ચંદ્રયાન-2 હેમખેમ હોવાનું ઈસરોએ જણાવ્યું ?

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

સોમવારે રવાના થયેલું ચંદ્રયાન-2 હેમખેમ હોવાનું ઈસરોએ જણાવ્યું હતુ. ચંદ્રયાન-2 અત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. ઈસરોએે આજે ચંદ્રયાન-2ની ભ્રમણકક્ષામાં સુધારો કર્યો હતો. ટેકનિકલ ભાષામાં આ સુધારાને ઓરબિટ રાઈઝિંગ મેનુવરિંગ કહેવામાં આવે છે.

એટલે કે જે કક્ષામાં યાન ભ્રમણ કરતું હોય એ કક્ષામાંથી તેને બીજી વધુ મોટી કક્ષામાં પહોંચાડવામાં આવે. પરગ્રહ પર જતાં તમામ યાનનું આ રીતે ઓરબિટ રાઈઝિંગ મેનુવરિંગ થતું હોય છે. ચંદ્રયાન-2ને ચંદ્ર સુધી જવા માટે પોતાના બળતણ ઉપરાંત પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ પણ મદદ કરે છે. એ ગુરૂત્વાકર્ષણની મદદ મળી રહે એટલા માટે ધરતી ફરતે કેટલાંક ચક્કર કાપવા જ પડે.

જે રીતે ખેતરમાં ખેડૂત પક્ષીઓને ભગાડવા ગોફણને હાથમાં થોડી વાર ફેરવે એ જ રીતે પરગ્રહ પર યાન-સ્પેસક્રાફ્ટે પૃથ્વી ફરતે ઘૂમવુ ફરજિયાત હોય છે.

તેને અર્થ બાઉન્ડ ઓર્બિટિંગ કહેવામાં આવે છે. આ બધા સમય દરમિયાન ચંદ્રયાન-2નૌ કન્ટ્રોલ ઈસરોના વિજ્ઞાાનીઓના હાથમાં હોય છે.

ચંદ્રયાન-2 6 ઓગસ્ટ સુધી પૃથ્વી ફરતે ભ્રમણ કરશે અને ધીમે ધીમે તેનું પૃથ્વીથી અંતર વધતું જશે. 6 ઓગસ્ટે તેને લુનાર ટ્રાન્સફર ટ્રેજેક્ટરીમાં મુકવામાં આવશે. એટલે કે પૃથ્વી છોડીને એ ચંદ્ર તરફની સફર આરંભશે. એ સફર 20 ઑગસ્ટ સુધી ચાલશે. 20મી ઑગસ્ટે ચંદ્રયાન-2 લુનાર ઓર્બિટમાં પ્રવેશ કરશે.

એ વખતે સીધું ચંદ્ર પર ઉતરાણ નહીં કરે. જે રીતે પૃથ્વીના ચક્કર કાપ્યા એ રીતે ચંદ્ર ફરતે ભ્રમણ કરશે અને દરેક ભ્રમણ વખતે ચંદ્રની નજીક જતું જશે. 100 કિલોમીટરની નક્કી કરેલી ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી ચંદ્રયાનના ત્રણ પૈકી બે હિસ્સા ઓર્બિટર અને લેન્ડર-રોવર અલગ પડી જશે. એ પછી બન્ને પોતપોતાની રીતે ચંદ્ર ફરતે ચક્કર કાપશે. લગભગ 7મી સપ્ટેમ્બરે બધું બરાબર હશે તો લેન્ડર (જેની અંદર જ રોવર સમાયેલું છે)ને ચંદ્ર પર ઉતરાણ કરાવાશે.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.