિત ધોળકિયાના મતે ‘હાર્દિક ફૅક્ટર’ હવે એટલું અસરકારક રહ્યું નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “પાટીદારોની નારાજગી એ ભાજપ માટે એક મોટું ફૅક્ટર નથી. આમ પણ આર્થિક રીતે નબળા વર્ગોને અનામતની ઘોષણા કરીને પણ અનામતના મુદ્દાનો છેદ ઊડી ગયો છે.”

તેઓ વધુમાં કહે છે, “હાર્દિક પટેલનું જે પાટીદાર આંદોલન થયું એ હતું એ સમયે થોડા સમય માટે જ પાટીદારો ભાજપથી વિમુખ થયા હતા. અને પછીની ચૂંટણીઓ પર નજર કરીએ તો લાગે કે પાટીદારો ફરી પાછા ભાજપ તરફ વળી ગયા છે, કેમ કે પાટીદારો જ ભાજપના મુખ્ય સમર્થકો રહ્યા છે.”


11 વાગ્યાની સ્થિતિ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 11.00 કલાકની સ્થિતિ પ્રમાણે, અબડાસા (સાતમા રાઉન્ડમાં), લીમડી (11મા રાઉન્ડમાં), ધારી (છઠ્ઠા રાઉન્ડમાં), ગઢડા (ચોથા રાઉન્ડમાં), કરજણ (સાતમા રાઉન્ડમાં), ડાંગ (પાંચમા રાઉન્ડમાં), કપરાડા (ચોથા રાઉન્ડમાં)માં ભાજપ આગળ છે.

જ્યારે મોરબીની બેઠક ઉપર 10માં રાઉન્ડમાં કૉંગ્રેસ આગળ છે.


લીમડી પર કિરીટસિંહ રાણા આગળ

ડીડી ન્યૂઝના જણાવ્યા અનુસાર લીમડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા આગળ ચાલી રહ્યા છે.

આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


મોરબીમાં કૉંગ્રેસ આગળ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 10.30 કલાકની સ્થિતિ પ્રમાણે, અબડાસા (ચોથા રાઉન્ડમાં), લીમડી (આઠમા રાઉન્ડમાં), ધારી (ચોથા રાઉન્ડમાં), ગઢડા (ત્રીજા રાઉન્ડમાં), કરજણ (પાંચમા રાઉન્ડમાં), ડાંગ (ચોથા રાઉન્ડમાં), કપરાડા (ત્રીજા રાઉન્ડમાં)માં ભાજપ આગળ છે.

જ્યારે મોરબીની બેઠક ઉપર આઠમાં રાઉન્ડમાં કૉંગ્રેસ આગળ છે. સ્થાનિક પત્રકાર જગદીશ આચાર્યએ મતગણતરી પૂર્વે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મિરજાનો પક્ષપલ્ટો જનતા માટે મુદ્દો નહીં હોય, પરંતુ ભાજપના નેતા કાંતિભાઈ અમૃતિયા ચૂંટણી સમયે કેટલા સક્રિય રહે છે, તે ભાજપનું ભાવિ નક્કી કરશે.


10 વાગ્યા સુધીની સ્થિતિ

ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 10 વાગ્યાની સ્થિતિ પ્રમાણે, અબડાસા (ત્રણ રાઉન્ડ), લીમડી (પાંચ રાઉન્ડ), મોરબી (પાંચ રાઉન્ડ), ધારી (બીજા રાઉન્ડ), ગઢડા (બીજા રાઉન્ડ), કરજણ (બીજા રાઉન્ડ), ડાંગ (પહેલો રાઉન્ડ), કપરાડા (પહેલો રાઉન્ડ)માં ભાજપ આગળ છે.


ભાજપ 7 બેઠકો પર આગળ

ચૂંટણીપંચની વેબસાઇટ પર જોવા મળી રહેલાં પ્રારંભિક વલણો અનુસાર ગુજરાતની આઠ બેઠકોમાંથી સાત બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. જ્યારે એક બેઠક પર કૉંગ્રેસ આગળ ચાલી રહી છે.

અબડાસા (31), લીમડી (42), મોરબી (33), ધારી (29), ગઢડા (28), કરજણ (29), ડાંગ (33) અને કપરાડા (27) રાઉન્ડમાં પૂર્ણ થશે એટલે દિવસ દરમિયાન ચિત્ર બદલાઈ શકે છે અને બપોરે 12 વાગ્યા આસપાસથી ચિત્ર સ્પષ્ટ બનવાની શક્યતા રહેલી છે.


મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં શું છે સ્થિતિ?

ભારતીય ચૂંટણીપંચ અનુસાર ભારતીય જનતા પાર્ટી છ સીટ પર આગળ છે અને કૉંગ્રેસ બે સીટ પર આગળ છે.

મધ્ય પ્રદેશમાં પણ 28 બેઠક માટેની મતગણતરી ચાલી રહી છે.

મધ્ય પ્રદેશની આ ચૂંટણીનાં પરિણામો રાજ્યમાં સરકાર પણ બદલી શકે છે તેવું માનવામાં આવે છે.

જ્યોતિરાદિત્ય કૉંગ્રેસમાંથી ભાજપ ગયા પછી પહેલી વાર ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણી તેમની એક પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.


ગુજરાતમાં મતગણતરીનો પ્રારંભ

ગુજરાતમાં અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે.

આ પેટાચૂંટણીનાં પરિણામોથી રાજ્યની સરકારના ગણિતમાં ઝાઝો ફેર નહીં પડે, આમ છતાં પરિણામો ભાજપ તથા કૉંગ્રેસ એમ બંને પક્ષો માટે સૂચક મનાઈ રહ્યા છે.

સાથે-સાથે આ ચૂંટણીને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.

એનું કારણ એવું છે કે સી. આર. પાટીલ ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા અને હાર્દિક પટેલના કૉંગ્રેસના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી એ પછી ગુજરાતમાં પહેલી વખત કોઈ ચૂંટણી યોજાઈ રહી છે.

આ ચૂંટણી રસપ્રદ એટલે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ.

ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ પૈકી કેટલાકને મેદાનમાં ઉતાર્યા તો સામે કૉંગ્રેસે પક્ષપલટુ નેતાઓને જાકારો આપવાનો મુદ્દો પ્રચારમાં જાળવી રાખ્યો.


મતગણતરીની પ્રક્રિયા આ વખતે અગાઉ કરતાં અલગ

દેશમાં પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિને જોતાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતગણતરી સંદર્ભે વિશેષ માર્ગદર્શિકા અને પ્રોટોકોલ જાહેર કર્યાં છે.

મતગણતરીની પ્રક્રિયા દરમિયાન દરેક કર્મચારી તથા પોલિંગ એજન્ટે માસ્ક પહેરવો ફરજિયાત છે. આ સિવાય ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) તથા વી.વી.પી.એ.ટી. (વોટર

વૅરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ)ની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને હાથના ગ્લૉવ્ઝ અપાયા છે.

પહેલા રાઉન્ડમાં પોસ્ટલ બૅલેટની તથા છેલ્લા રાઉન્ડની ગણતરી બાદ વી.વી.પી.એ.ટી.ની ગણતરી હાથ ધરવમાં આવશે.

કાઉન્ટિંગ સેન્ટર ઉપર પ્રવેશ પૂર્વે થર્મલ-ગન દ્વારા દરેક વ્યક્તિનું તાપમાન ચકાસવમાં આવી રહ્યું છે. પ્રવેશ માટે હૅન્ડ-સૅન્ટાઇઝર તથા સાબુની વ્યવસ્થા કરવામાં આવી હોવાના અહેવાલ છે.

માર્ગદર્શિકા પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મતદાન થઈ શકે તે માટે મતદાનમથકોની સંખ્યા વધારવામાં આવી હતી, જેના કારણે કુલ ઈ.વી.એમ.ની સંખ્યા સરેરાશ કરતાં વધુ રહેવા પામી છે. જેના કારણે મતગણતરીની પ્રક્રિયા પાછળથી લંબાઈ શકે તેવી શક્યતા છે.

અગાઉની વ્યવસ્થા મુજબ દરેક મથક ઉપર 1500 મતદાર વોટિંગ કરી શકતા હતા, પરંતુ આ વખતે આ સંખ્યા એક હજારની રાખવામાં આવી હોવાથી બૂથની સંખ્યા વધી જવા પામી હતી.

દરેક કાઉન્ટિંગ હૉલમાં માત્ર સાત જ ટેબલ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી કરીને સામાજિક અંતરના નિયમનું પાલન થઈ શકે.


ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી હતી

આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે.

આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે ‘પક્ષપલટુ નેતાઓ’ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે.

તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે.

અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા – આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.


મોરબી બેઠકની તાસીર

1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે.

1967ની વિધાનસભા ચૂંટણીમાં ‘સ્વતંત્ર પાર્ટી’ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.

‘ઇલેકશન ઇન ઇન્ડિયા’ વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.

વેબસાઇટ અનુસાર 1985માં ભાજપે મોરબી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો 1995થી લઈને સળંગ ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અહીં જીત્યો છે.


ભાજપ અને કૉંગ્રેસ માટે ગઢડા બેઠક મહત્ત્વની કેમ?

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં બોટાદ જિલ્લાની ગઢડા બેઠકનો પણ સમાવેશ થાય છે.ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.

જે આઠ બેઠકની ચૂંટણી થઈ રહી છે, એમાં એકમાત્ર ગઢડા એસ.સી. અનામત બેઠક છે.

આ બેઠક પરથી ભાજપમાંથી પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ચૂંટણી લડ્યા અને કૉંગ્રેસમાંથી મોહન સોલંકી ઉમેદવાર હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.


ડાંગ અને કપરાડાની આદિવાસી બેઠકો પર ત્રિકોણીય જંગ

ભાજપ જો બન્ને બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે, જ્યારે કૉંગ્રેસનું માળખું નબળું પડશે.

ડાંગ વિધાનસભા બેઠક વર્ષ 1975-2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસના નેતા માધુભાઈ ભોયે વર્ષ 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા.

વર્ષ 2007માં ભાજપ ઉમેદવાર વિજય પટેલે માધુભાઈ ભોયેને 7883 વોટથી હરાવી દીધા હતા. વર્ષ 2012માં કૉંગ્રેસની ટિકિટ પર મંગળ ગાવિતે 2422 મતોથી વિજય પટેલને માત આપી હતી.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 768 મતોથી ફરી ચૂંટાઈ આવ્યા હતા.

‘ઇલેકશન ઇન ઇન્ડિયા’ વેબસાઇટ અનુસાર ડાંગ વિધાનસભા બેઠકમાં 1,66,443 મતદારો છે, જેમાં 50.13 ટકા પુરુષ મતદારો અને 49.87 ટકા સ્ત્રી મતદારો છે.

આદિવાસી વસતી ધરાવતી કપરાડા બેઠક વર્ષોથી કૉંગ્રેસ પાસે છે. વર્ષ 2002માં જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેમણે સતત આ બેઠક પર જીત મેળવી છે. જિતુ ચૌધરી હવે ભાજપની ટિકિટ પર લડશે.

‘ઇલેકશન ઇન ઇન્ડિયા’ વેબસાઇટ અનુસાર 2,32,230 મતદારો છે, જેમાં 50.61 ટકા પુરુષ મતદારો અને 49.39 ટકા સ્ત્રી મતદારો છે.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 84 ટકા મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો.

કૉંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 170 મતોની પાતળી સરસાઈથી ચૂંટણી જીતી ગયા હતા. જિતુભાઈ ચૌધરીને 93,000 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર માધુભાઈ રાઉતને 92,830 મત મળ્યા હતા.

2012માં ભાજપના ઉમેદવાર જિતુભાઈ સામે 18,685 વોટથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણીમાં ભાજપના પ્રકાશ પટેલને 67095 મત મળ્યા હતા અને જિતુભાઈને 85780 મત મળ્યા હતા.


હાર્દિક પટેલ માટે ધારી બેઠક મહત્ત્વની કેમ?

1962ની ચૂંટણીમાં આ બેઠક ધારી-કોડિનાર તરીકે ઓળખાતી અને અનામત (એસ.સી.) હતી. એ સમયે અહીંથી લેઉવા પ્રેમજીભાઈ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

2017, 1995, 1972, 1967, 1962માં કૉંગ્રેસના ઉમેદવાર અહીંથી ચૂંટાઈને આવ્યા છે. તો 2007, 2002 અને 1998માં ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. તો એક વાર ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ઉમેદવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની ચૂંટણીમાં અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી ત્રણ વાર ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે.

તો કૉંગ્રેસના ઉમેદવારો આ સીટ પરથી પાંચ વાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. તો મનુભાઈ કોટડિયા અહીંથી ત્રણ વાર સૌથી વધુ વાર ચૂંટાઈને આવ્યા હતા.

તેઓ જનતાપાર્ટી, જનતાપાર્ટી (જેપી) અને કિસાન મજદૂર લોક પક્ષ (કેએલપી)ની સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા.

એટલે એક રીતે જોવા જઈએ તો ધારી બેઠક પર કોઈ એક પક્ષનો ઉમેદવાર સતત ચૂંટાઈને આવે એવું બનતું નથી.


Source link


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares