નકલી ચલણી નોટોના માસ્ટર માઇન્ડ ઝડપાયા

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

નવગુજરાત સમય, મહેસાણા

મહેસાણાની એચડીએફસી બેન્કમાં 30મી નવેમ્બરે બે ખાતામાં ભરવા આવેલી ચલણી નોટો પૈકી રૂ.200ના દરની 100 નકલી નોટોના પ્રકરણમાં તપાસ દરમિયાન મહેસાણા એસઓજી પોલીસે રાજકોટમાં ચાલતા નકલી નોટો બનાવીને બજારમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી બે શખ્સોને દબોચી લીધા હતા અને મુખ્ય સૂત્રધારને પણ મોડી સાંજે ઝડપી લીધો હતો.

મહેસાણા એચડીએફસી બેન્કમાં 30મી નવેમ્બરે એક ખાતામાં ભરવા આવેલાં નાણાંમાં રૂ.200ના દરની 49 ચલણી નોટો અને અન્ય એક અકાઉન્ટમાં ભરવા આવેલાં નાણાંમાંથી રૂ.200ના દરની 51 ચલણી નોટો નકલી હોવાનું જણાતાં તે અલગ રાખી તપાસ બાદ આ બાબતે બેન્ક મેનેજરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીઆઈ બી.એમ.પટેલે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં ખાતા ધારકો પાસે આ નોટો બહુચરાજીના એક વેપારી પાસેથી આવેલી હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે બહુચરાજીના વેપારી સહિતની પૂછપરછ હાથ ધરી હતી.

ઉપરાંત મહેસાણા એસઓજી પીઆઈ ડી.ડી.સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ.વાળા, બી.બી.ડાભાણી તેમજ બી ડિવિઝન પીએસઆઈ એસ.બી.કાસુરા સહિતની ટીમોએ હાથ ધરેલી સઘન તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ કેસમાં રાજકોટના સાગર ખિલોસીયા (ઠક્કર) અને દિપક કારીયાની ધરપકડ કરી હતી. તેમજ સાગર ખિલોસીયાના ઘરમાં નકલી ચલણી નોટો છાપવાની કામગીરી થતી હોઈ પોલીસે ત્યાંથી પ્રિન્ટર, સ્કેનર વગેરે જપ્ત કર્યું હતું. ઝડપાયેલા બંને શખ્સોએ તેઓએ નકલી નોટો છાપીને બજારમાં મૂકવા અંગેની કબૂલાત પણ કરી હતી. વધુ પૂછપરછમાં મુખ્ય સૂત્રધારનું નામ ખૂલતાં પોલીસે જસદણના છસીયાના રહેવાસી એવા મુખ્ય સૂત્રધાર મગન શેખની પણ બુધવારે મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી.

પુરવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો

નકલી નોટો છાપવાની પ્રવૃત્તિ ચલાવતા શખ્સોને મહેસાણા અને બહુચરાજીમાં નકલી નોટો અંગેની પૂછપરછ શરૂ થઈ હોવાની ગંધ આવી જતાં તેમણે છાપેલી નકલી નોટોને બાળીને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે અર્ધ બળેલી તેમજ બળેલી નકલી નોટો પણ કબજે લીધી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવાનો નાશ કરવા અંગેની કલમનો ઉમેરો કરાયો હતો.

પોલીસે એક જ દિવસમાં ષડયંત્રનો પર્દાફાસ કર્યો

બી ડિવિઝનમાં મંગળવારે એક ડિસેમ્બરે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે મામલાને ગંભીરતાથી લઇ એસઓજી પીઆઇના માર્ગદર્શન હેઠળ એસઓજીના બે પીએસઆઇ અને બી ડિવિઝનના પીએસઆઇ સહિતની ટીમે રાજકોટથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Source link


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares