સુપર એક્સક્લુઝિવ: અમદાવાદના જ ટોચના બિલ્ડરપુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં તરફડિયાં માર્યાં, ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં દાખલ

SHARE WITH LOVE

અમદાવાદ

  • બિલ્ડરપુત્રની પિત્તાશયની બીમારીના નામે સારવાર, વિગત છુપાવવા હોસ્પિટલમાં થ્રી લેયર સિક્યોરિટી
  • એક IPS અધિકારી આ મોટા ગજાના બિલ્ડર સાથેના બિઝનેસમાં સ્લીપિંગ પાર્ટનર હોવાની વાતો
  • અમદાવાદ સહિત રાજ્યના હાઈપ્રોફાઈલ પરિવારોમાં ડ્રગ્સનું દૂષણ બિલ્લીપગે પહોંચી ગયું

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતનું ડ્રગ્સ, હેરોઈન, એમડી, કોકેઈન પકડાયું છે. અત્યારસુધી એવી જ થિયરી ચાલતી હતી કે ગુજરાત તો માત્ર રુટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજા રાજ્યો અને બહારના દેશોમાં જાય છે. પરંતુ હકીકતમાં ગુજરાતનું યુવાધન ધીરે-ધીરે ડ્રગ્સના અજગરી ભરડામાં સપડાઈ રહ્યું છે અને કોઈને ખબર પણ પડી રહી નથી. આનો દેખીતો પૂરાવો છે અમદાવાદના એક અત્યંત મોટા ગજાના બિલ્ડરનો પુત્ર કે જે ડ્રગ્સના ઓવરડોઝમાં અત્યારે શહેરની જ એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ચૂપકે-ચૂપકે સારવાર લઈ રહ્યો છે.

ઓવરડોઝ લેનારા યુવાનના બિલ્ડર પિતાને IPS સાથે ઘરોબો
અમદાવાદના જે યુવાને ડ્રગ્સનો ઓવરડોઝ લીધો તેના બિલ્ડર પિતાને ગુજરાતના એક IPS સાથે પણ ઘરોબો છે. વાસ્તવમાં આ IPS બિલ્ડરના સાઈલન્ટ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડર પુત્ર ડ્રગ્સના ઓવરડોઝના કારણે જ્યારે તરફડીયા મારતો હતો ત્યારે તેને ફાઈવસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આ IPS તરફથી જ મદદ કરાઈ હતી. એટલું જ નહીં, આ સારવારને લગતી કોઈ માહિતી લીક ન થાય તે જોવાનું કામ પણ આ અધિકારી કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર.

એલિટ ક્લાસના નબીરાઓમાં બિલ્લીપગે વ્યાપી રહેલું ડ્રગ્સનું દૂષણ
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બિલ્લીપગે અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરાના એલિટ ક્લાસના નબીરાઓમાં ફેલાઈ ચૂક્યું છે. હજી તો અમદાવાદના બોપલના એક વંદિત પટેલનું જ નામ ખુલ્યું છે ને તેણે એકલાએ 10 કરોડથી વધુનું ડ્રગ્સ વિદેશથી મંગાવ્યાની વાત ખુલી છે. આવામાં અત્યારે અમદાવાદના ટોચના કન્સ્ટ્રક્શન ગ્રુપોમાં જેનું નામ આવે છે તેવા મોટા ગજાના બિલ્ડરનો દિકરો ડ્રગ્સના ઓવરડોઝમાં શહેરની જ એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ગૂપચૂપ સારવાર લઈ રહ્યાનું દિવ્ય ભાસ્કરને જાણવા મળ્યું છે.

પિત્તાશયની સારવારના નામે બિલ્ડરપુત્ર હોસ્પિ.માં દાખલ
ગુજરાતના ટોચના બિલ્ડરના પુત્રની સારવાર જ્યાં ચાલી રહી છે તે હોસ્પિટલના સૂત્રોએ જ દિવ્ય ભાસ્કરને વિગતો જણાવી છે. ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડરપુત્ર અગાઉ પણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. હાલ આ નબીરાને પિત્તાશયની સારવારના નામે શહેરની ટોચની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ હકીકતમાં તેની ડ્રગ્સના ઓવરડોઝની સારવાર ચાલી રહી છે. આ આખેઆખી વાતને દબાવી દેવા છેક ઉપરથી ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર.

પ્રતીકાત્મક તસવીર.

ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવવાના કેસમાં 100થી વધુ ધનિકોની કુંડળી ખૂલી
અમદાવાદમાં તાજેતરમાં ડાર્ક વેબ મારફત વિદેશથી ડ્રગ્સ મગાવવાના વંદિત પટેલના રેકેટનો ખૂબ મોટો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે કોલ ડિટેઈલના આધારે તપાસ કરી તો તેની સાથે 100થી વધુ એવા લોકોની કુંડળી ખુલી છે જેમના નામ બહાર આવે તો રાજ્યનો આખો એલિટ ક્લાસ હાલી જાય. અત્યંત ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા આ પરિવારના લોકો જ ડ્રગ્સના રિસિવરની સાથે કનેક્ટ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અગાઉ પણ બિલ્ડરપુત્ર ઘણા વિવાદમાં આવી ચૂક્યો છે
દિવ્યભાસ્કર દ્વારા આ હોસ્પિટલમાં બિલ્ડર પુત્ર દાખલ છે કે નહીં તેની ખરાઈ કરાઈ હતી. હોસ્પિટલમાંથી આ બિલ્ડરપુત્ર અગાઉ દાખલ હતો એમ જણાવાયું હતું. જ્યારે બાદમાં તેમના સ્વજન બનીને પૂછતા બિલ્ડર પુત્ર હાલ વાત કરવા માંગતો નથી તેમ જણાવી વાત ઉડાડી દીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સૂચના આપવમાં આવી છે કે બિલ્ડરના પુત્રની કોઈ પણ માહિતી હોસ્પિટલમાંથી બહાર જવી જોઈએ નહીં.

ફાઈલ તસવીર.

ફાઈલ તસવીર.

વંદિત જેવા તો હજારો પેડલર ગુજરાતમાં ફેલાયેલા છે
ગુજરાત પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વંદિત પટેલે છેલ્લા બે વર્ષમાં રૂ. 10 કરોડથી વધુનું ડ્રગ્સ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી મંગાવાયું હોવાની શંકા છે. મેજીક મશરૂમના નામે જાણીતા આ ડ્રગ્સનો વિવિધ પ્રકારના મૂડ સેટ કરવા માટે તેમજ સ્પિરિચ્યુઅલ ડ્રગ્સ તરીકે પણ ઉપયોગ કરાતો હતો. હજી તો રાજ્યમાં આવા બીજા ઘણા ડ્રગ્સના પેડલરો કાર્યરત હોવાનું ખુદ પોલીસ માને છે.

અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE