નર્મદા મૈયા પુલ પર સીસીટીવી કેમેરા લગાવાયા

SHARE WITH LOVE

ભરૂચ: લોકાપર્ણની સાથે જ સુસાઈડ  પોઈન્ટ અને અકસ્માત ઝોન બની ગયેલા નર્મદા મૈયા બ્રિજને CCTV કેમેરાથી સજ્જ કરી દેવાયો છે. પુલ પરથી પસાર થતાં ગેરકાયદે  ભારે વાહનો, ઓવરસ્પીડ કે અન્ય અસામાજિક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા કેમેરા મુકવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા પોલીસ તંત્રે બ્રિજના બન્ને છેડે પોલીસ પોઈન્ટો ઊભા કર્યા હતા અને પોલીસ પેટ્રોલિંગ પણ કરતી હતી. જોકે બ્રિજ પરથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહનો વચ્ચે કાયદો-વ્યવસ્થા અને જાનમાલની સુરક્ષા જાળવવી પણ ખૂબ અગત્યનું બન્યું હતું. નવા બ્રિજના નિર્માણ બાદ આત્મહત્યાનું વધેલું પ્રમાણ, અકસ્માતો, સેલ્ફી કે લટાર મારવા વાહનો લઈ બ્રિજ ઉપર ઉમટી પડતા લોકોને કારણે ટ્રાફિકને અડચણ અને અકસ્માતોની દહેશત પણ વર્તાઈ રહી હતી. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે બ્રિજના બન્ને છેડે ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જેથી હવે 24 કલાક બ્રિજ ઉપરથી પસાર થતા હજારો વાહનો અને અન્ય ગતિવિધિઓ CCTV માં કેદ થવા સાથે તેના કંટ્રોલરૂમમાં બેસેલા સુરક્ષા કર્મીઓના મોનિટરિંગમાં રહેશે.

Source link


SHARE WITH LOVE