બનાસકાંઠા : આદિવાસી વિસ્તારમાં આવેલખાટી સિતરા ગામે પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનો 7 કિમી સુધી ચાલવા મજબૂર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં આવેલ ૮૦૦ની વસ્તી ધરાવતા એક ગામમાં આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ રસ્તો, વીજળી, દવાખાના, આંગણવાડી સહિતની તમામ સુવિધાઓ ન હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં ચોમાસામાં વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા અવર-જવર સંપૂર્ણ બંધ થઈ જાય છે. ખાટી સિતરાના ગ્રામજનો રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અમીરગઢ તાલુકામાં આવેલ ખાપા ગ્રામ પંચાયતમાં આવતું ૮૦૦ની વસ્તી ધરાવતા ખાટીસિતરામાં રસ્તો ન હોવાને કારણે લોકો ૭ કિમી સુધી ચાલવાની મજબૂરીમાં જીવી રહ્યા છે. આ ગામે વીજળી, આંગણવાડી, દવાખાના સહિતની સુવિધાઓથી વંચિત રહેવા પામ્યું છે. ગામમાં ધોરણ ૧થી૮ના ૧૯૧ વિદ્યાર્થીઓ માટે એક જ વર્ગખંડ આવેલ છે. હાલમાં કોરોના મહામારીના કારણે આફ્લાઇન શિક્ષણ બંધ હોય ઓનલાઈન શિક્ષણ ચાલુ હોવાથી ગામમાં ઇન્ટરનેટ કે વિજળીની પણ કોઈ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી પણ વંચિત રહેવા પામે છે. શેરી શિક્ષણ માટે પણ શિક્ષકોને ૭ કીમી સુધી ચાલવા મજબૂર બન્યા છે. ચોમાસામાં વરસાદના કારણે રસ્તો બંધ થઈ જતો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ૨૦ કિલોમીટર ફરીને જવું પડે છે જેને લઈ ગ્રામજનો દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધોરણ ૧થી૮ના ૧૯૧ વિધાર્થીઓ વચ્ચે માત્ર એક ઓરડો ,આચાર્ય

આ અંગે ખાટી સિતરાની શાળાના આચાર્ય દેવુભાઈ રાજપુતે જણાવ્યું હતું કે ખાટી સિતરા ગામમાં આવવા માટે કોઈ રસ્તો ન હોવાથી ખાપા ગામથી ૭ કિમી ચાલીને આવવું પડે છે અને શાળામાં ફક્ત એક જ ઓરડો હોવાથી ધોરણ ૧થી૮ના ૧૯૧ વિદ્યાર્થીઓને એક સાથે અભ્યાસ કરવાની ફરજ પડે છે અને ૮ શિક્ષકોની સામે માત્ર ચાર જ શિક્ષક હોવાથી અભ્યાસ કરાવવાની મુશ્કેલી પડે છે.

સુવિધા માટે અધિકારીઓ સાથે મિટિંગ કરી છે, મામલતદાર

આ અંગે અમીરગઢના મામલતદાર ગોટિયાએએ જણાવ્યું હતું કે, આ ગામ ડુંગર ઉપરનું હોવાથી પાયાની સુવિધા મળી નથી જેને લઈ શિક્ષણ, લાઈટ, માર્ગ અને આરોગ્યના અધિકારીઓ સાથે ચાર દિવસ આગાઉ મિટિંગ કરવામાં આવી હતી અને આગામી સમયમાં સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરીશું.

અગાઉ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા કોઈ નિર્ણય નહિ, ગ્રામજનો

આ અંગે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે શાળા, લાઈટ અને રસ્તા માટે અગાઉ અમોએ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ગાંધીનગર કમિશનર કચેરી સુધી રજુઆત કરી હતી તેમ છતાં હજુ સુધી કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી જેથી અમે રજૂઆતો કરીને થાકી ગયા છીએ ત્યારે જિલ્લામાં નવા કલેક્ટર આવ્યા હોવાથી સુવિધા મળશે તેવી આશા ઉભી થઇ છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •