નીતિન પટેલે માફી માંગી છતાં વિવાદ શમવાનું નામ નથી લેતો
ગાંધીનગરઃ તાજેતરમાં યોજાઈ ગયેલી પેટાચૂંટણીમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેના પગલે વિવાદ ઊભો થયો હતો અને વિવાદ સર્જાવવાના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માફી પણ માંગી હતી અને જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ વર્ગનું અપમાન કરવાનો ઇરાદો ધરાવતા નથી.
આમ છતાં પણ આ વિવાદ શાંત પડી રહ્યો હોય તેમ લાગતું નથી. આજે સ્વયં સેવા દળ દ્વારા ગાંધીનગરમાં રેલી યોજીને નાયબ મુખ્યમંત્રીના આ નિવેદન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે આ રેલી અંગે કોઈ મંજૂરી લેવાઈ ન હોવાથી પોલીસ દોડી આવી હતી. તેણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો વિરોધ કરવા આવેલા સ્વયં સેવા દળના કાર્યકરોની મોટાપાયા પર અટકાયત કરી હતી.
નીતિન પટેલે તેમની ટિપ્પણી પછી(Nitin Patel) વિવાદ સર્જાતા સત્તાવાર અને ફેસબૂક પર પણ માફી માંગી હતી. નીતિન પટેલ ની જાતિવાચક ટિપ્પણીએ મોરબીની સભા પછી જ વિવાદનું સ્વરૂપ પકડ્યુ હતુ. જો કે સ્વયં સૈનિક દળ દ્વારા માંગ કરવામાં આવી કે જ્યારે પણ કોઈ સામાન્ય માણસ જાતિવાચક શબ્દો બોલે છે ત્યારે તેની સામે કાયદાકીય પગલાં ભરાય છે પણ નાયબ મુખ્યમંત્રી જેવી વ્યક્તિ દ્વારા અને રાજનેતા દ્વારા આ પ્રકારના શબ્દો બોલ્યા વગર કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી.
તેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે પગલાં ભરવા જોઈએ તેવી સ્વયં સૈનિક દળના આગેવાન ચંદ્રમણી દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે જિલ્લા પંચાયત સામે કોઈપણ જાતની મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયત્ન કરતાં ગાંધીનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.