PMC બેંક મર્જરના પંથે, ફરી SBI કે અન્ય PSU બેંક બનશે બલિનો બકરો?

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદ : લોકોના પૈસાની ઉચાપત કરનાર મહારષ્ટ્રની પીએમસી બેંક મોટા લોનધારકો પાસેથી કોરોનાકાળમાં રિકવરી ન કરી શકતા હવે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહી છે.

કોર્ટને આપેલ નિવેદનમાં પીએમસી બેંકના વડાઓએ કહ્યું છે કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક લોનની રિકવરી નથી કરી શકતું અને પૈસાની તાણ હેઠળ હવે અમે મર્જરના રસ્તે પણ વિચારણા કરી રહ્યાં છે.

2019માં મહારાષ્ટ્ર સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંકમાં નાણાંની ઉચાપત બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અનેક પાબંદીઓ લાદવામાં આવી હતી અને તપાસ એજન્સીઓએ બેંકના ચોપડાનું વિશ્લેષણ શરૂ કર્યું હતુ. આરબીઆઈએ પીએમસી બેંકનો અંકુશ હાથમાં લીધા બાદ હજારો થાપણદારોના અટવાયેલા પૈસા તબક્કાવાર ઉપાડવા માટે વીથડ્રોઅલ લિમિટમાં વધારો કરવામાં આવ્યો હતો,જે એક વર્ષ બાદ પણ 1,00,000 રૂપિયાએ જ છે.

દિલ્હી હાઈકોર્ટમાં 10મી સપ્ટેમ્બરે જમા કરેલ નિવેદનમાં કહ્યું હતુ કે હાલ સ્થિતિ કફોડી બની રહી છે તેથી મોટી બેંકોને એકીકરણ માટે અરજી કરવામાં આવી છે. સરકારને પણ આ અંગે પ્રસ્તાવ મોકલવામાં આવશે.

પીએમસી બેંકે અંદરખાને ધાંધલી કરીને ટોચની રિયલ્ટી કંપની HDILને કરોડો-અબજો રૂપિયાની લોન આપી હતી અને આરબીઆઈએ જય ભગવાન ભોરિયાને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમ્યાં હતા. HDIL અને સમૂહ કંપનીઓ પાસેથી બેંકે અંદાજે 70 અબજ રૂપિયા લેવાના છે,જેમાંથી માત્ર 11.6 અબજ રૂપિયાની જ સિક્યોરિટી છે,જે વાસ્તવિક ધોરણે અપુરતી છે. એચડીઆઈએલના વાધવાન પરિવારની સંપત્તિને ટાંચમાં લેવા અને વેચાણનો મુદ્દો કોર્ટમાં કોરોનાને પગલે અટવાયો છે તેથી રિકવરી ઝડપી શક્ય નથી તેમ, ભોરિયાએ ઉમેર્યું હતુ.

વર્ષ 1984માં સ્થપાયેલ પીએમસી એક કો ઓપરેટીવ બેંક છે,જેની દેશભરમાં કુલ 137 બ્રાંચ છે. 2019માં બે ખાતાધારકોની ફરિયાદ બાદ આરબીઆઈએ તપાસ કરતા બેંકમાં મોટાપાયે ધાંધલી મળી આવતા દેશની મધ્યસ્થ બેંકે સમગ્ર કાર્યપાલન પોતાના હસ્તક કર્યું હતુ.

Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •