છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે.જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, દાહોદ, ખેડા, પંચમહાલમાં વરસાદ પડી શકે છે.
સાથે જ ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય પાદરા, રાપર, ડીસા અને વિજયનગરમાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના દાંતામાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 42 તાલુકામાં એકથી 2 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે અન્ય 116 તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ નોંધાયો.

બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સોસાયટી, રોડ-રસ્તા સહિત ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા રહીશો અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જિલ્લામાં વરસાદના કારણે અનેક નદીનાળા સજીવન થયા છે. તો વરસાદી પાણીના પગલે નાળુ ધોવાઈ જવાના કારણે 5 ગામના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે.

અરવલ્લી

અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગત રાતથી પડી રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો સહિત રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જિલ્લાના શામળાજી, ભિલોડા, મોડાસા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો ભિલોડામાં 3 ઈંચ તથા મોડાસા અને મેઘરજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો કુલ 388 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

વડોદરા

વડોદરામાં બરોબર વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વડોદરાના જુના શહેરના વિસ્તારોના રાજમાર્ગ, માંડવી ચાર દરવાજા, લહેરીપુરા વિસ્તાર, એમજી રોડ, દાંડીયા બજારમાં પાણી ફરી વળ્યા હતા.પાણી ભરતા વાહનોના પૈડા ડૂબી જવાને કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા. એક ઈંચ વરસાદને કારણે વડોદરામાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા, દમણ, દાદરા નગરહવેલી તેમજ સૌરાષ્ટ્ર તથા દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ દિવસો દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •