નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં હાજરી આપવા ગુજરાત આવશે અમિત શાહ, મંત્રી મંડળમાં મોટા ઉલટફેર સંભવ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સોમવારે ગુજરાતની મુલાકાતે ખાસ આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં આપશે હાજરી

 • અમિત શાહ રહેશે મુખ્યમંત્રીના શપથમા ઉપસ્થિત 
 • સોમવારે બપોર સુધીમાં આવી પહોચશે અમિત શાહ 
 • મંત્રી મંડળમાં તોળાશે મોટા ફેરબદલ- માળખું તૈયાર 

ગત સપ્તાહ ગુરુવારે માત્ર 12 કલાકની ટૂંકી મૂલાકાતે આવી ગુજરાતની રાજનીતિની પટકથા લખી ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બપોરે 12.30 ના અરસામાં અમદાવાદ આવી પહોચશે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જઈ નવનિર્વાચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહેશે.  શપથગ્રહણ બાદ  અમિત શાહ  મંત્રી મંડળ વિસ્તરણ અંગે પણ માર્ગદર્શન આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે નિયત સમય ડિસેમ્બર -2022 પહેલા નિર્ધારિત છે. પરંતુ લગાવાતા ક્યાસ મુજબ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી જાય તો નવાઈ નહિ રહે.  

સોમવારે પદનામિત મુખ્યમંત્રી લેશે શપથ 

રવિવારે મુખ્યમંત્રી પદે પદનામિત થયેલા ભૂપેન્દ્ર પટેલ સોમવારે શપથ ગ્રહણ કરશે.તેઓ માત્ર એકલા જ શપથ લેશે.ત્યાર બાદ મંત્રી મંડળના વિસ્તરણને લઈને ચર્ચા હાથ ધરશે. ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આવતીકાલે માત્રને માત્ર રાજ્યના નવા મુખ્યમંત્રી જ શપથ લેવાના છે.નવું મંત્રીમંડળ બનશે તે ચર્ચા બાદ નક્કી કરીશું. 
   
નવા મંત્રી મંડળના સમીકરણ 

ગુજરાતની ગાદી પર મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલ આવતા હવે મંત્રી મંડળના વિસ્તરણમા મોટો ઉલટફેર જોવા મળશે.વિજય રૂપાણી કેબિનેટમાં અરધો ડઝન મંત્રીઓ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા.હવે નવા મંત્રી મંડળમાં તેઓ હાંસિયામાં ધકેલાઈ શકે છે. મંત્રી મંડળમાં સામાજિક સંતુલન અને વિસ્તારના પ્રતિનિધિત્વ પર વિશેષ ભાર મુકાઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમા ભાજપના વિજય રથની જવાબદારી પણ નવા નિયુક્તિ પામનારા મંત્રીઓના શિરે રહેશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમવારે ઉપસ્થિત રહેવાના છે એટલે મંત્રી મંડળ વિસ્તરણમાં કોનો સમાવેશ કરવો અને કોના પોર્ટફોલિયો બદલવા તેનું માળખું સીધી દેખરેખમાં તૈયાર કરાવી દેશે.

 આપને જણાવી દઈએ કે, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડીયા વિધાનસભા બેઠક પણ આવે છે.હવે મુખ્યમંત્રી તરીકે અમિતભાઈના મત વિસ્તારની જવાબદારી પણ ભૂપેન્દ્ર પટેલની રહેશે.શક્ય છે આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન અમિત શાહની ગુજરાતની મુલાકાત ઓછી થઇ જાય,પણ સંસદીય મતવિસ્તારના કામોમાં કોઈ બાધા કે રુકાવટ ના આવે તેની સીધી જવાબદારી મુખ્યમંત્રીની રહી શકે છે. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •