ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાણો ક્યારે યોજાશે, ભાજપને કોઇ ઉતાવળ નથી

SHARE WITH LOVE

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. પહેલાં ભારતના ચૂંટણી પંચ અને હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે જ કરાવમાં આવશે. રાજ્યમાં વિજય રૂપાણીની સરકાની વિદાય પછી નવી સરકારનું આગમન થતાં જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી થશે તેવી અટકળો વહેતી થઇ હતી. બીજી તરફ નવી સરકાર તેના 100 દિવસની ઉજવણી કરવાની છે ત્યારે પાર્ટીના સૂત્રોમાં એવી ધારણા હતી કે ઉત્તરપ્રદેશ અને બીજા રાજ્યોની ચૂંટણી થવાની છે તેની સાથે ગુજરાતની ચૂંટણી થશે પરંતુ જે તે સમયે કેન્દ્રીય ચૂંટણી પંચે ઇન્કાર કરતાં કહ્યું હતું કે અમે ગુજરાતની ચૂંટણી અન્ય રાજ્યો સાથેની ચૂંટણી સાથે કરવાના નથી, કેમ કે અમારી પાસે તૈયાર નથી.

બીજી તરફ સચિવાલયમાં પણ અટકળો ચાલતી હતી કે ગુજરાતમાં વિધાનસભાનો ભંગ કરીને વહેલી ચૂંટણી એટલા માટે યોજાશે કે લોકો અત્યારે કોરોના સંક્રમણથી વ્યથિત છે અને તેઓ સરકારથી વધુ નારાજ ન થાય તે માટે અત્યારે કેસ ઓછા છે ત્યારે ચૂંટણી આટોપી લેવામાં આવશે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવવધારાથી જનતા ત્રાહિમામ છે. ડિસેમ્બરમાં પણ હજી ભાવ વધવાની દહેશત છે અને મોંઘવારી વધતી જાય છે ત્યારે વહેલી ચૂંટણી કરી દેવામાં આવે તો ભાજપને ફાયદો થશે.

આ અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે એવી જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી નિયત સમયે એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે પરંતુ ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાની કોઈ વિચારણા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં નિયત સમયે જ થશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને સાંસદ રમીલાબેન બારા જોડાયા હતા.

સીઆર પાટીલે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ તેનો મતલબ એવો નથી કે વહેલી ચૂંટણી થશે. અમે ચૂંટણીના બે વર્ષ પહેલાં ચૂંટણી તૈયારી કરી દેતા હોઇએ છીએ. ગુજરાતમાં 17મી નવેમ્બરે સવારે 10 થી સાંજના 4.30 સુધી પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાત પ્રદેશ ભાજપની કાર્યકારિણી બેઠક યોજવામાં આવશે જેમાં પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે અને તેમાં વિધાનસભાની ચૂંટણી અંગે સ્ટેટેજી તૈયાર કરવામાં આવશે. જો કે એ પહેલાં આ વર્ષના આખરે ડિસેમ્બરમાં 10,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે તેની પણ ચર્ચા આ બેઠકમાં થવાની છે.

Source:


SHARE WITH LOVE