ભરૂચ અંકલેશ્વર દિવા ગામે NHAI એકસપ્રેસ હાઇવેની કામગીરી ખેડૂતોએ અટકાવી, જુઓ શું છે કારણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અંકલેશ્વરના દીવા ગામે ખેડૂતોએ એકસપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી દેતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે વિરોધ કરી રહેલાં 20થી વધારે ખેડૂત આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

વડોદરા અને મુંબઇ વચ્ચે એકસપ્રેસ હાઇવેની કામગીરી શરૂ થતાં ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહયો છે. અંકલેશ્વરના દિવા ગામે પોલીસ રક્ષણ સાથે કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો એકત્ર થઇ ગયાં હતાં અને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી. ખેડૂતોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, નિર્બળ તો અમે છીએ સરકારે કોન્ટ્રાકટરોને પોલીસ રક્ષણ આપવાના બદલે અમારી જમીનો બચાવવા અમને પોલીસ રક્ષણ આપવું જોઇએ.

દીવા ગામના ખેડૂતો પાસેથી મળતી માહિતી અનુસાર એકસપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનારા સુરતના ખેડૂતોને માતબર વળતર ચુકવવામાં આવ્યું છે જયારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને વળતરના મુદે અન્યાય થઇ રહયો છે. દીવા ગામમાં ખેડૂતો એકત્ર થઇ જતાં ડીવાયએસપી પણ સ્થળ પર દોડી ગયાં હતાં. વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના આગેવાન મહેન્દ્રસિંહ કરમરીયા સહિત 20થી વધુ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. તમામને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાંથી રેલવે ફ્રેઇટ કોરીડોર, બુલેટ ટ્રેન અને વડોદરા – મુંબઇ એકસપ્રેસ વે સહિતના મોટા પ્રોજેકટ માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જિલ્લાના ખેડૂતો જમીન આપવા માટે તૈયાર છે પણ જમીનના બદલામાં યોગ્ય અને બજાર કિમંત પ્રમાણે વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •