મંત્રીપદેથી દૂર કરાયેલા કાનાણીએ કહ્યું હાલની સ્થિતિ 2017 કરતા પણ ખરાબ છે, AAP…

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુજરાતમાં આખી સરકાર બદલી નાંખવા પાછળનું એક મોટું કારણ ભાજપના પડતા મૂકાયેલા મંત્રીએ જ આપી દીધું છે. પૂર્વ બની ચૂકેલા મંત્રી કુમાર કાનાણીએ કહ્યું કે સ્થિતિ ખૂબ ખરાબ છે. વર્ષ 2012 અને વર્ષ 2017 કરતા પણ ખરાબ છે. એટલે આગામી ચૂંટણીમાં પાર્ટીએ આ ધ્યાન રાખવું પડશે. આમ આદમી પાર્ટી અમારા વિસ્તારમાંથી જ 27 બેઠકો લાવી છે.

રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન રહેલા કુમાર કાનાણીએ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પછી એબીપી અસ્મિતાના એડીટર રોનક પટેલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમને મંત્રીમંડળમાંથી દૂર કરાયા તો તેમને કેવી લાગણી થઇ, તે અંગે કુમાર કાનાણીએ કહ્યું કે તેમણે ક્યારેય ટિકિટ પણ માગી નથી અને મંત્રીપદ પણ માગ્યું ન હતું. એટલે હરખ શોક જેવું કઇ છે નહીં.

પાર્ટીને જે યોગ્ય લાગ્યું તે નિર્ણય લીધો. તેમણે જણાવ્યું કે બુધવારે તેમને કહેવામાં આવ્યું કે સિનિયર મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે. તમારે પણ આપી દેવાનું છે. એટલે તેમણે આપી દીધું.

કાનાણી ને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે તમારૂં ભવિષ્ય શું? ફરી 2022માં ચૂંટણી લડશે ખરા? આ સવાલના જવાબમાં કાનાણી બોલ્યા કે તેઓ ક્યારેય ટિકિટ માગતા નથી. હાલ દાવેદારી જરૂર નોંધાવે છે. આગામી ચૂંટણીમાં પણ નોંધાવાશે. પરંતુ તેમણે એક મહત્વની વાત એ કરી કે હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે.

વર્ષ 2012માં તેઓ કોંગ્રેસના મોટા નેતા ધીરૂ ગજેરા સામે લડીને જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં પાટીદાર આંદોલન વખતે આંદોલનના એપિસેન્ટરમાંથી પણ જીત્યા હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ 2012 અને 2017 કરતા પણ ખરાબ છે. આમ આદમી પાર્ટીઓ 27 બેઠકો જીતી છે. એટલે ભાજપના મોટા નેતાઓ આ વાતને ધ્યાન રાખે તે જરૂરી છે. જેને પણ ટિકિટ આપે આ વાતનું ધ્યાન જરૂર રાખે. વરાછામાં સ્થિતિ અગાઉ જેવી નથી.

આમ, કુમાર કાનાણીએ એક રીતે કહી દીધું કે ભાજપને આ વખતે વરાછામાં જીતવુ અઘરૂં પડશે. આમ મંત્રીમંડળમાં નો રીપીટેશન લાવીને ભાજપે જે છબિ સુધારવાનો પ્રયાસ કર્યો છે તે કેટલી અસર પાડશે તે તો આગામી સમય કહેશે પરંતુ હાલમાં સ્થિતિ ખરાબ છે તેનો સ્વીકાર ખુદ મંત્રી રહેલા નેતાઓ મીડિયા સામે કરી દીધો છે.

બીજી રીતે તેમણે એવો પણ ઇશારો કરી દીધો છે કે તેમણે ફરીથી વરાછાથી ચૂંટણી લડવાની ઇચ્છા છે. આમ, હવે ભાજપ ટિકિટની ફાળવણીમાં પણ જો નો રીપીટેશન લાવવાનો નિર્ણય કરશે તો આવા નેતાઓની નારાજગી સહન કરવાનો વારો જરૂર આવશે. 

ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણી વરાછામાં ખૂબ લોકપ્રિય નેતા છે. તેમની લોકોમાં સારી એવી પકડ છે. તેઓ મત્રી બન્યા પછી પણ લોકો સાથે સતત સંપર્કમાં રહેતા હતા. જોકે, કોરોનાકાળમાં તેમની ઉપર ખૂબ પસ્તાળ પડી હતી. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •