રાજ્ય સરકાર શરૂ કરશે એર એમ્બ્યુલન્સ સેવા, દર્દીઓને મળશે ઝડપથી મદદ

SHARE WITH LOVE

રાજ્યમાં હવે સરકાર એર એમ્બ્યુલન્સ શરૂ કરશે અને આ બાબતે વાઇબ્રન્ટ સમિટમાં સરકાર અને GVK વચ્ચે MOU થશે. સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે તેમાં જુના એરક્રાફ્ટ B2100નો ઉપયોગ કરવામાં આવશે અને આ બાબતે DGCA પાસેથી મંજૂરી માગવામાં આવી છે. જરૂરિયાતવાળા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે દર્દીએ એર એમ્બ્યુલન્સનો લાભ લેવો હોય તેણે ઓપરેટિંગ ખર્ચ આપવો પડશે અને એર એમ્બ્યુલન્સની સેવા લેનાર દર્દીએ 108માં નોંધણી કરાવવાની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં 191 કરોડની કિંમતમાં બોમ્બારડિંગ ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવી હતી અને તેની પહેલા 20 વર્ષ સુધી જે બીચક્રાફ્ટ સુપર કિંગ વિમાન મહાનુભાવોની સુવિધા માટે કાર્યરત હતા તે વિમાનોને જ હવે એર એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે. આ સુવિધા શરૂ થતા જ દર્દીઓને મોટી રાહત મળશે.

આટલું જ નહીં હવે રાજ્ય સરકાર રિવરફ્રન્ટથી નર્મદાના કેવડીયા સુધી સી-પ્લેનની સુવિધા, ધાર્મિક સંસ્થાનો સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની સુવિધા અને અમદાવાદમાં હેલિકોપ્ટરની જોયરાઈડ્સની સુવિધા શરૂ કરવા માટે વિચારણા કરી રહી છે. અગાઉ વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવા ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી. તેથી સી-પ્લેન સુવિધા અનેકવાર બંધ થઈ હતી. હાલમાં પણ આ સુવિધા પ્રવાસીઓ માટે બંધ છે.

હવે અમદાવાદ રીવરફ્રન્ટથી કેવડીયા સુધી જે સી-પ્લેનની સુવિધા શરૂ થશે તેનું સંચાલન રાજ્યના સિવિલ એવિએશન વિભાગ દ્વારા કરવામાં આવશે. બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કે, અમદાવાદમાં સપ્તાહના અંતમાં જે લોકોને હેલિકોપ્ટરમાં બેસીને આનંદ માણવો છે તેમના માટે એક જોયરાઈડ્સની સુવિધા શરૂ કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટર અમદાવાદના કોઈ એક સ્થળેથી ઉડશે અને રિવરફ્રન્ટ પર આ હેલિકોપ્ટરને ઉતારવામાં આવશે. 

મહત્ત્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ સી-પ્લેન સર્વિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પણ આ સેવા શરૂ થયાના ગણતરીના દિવસો સુધી સારી રીતે ચાલી ત્યારબાદ અનેક વખત આ સેવા બંધ થઇ ગઈ હતી. પણ હવે આ સેવાને અવિરતપણે શરૂ રાખવા માટે ખાનગી કંપનીને નહીં પણ સી-પ્લેન સર્વિસનું સંચાલન રાજ્યના સિવિલ એવિએશન વિભાગને સોંપવામાં આવ્યું છે. 

Source:


SHARE WITH LOVE