વીમા કંપનીઓએ કોવિડનો કેશલેસ ક્લેમ એક કલાકમાં મંજૂરી કરવો પડશે: ઇરડા

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

એજન્સી > નવી િદલ્હી

દેશમાં કોરોનાની બીજી લહેર વખતે હજારો લોકોને વીમો હોવા છતાં ક્લેમ માટે ભટકવું પડે છે. આ સ્થિતિમાં વીમા નિયમન સંસ્થા IRDAIએ તમામ વીમા કંપનીઓને કોવિડ સંબંધી તમામ કેશલેસ ક્લેમને અરજી મળવાના સમયથી એક કલાકમાં મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

ઇરડાએ તાજેતરમાં એક સર્ક્યુલર જારી કર્યો છે, જેમાં કોવિડ-૧૯ના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ્સના માપદંડોનો ઉલ્લેખ કરાયો છે. ઇરડાએ તમામ જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે, અરજી મળ્યા પછી એક કલાકમાં જ કેશલેસ ટ્રીટમેન્ટ અંગેની મંજૂરીના નિર્ણયની માહિતી આપવી જરૂરી છે. જેમાં હોસ્પિટલ તરફથી માંગવામાં આવેલી તમામ માહિતી સામેલ છે.
આ સર્ક્યુલર એવા સમયે આવ્યો છે જ્યારે હોસ્પિટલમાં બેડ ખાલી થવાની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે તાત્કાલિક રાહતની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં વીમા કંપનીઓને મહત્તમ ૩૦થી ૬૦ મિનિટમાં કેશલેસ સારવારને મંજૂરી આપવા જણાવ્યું હતું. ત્યાર પછી ઇરડાએ આ નિર્દેશ જારી કર્યો છે. હાઇકોર્ટનો આદેશ વધુમાં વધુ દર્દીઓને કેશલેસ સારવારનો લાભ આપવા તેમજ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં વિલંબ ન થાય એ હેતુથી આપવામાં આવ્યો હતો. અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, દિલ્હી હાઇકોર્ટ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની તંગી, દવાઓની અછત અને બ્લેક માર્કેટિંગને સહિતની બાબતો પર સતત સુનાવણી કરે છે. હાઇ કોર્ટમાં સુનાવણી વખતે વીમા કંપનીઓ દ્વારા કેશલેસ સારવારની મંજૂરીમાં વિલંબનો મુદ્દો સામે આવ્યો હતો. કંપનીઓ મોટા ભાગના ક્લેમ્સ આધારહીન મુદ્દા દર્શાવી ફગાવી રહી છે. વીમા કંપનીઓની મુનસફીને જોતાં હાઇકોર્ટે ઇરડાને આવા ક્લેમ બાબતે આદેશ આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે પણ વીમા કંપનીઓએ ઘણા દર્દીઓને ક્લેમ ખોટા કારણો આપી રદ કર્યા હતા. જેને લીધે લાંબા સમય સુધી હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરનારા લોકોએ હોસ્પિટલનું બિલ ખિસ્સામાંથી ચૂકવવું પડ્યું હતું.

થોડા સમય પહેલાં જારી કરાયેલા એક સરવેમાં જણાવ્યા અનુસાર વીમા કંપનીઓ ડિસ્પોઝેબલ્સ સહિત ઘણી ચીજોના ક્લેમ પહેલી નજરે જ નામંજૂર કરી દે છે. ઉપરાંત, યોગ્ય કારણ આપ્યા વગર ઘણી ચીજોનું બિલ મંજૂર કરવામાં આવતું નથી. એક અંદાજ પ્રમાણે કોરોનાની પ્રથમ લહેર વખતે મોટા ભાગના દર્દીઓને ક્લેમની ૫૦થી ૬૦ ટકા રકમ જ પાછી મળી હતી. આ બાબતે સંબંધિત વર્તુળોએ વીમા કંપનીઓને ભારે ટીકા પણ કરી હતી. જોકે, તેનું કોઈ નક્કર પરિણામ હજુ સુધી આવ્યું નથી. ઇરડાએ આ મુદ્દે વીમા કંપનીઓ માટે વધુ ચુસ્ત ધોરણો ઘડવા જરૂરી છે.

Source link


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares