જૈન ચેઇનનો કારીગર બોબી સાથે રૂ. 2 કરોડના સોનાનો ગેરકાયદે વહીવટ?

SHARE WITH LOVE

સોનુ ઓળવી જવાના પ્રકરણમાં નવો ઘટસ્ફોટ!!!

બે નંબરી સોનું હોવાથી સોની વેપારી બારોબાર વહીવટ પતાવી લેવાની ફીરાકમાં

રાજકોટની સોની બજારમાંથી દાગીના બનાવતી પેઢીના સંચાલકે આશરે રૂ. 5.30 કરોડની કિંમતની 10 કિલો સોનાનું ફુલેકુ ફેરવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ શખ્સ ફરાર થઈ ગયાની ચર્ચાએ જોર પકડતા આશરે 30 જેટલા સોની વેપારીઓનું સોનાની ઉચાપત થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ જ્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો તેમાં પોલીસે ચોપડે ફક્ત 12 વેપારીઓ જ નોંધાયા તો બાકીના વેપારીઓએ શા માટે ફરિયાદ નોંધાવી નહીં તે સવાલ ઉદ્ભવયો છે.

સમગ્ર મામલામાં ક્યાંક બે નંબરી સોનાની લેતી-દેતી થઈ હોય વેપારીઓ હવે બારોબાર વહીવટ કરી લેવાની ફિરાકમાં હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલામાં સોની બજારમાં સબ ઓફિસ ધરાવતી જૈન ચેઇન નામની પેઢીએ પણ આશરે 4 કિલો સોનાનો વહીવટ કર્યો હોય પરંતુ મુદ્દામાલ ક્યાંક ‘બેનંબરી’ હોવાથી ફરિયાદ દાખલ કરાઈ નહીં તેવું સોની વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

હાલ જાણવા મળતી વિગત મુજબ સોની બજારની આભૂષણ શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે સબઓફિસ ધરાવતી અમદાવાદની જૈન ચેઇન પેઢીએ આશરે 4.013 કિલો સોનાની લેતી દેતી બોબી ઉર્ફે તેજસ રાણપરા સાથે કરી હતી. પેઢી દ્વારા કરાયેલી ચોખ્ખું સોનુ ‘બે નંબર’નું હોવાની પ્રબળ શકયતા છે. આ પેઢી દ્વારા નાણાંકીય વ્યવહારો પણ કરાયાની ચર્ચા છે.

આશરે 4 દિવસથી ચાલી રહેલા પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર દ્વારા સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાનો તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જે વેપારીની આશરે રૂ. 2 કરોડનું સોનુ કોઈ ઓળવી જાય અને તેને પાંચ-પાંચ દિવસ થયા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ કે કશું જ કરવામાં ન આવ્યું હોય તો ચોક્કસ હજુ સુધી કાર્યવાહી નહીં કરવા પાછળ કંઈક મોટું કારણ જવાબદાર હોય તે બાબત તો સ્પષ્ટ છે.

બીજી બાજુ તેજસ ઉર્ફે બોબી નાણાંકીય ખેંચતાણ અને વ્યાજના ચકરડામાં આવી જવાથી આ પગલું લીધાની કબૂલાત આપી છે ત્યારે તેજસે આશરે રૂ. 40 લાખ વ્યાજે લીધા હોય તેવું પણ હાલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે અને આવડી મોટી રકમ વ્યાજના મોટી ટકાવારી પર જૈન ચેઇન પેઢીના સંચાલકોએ જ આપ્યાનો ગણગણાટ સોની બજારમાં થઈ રહ્યો છે. તેજસ ઉર્ફે બોબી છેલ્લા લાંબા સમયથી વ્યાજનું મીટર ભરતો હોય અને વ્યાજના ચકરડામાંથી બહાર આવી ન શકતો હોય તેની પાછળ પણ સોની બજારની આ પેઢી જ જવાબદાર હોય તેવું સોની બજારમાં ચર્ચાઈ રહ્યું છે.

જૈન ચેઇને આપેલું સોનું ‘બે નંબરી’?: તપાસનો વિષય

જૈન ચેઇને આશરે 4 કિલો જેવા માતબર ચોખ્ખા સોનાનો વહીવટ તેજસ ઉર્ફે બોબી સાથે કર્યો હતો અને તેજસ ફરાર થઈ જતા સમગ્ર સોની બજારમાં જાણે હડકંપ મચી જવા પામ્યો હતો. આ સમાચાર સોની બજારમાં આગની ઝડપે ફેલાઈ હતી. જેના કારણે અનેક વેપારીઓ પોલીસના શરણે દોડી ગયા હતા. જે વેપારીઓએ તેજસ સાથે ફક્ત 500 ગ્રામ સોનાની લેતી-દેતી કરી હોય તેઓ પણ પોલીસ ફરિયાદમાં જોડાયા છે તો પછી જેણે આશરે 4 કિલો સોનાની લેતી-દેતી કરી હતી તેમણે હાલ સુધીમાં પોલીસનો સંપર્ક માત્ર પણ શા માટે ન કર્યો? તે મોટો સવાલ છે. પોલીસ પાસે નહીં જવાનું કારણ ક્યાંક ‘બે નંબરી’ વહીવટ હોય તેવી ચર્ચાએ સોની બજારમાં જોર પકડ્યું છે.

સોની વેપારીઓના ગેરકાયદેસર વ્યવહારો પર આવકવેરા વિભાગની નજર?

જે રીતે સોની બજારમાં આશરે 30 વેપારીઓનું ફુલેકુ ફર્યું હોય તેવી વાતો સામે આવ્યા બાદ ફક્ત 12 વેપારીઓ જ પોલીસના શરણે ગયા તે બાદ અમદાવાદ આવકવેરા વિભાગ પણ આ મામલાની ઝીણવટભર્યો અભ્યાસ કરી રહી હોય તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અન્ય વેપારીઓનું માતબર રકમનું સોનુ ગયા છતાં તેમણે પોલીસનો સંપર્ક કેમ ન કર્યો તે સવાલ હાલ ગંભીર છે ત્યારે આવકવેરા વિભાગ આ મામલે સક્રિય થયાના ઇનપુટ છે. અગાઉ જે રીતે રાજકોટના બિલ્ડર ગ્રુપના ગેરકાયદેસર વ્યવહારો પર આવકવેરા વિભાગ તૂટી પડ્યું હતું તેવી જ રીતે રાજકોટના સોની વેપારીઓ પર પણ આવકવેરા વિભાગ ટૂંક સમયમાં તવાઈ બોલાવે તો નવાઈ નહીં.

બોબીએ જૈન ચેઇનના સંચાલકો પાસે રૂ. 40 લાખ વ્યાજે લીધાની ચર્ચા !!!

તેજસ ઉર્ફે બોબી નાણાંકીય ખેંચતાણ અનુભવી રહ્યો હતો. તે સમયે ડૂબતાને તણખાનો સહારો માફક નાણાંકીય ભીડ દૂર કરવા બોબીએ જૈન ચેઇનના સંચાલકો પાસેથી આશરે રૂ. 40 લાખ વ્યાજે લીધાનો ગણગણાટ સોની બજારમાં થઈ રહ્યો છે. નાણાંકીય ખેંચતાણ દૂર કરવા લીધેલા નાણાંના વ્યાજે બોબીને વધુ આર્થિક સંકળામણ આપી. વ્યાજના ચકરડામાં ફસાયા બાદ તેજસ વધુને વધુ ભીંસાતો ગયો અને અંતે તેણે આ પગલું લીધાનું ચર્ચાઈ રહ્યું છે. આ દિશામાં પોલીસ જો તપાસ કરે તો અનેક નવા રહસ્યો ખુલે તેવી પ્રબળ શકયતા છે.

Source link


SHARE WITH LOVE