વડોદરા પોલીસની આબરૂનાં ધજાગરાં ઉડાડી રેલી કાઢનાર સુરજ ઉર્ફે ચુઈ ના મળ્યો, પણ લાલ ઓડી જપ્ત જાણો કોની છે આ ઓડી કાર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • લાલ ઓડી કાર ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેષ શાહના નામે રજીસ્ટર્ડ થયેલી છે.  
 • વાસણા ભાયલી રોડ પરના અક્ષર એન્કલેવમાં રહેતા પ્રિતેશ રમેશચંદ્ર શાહની લાલ રંગની ઓડી કારમાં સુરજ સેન્ટ્રલ જેલથી વારસિયા પહોંચ્યો હતો
 • લાલ ઓડી પ્રિતેશ શાહના નામે રજીસ્ટર્ડ છે પરંતુ આ કાર એક ભરવાડ પાસે ગીરવે મૂકાઇ હોવાની ચર્ચા.
 • લાલ કારને સકંજામાં લેનાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથ સુરજ કે તેના સાગરીતો સુધી નથી પહોંચી શક્યાં.
 • ઇકો કારને ઓવર ટેક કરવાના મામલે સુરજ કહાર સહીત 6 શખ્સોને બાઇક સવાર યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
 • માથાભારે સુરજ ઉર્ફે ચુઇ સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન, મારા-મારી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા 11 ગુનાઓ નોંધાયેલા છે.

વડોદરા. ચાઈનિઝ એપ ટીકટોક પર છવાઈ જવાના ચક્કરમાં વડોદરા પોલીસની આબરૂનાં ધજાગરાં ઉડાડી રેલી કાઢનાર હત્યાનો આરોપી સુરજ કહાર ઝડપી નહીં શકનાર ક્રાઈમ બ્રાન્ચે રેલીમાં વપરાયેલી લાલ રંગની ઓડી કાર સકંજામાં લઈને મીર માર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ લાલ ઓડી કાર ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેષ શાહના નામે રજીસ્ટર્ડ થયેલી છે.

લોકડાઉનમાં લગભગ 60 દિવસો સુધી વાહનો ડિટેઇન કરવાની અને પ્રજાજનોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં કે દંડાવાળી કરવામાં પાવરધી થઈ ગયેલી વડોદરા પોલીસનો ડર જાણે હવે ગુનેગારોને લવલેશ રહ્યો નથી એવી ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર મહમંદ આરીફ શેખે બનાવેલા ટિકટોકનો મામલો હજી તો માંડ શાંત થવા જઇ રહ્યો હતો. ત્યાં તો હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલા સુરજ કહારે વડોદરા પોલીસની આબરૂની જાહેરમાં રેલી કાઢતો વિડિઓ સોશીયલ મીડિયામાં વાઇરલ થતા ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઇ અને સુરજ કહાર સહીત 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લાલ ઓડી કાર શોધી જપ્ત કરી લીધી પરંતુ ગુનેગારોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના હાથ ટુંકા પડી રહ્યાં છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં વાઘોડીયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે ઇકો કારને ઓવર ટેક કરવાના મામલે સુરજ ઉર્ફે ચુઇ કહાર સહીત 6 શખ્સોએ એક બાઇક સવાર નિર્દોષ યુવકને મુઢ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પાણીગેટ પોલીસ હત્યાનો ગુનો નોંધી સાગર સહીત 6 શખ્સોની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસ તપાસની કાર્યવાહી પૂર્ણ થતા તમામને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામા આવ્યાં હતા.

દરમિયાન સેન્ટ્રલ જેલમાં રહેલા સુરજ કહારના અંદજીત ત્રણ દિવસ પહેલા જામીન મંજૂર થયા હતા. જેથી સેન્ટ્રલ જેલ ખાતે મોટી સંખ્યામાં તેના સાગરીતો લાલ ઓડી અને 25થી વધુ બાઇક લઇને તેને લેવા માટે પહોંચ્યાં હતા. સેન્ટ્રલ જેલથી લાલ ઓડીમાં બેસી સુરજ ફિલ્મ સ્ટારની જેમ જાહેરમાં રેલી કાઢી રાવપુરા પોલીસ સ્ટેશન થઇ વારસિયા સ્થિત તેના નિવાસ સ્થાને પહોંચ્યો હતો. જોકે આ તમામ દ્રશ્યો તેના જ સાગરીતોએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરતા સોશીયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જોત જોતામાં આ વિડિઓ પોલીસ સુધી પહોંચતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરજ અને લાલ રંગ ઓડી શોધવામાં લાગી હતી.

તેવામાં વાસણા ભાયલી સ્થિત રહેતા અને ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહની લાલ ઓડી કાર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી પરંતુ સુરજ કે તેના સાગરીતો સુધી પહોંચવામાં પોલીસના હાથ ટુંકા પડતા હોય તેવુ લાગી રહ્યું છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે સુરજ સહીત તેના 10 જેટલા સાગરીતો સામે જાહેરનામા ભંગનો નોંધી તેઓની શોધખોડ શરૂ કરી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેર ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહે તેની લાલ રંગની ઓડી કાર એક ભરવાડ પાસે ગીરવે મૂકી હોવાથી આ કાર સુરજ સુધી પહોંચી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •