રાજ્યના 15 જિલ્લામા લીમડાના વન ઊભા કરાશે, તેનાથી અપાશે લોકોનો રોજગારી

SHARE WITH LOVE

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (જીએનએફસી) અને ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની (જીએલપીસી) વચ્ચે એક એવા સમજૂતી કરાર થયા છે કે જેમાં રાજ્યના 15 જિલ્લામાં તાલુકા સ્તરે લીમડાના વન ઉભા કરવામાં આવશે. આ જિલ્લાઓમાં સૌથી વધુ લીમડાના વૃક્ષો આવેલા હોવાથી જિલ્લાઓમાં વન ઉભા કરવામાં સરળતા પડશે.

ગુજરાત સરકારનું સાહસ એવી જીએનએફસી કંપની હાલ નીમ પ્રોજેક્ટ હેઠળ નીમ સાબુ, શેમ્પુ, સેનિટાઇઝર અને નીમ ખાતર સહિત હેલ્થકેરનું ઉત્પાદન કરે છે. આ બનાવટો જેનાથી તૈયાર થાય છે તે લીમડાના વૃક્ષો પરની લીંબોળીને એકત્ર કરવાનું કામ આદિવાસી વિસ્તારની હજારો મહિલાઓ કરી રહી છે. આ મહિલાઓને રોજગારની તક મળે અને તેઓ પગભર થાય તે હેતુથી આ બન્ને કંપનીઓએ લીમડા વન ઉભા કરવાનો આ કરાર સંપન્ન કર્યો છે.

જીએનએફસીના એમડી અને મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોશી અને લાઇવલી હૂડ પ્રમોશન કંપનીના એમડી ભાર્ગવી દવેએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર થકી બન્ને જાહેર સાહસો સાથે મળી રાજ્યમાં લીમડાના સૌથી વધુ વૃક્ષો ધરાવતા કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 15 જિલ્લાઓમાં તાલુકા સ્તરે લીમડાના વન ઉભા કરશે.

એટલું જ નહીં લીંબોળી એકત્રીકરણ, ખરીદ વ્યવસ્થા તેમજ જીએનએફસીની બનાવટોનું સ્વસહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે. અત્યારે રાજ્યમાં અને દેશના બીજા રાજ્યોમાં જીએનએફસીએ માર્કેટમાં પોતાના સ્ટોર ખોલ્યા છે જેના થકી નીમ પ્રોડક્ટ્સ વેચાઇ રહી છે. બીજી તરફ આ સરકારી કંપનીએ નીમ કોટેડ યુરિયા ખાતરનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે. આ કરારથી આ ઉત્પાદનોને બળ મળશે અને આદિવાસી મહિલાઓને રોજગારી આપી શકાશે.

Source:


SHARE WITH LOVE