સાંસદ મનસુખ વસાવાએ ભાજપના સ્થાપના દિવસે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો

SHARE WITH LOVE
 • 37
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  37
  Shares

 • નર્મદા ભાજપના એક નેતાએ 1995માં કેનાલ સમારકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે
 • આવનારા સમયમાં હું બે નંબરીયા અધિકારીઓ અને આપણા બે નંબરીયા નેતાઓને ખુલ્લા પાડીશ
 • કેવડિયાના જે અધિકારીઓ અપડાઉન કરે છે તેમને પણ હવે અહીં કેવડિયામાં રહેવું પડશે
 • ખુશામત કરીને મોટા પદ પર આવી જાય અને પછી કહે કે જિલ્લાના લોકોના પેટમાં તેલ રેડાયું છે

રાજપીપળા: નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગરુડેશ્વરમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, માજી વન મંત્રી શબ્દશરણ તડવી સહિત ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.ભાજપના સ્થાપના દિવસે જ મનસુખ વસાવાએ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો.એમણે આડકતરી રીતે નર્મદા ભાજપના અમુક નેતાઓ અને કેવડિયાના ઉચ્ચ અધિકારીઓને આડે હાથે પણ લીધા હતા.

ગરુડેશ્વર ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં L&T સાથે રહીને 4 આદિવાસીઓ કમાયા છે અને ઉપર કહે છે મનસુખ વસાવા ખોટું બોલે છે.નેતાઓનું થઈ ગયું એટલે એવું નથી કે બધાનું થઈ ગયું.હું પોતે પણ કરજણ ડેમનો અસરગ્રસ્ત છું, અસરગ્રસ્તની વેદના શુ છે એ મને ખબર છે.અમુક ચોર લોકો આપણને દબાવવાની વાત કરે એ નહિ ચાલે.મનસુખ વસાવા પાર્ટી થકી મોટો માણસ થયો છે પણ હું ગરીબ પ્રજાને મદદરૂપ ન થાવ તો સાંસદનું પદ શુ કામનું.પેહલા કેવડીયામાં સાયન્સ સ્કૂલ હતી, હોસ્પિટલ ધમધમતી હતી એ બંધ થઈ ગઈ એના જવાબદાર આપણા જ લોકો છે.આપણા જ કેટલાક લોકો પોતાની સ્કૂલ ચાલે એટલે કેવડિયાની સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા હતા.હું આદિવાસીઓ માટે લડું છું અને લડતો આવીશ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ પણ એજન્સી આવે પહેલા સ્થાનિકોને નોકરીએ રાખો.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોટા પ્રોજેક્ટોમાં જેની પણ જમીન જાય એને અસરગ્રસ્ત તરીકેના લાભ મળવા જોઈએ.દહેજમાં મોટા મોટા ઉદ્યોગોમાં ઘણા લોકોની જમીનો ગઈ છે, વળતર પેટે લોકોને કરોડો રૂપિયા મળ્યા છે, પણ એ જ કરોડપતિ આજે રોડપતિ થઈ ગયા છે.કેવડિયા વિસ્તારમાં કેનાલ નજીક રહેતા લોકોને હાલમાં પણ સિંચાઈનું પાણી મળતું નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટી અસરગ્રસ્તો માટે ઉપરના લોકોએ ગાઈડલાઈન બનાવી છે એ ગાઈડલાઈનને અમુક અવળચંડા અધિકારીઓ પોતાના સ્વાર્થ ખાતર તોડી રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના ગામોનો રસ્તો બનાવવાની આપણી ફરજ છે.દેશ વિદેશથી લોકો કેવડિયા રહેવા આવે છે અને કેવડિયાના લોકો વડોદરા-ગાંધીનગરથી અપડાઉન કરે છે પણ કેવડિયાના અધિકારીઓએ અહીંયા જ રહેવું પડશે. કેટલાક અધિકારીઓ કેવડિયાનું નામ બદલવા નીકળ્યા છે પણ કેવડિયાનું નામ કેવડિયા જ રહેશે એકતા નગરી નહિ થાય, પ્રોજેકટનું નામ એકતા સાથે જોડો વાંધો નથી.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આપણા લોકો ભાગલા પાડો રાજ કરો એવી નીતિ ધરાવે છે, એવા દેશી અંગ્રેજોથી ચેતવું પડશે.આવનારા સમયમાં હું બે નંબરીયા અધિકારીઓ અને આપણા બે નંબરીયા નેતાઓને ખુલ્લા પાડીશ.નર્મદા જિલ્લા ભાજપના એક નેતાનું નામ લીધા વિના જણાવ્યું હતું કે ખુશામત કરીને મોટા પદ પર આવી જાય અને પછી કહે કે જિલ્લાના લોકોના પેટમાં તેલ રેડાયું છે.પેહલા પણ તમારી પાસે ભારત સરકારનો ઉચ્ચ હોદ્દો હતો કેમ આદિવાસીઓના પ્રશ્નો હલ ન કર્યા.

Source:


SHARE WITH LOVE
 • 37
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  37
  Shares