અંકલેશ્વર / પ્રદૂષણ ઓકતા એકમોને 25 લાખથી 1 કરોડ સુધી દંડ ફટકારવા NGTનો આદેશ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મોટા ઉદ્યોગોને 1 કરોડ, મધ્યમ ઉદ્યોગોને 50 લાખ અને નાના ઉદ્યોગો 25 લાખના દંડની

જોગવાઇ 15 ફેબ્રુઆરી 2020 સુધીમાં અર્થપૂર્ણ કાર્યવાહી કરવા સીપીસીબીને આદેશ

અંકલેશ્વર: પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક એકમો પાસેથી વળતર વસૂલવા એનજીટીના આદેશ બાદ ઉદ્યોગ આલમમાં ફફડાટ ફેલાયો છે. એનજીટીએ મોટા ઉદ્યોગોને 1 કરોડ, મધ્યમ ઉદ્યોગોને 50 લાખ અને નાના ઉદ્યોગો 25 લાખના વળતર દંડની જોગવાઇ કરી છે. જે અંગે એનજીટીના આદેશ બાદ સીપીસીબીને આગામી 15 ફેબ્રુઆરી 2020 સુધીમાં અર્થપૂર્ણ કાર્યવાહી કરવા કડક આદેશ આપ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યોના 100 ઔદ્યોગિક ક્લસ્ટરોના એકમોના કારણે પર્યાવરણને થતા નુકસાન માટે વળતર દંડ વસૂલવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશની અમલવારી થતી ન હતી. અંતે સીપીસીબીને 15 ફેબ્રુઆરી 2020 સુધીમાં અર્થપૂર્ણ કાર્યવાહી કરવાનો એનજીટી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એનજીટીએ તેના આદેશની અમલવારી પર ગંભીરતા દાખવવા ટકોર કરી હતી. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન અને સેક્રટરીને પણ 15 ફેબ્રુઆરી સુધીમાં આ અંગે નક્કર પગલા ભરવા આદેશ કર્યો હતો.

પાલન નહીં થાય તો PCBના અધ્યક્ષ-સભ્યો સામે કાર્યવાહી
15 ફેબ્રુઆરી 2020 સુધીમાં એનજીટીના આદેશનું પાલન કરવામાં નહીં આવે તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ અને સભ્યો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન સહિત અન્ય સભ્યોને પદ પણ ગુમાવવું પડી શકે છે, અથવા તો ટ્રિબ્યુનલના હુકમનું પાલન કરી અર્થપૂર્ણ કાર્યવાહી થાય ત્યાં સુધી તેમના પગાર અટકાવવાની દિશામાં પણ એનજીટી વિચારી રહ્યું છે.

વળતર રૂપે દંડ વસૂલવા આદેશ
CPCBને છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતના 10 ક્લસ્ટરો સહિત દેશભરના 100 ઔદ્યોગિક ક્લસ્ટરોમાં પ્રદૂષક એકમોના વળતરની વસૂલાત કરવા આદેશ આપ્યો હતો. NGT દ્વારા મોટા પ્રદૂષક એકમો પાસેથી રૂ. 1 કરોડ વસૂલવા, મધ્યમ એકમો પાસેથી રૂ. 50 લાખ અને નાના ઉદ્યોગમાં આ રકમ 25 લાખ રૂા. દંડની જોગવાઇ કરી છે.

પ્રદૂષણ ફેલાવતા એકમોના ટ્રેક રેકોર્ડની આકરણી કરવામાં આવશે
કાયદાના ઉલ્લંઘનને અવગણી શકાય નહીં અને આવી પ્રદૂષક પ્રવૃતિઓ અટકાવવાનો માર્ગ વળતરની વસૂલાતનો છે. એનજીટીએ સીપીસીબીને છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પ્રદૂષણ ફેલાવતા એકમોની આકારણી કરવા નિર્દેશ આપ્યો છે.

ઔદ્યોગિક ક્લસ્ટરોને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરાયાં
સીપીસીબીએ ઔદ્યોગિક ક્લસ્ટરોને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે. જેમાં (1) અતિ ગંભીર રીતે પ્રદૂષિત ક્ષેત્ર, (2) ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર અને (3) અન્ય રીતે પ્રદૂષિત ક્ષેત્ર. જે આધારે સીપીસીબી દ્વારા આગામી દિવસો કાર્યવાહી કરશે.

NGTના આદેશનું પાલન કરવા AIAની સૂચના
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આદેશ પગલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તમામ મેમ્બર સભ્યોને ઈ મેલ કરી તેમજ પત્ર પાઠવી પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ સુધારવા અપીલ કરી હતી. પર્યાવરણના નીતિ નિયમનોને કડક અનુસરવા પણ તાકીદ કરી હતી. જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પર્યાવરણના નીતિનિયમોનું ઉલનધન કરશે તો મંડળ તેમની કોઈ મદદ કરશે નહિ સ્પષ્ટ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •