લોકસભા ૨૦૧૯ : વિશ્વની સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી!

SHARE WITH LOVE
 • 113
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  113
  Shares

દેશ આખો લોકસભાની ચૂંટણીના જ્વરમાં લિપ્ત જણાય છે. ભારતની આસપાસના દેશોમાં વારંવાર લોકતંત્ર ખોડંગાતું જણાય છે ત્યારે ૧૦૦થી વધુ ભાષાઓ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓથી ભરેલા ભારતનું ચૂંટણીતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર છે તે ભારતનું ગૌરવ છે. ચૂંટણી જ ભારતની તાકાત છે. ભારતમાં બહુપક્ષીય પાર્ટી સિસ્ટમ હોવા છતાં, પરસ્પર અનેક મતભેદ હોવા છતાં દેશમાં ચૂંટણી પ્રક્રિયા સ્વતંત્ર રીતે પાર પડે છે તે ભારતના લોકતંત્રની ખૂબસૂરતી છે.

ખર્ચાળ ચૂંટણી

અલબત્ત, ચૂંટણી પ્રક્રિયા લાંબો સમયગાળો લેશે. ચૂંટણી પંચે તો મતદાનની અને પરિણામોની તારીખોનું એલાન કરી દીધું છે ત્યારે અહીં એક વાત નોંધવી જોઇએ કે ૨૦૧૯ની ભારતની આ ચૂંટણી માત્ર ભારતીય લોકતંત્રના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ-સૌથી વધુ મોંઘી ચૂંટણી હશે.

અમેરિકાની થિન્ક ટેન્કના એક વિશેષજ્ઞાએ આ સંબંધમાં એક આકલન કર્યું છે. અમેરિકામાં ૨૦૧૬માં થયેલી અમેરિકન રાષ્ટ્રપતિની અને કોંગ્રેસની ચૂંટણીમાં કુલ ૬૫૦ કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ થયો હતો. બીજા શબ્દોમાં ૪૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો હતો. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતમાં ૫૦૦ કરોડ અમેરિકી ડોલર એટલે કે ૩૫ હજાર કરોડનો ખર્ચ થયો હતો. હવે આ વખતની એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આ આંકડો રૂ. ૫૦ હજાર કરોડને પાર કરી જાય તો નવાઈ નહીં. કેટલાક તો આ આંકડો રૂ. ૭૦ હજાર કરોડ સુધી પહોંચશે એમ માને છે.

સાચો આંકડો કેટલો ?

હવે સરખામણી કરવી હોય તો તાજેતરના બજેટમાં મનરેગા પર રૂ. ૫૦ હજાર કરોડ, કિસાન સન્માન નિધિ પર રૂ. ૭૫ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે ચૂંટણી ખર્ચનો આંકડો રૂ. ૭૦ હજાર કરોડ સુધી પહોંચી જાય તો આ બંને કરતાં તેનો આંકડો મોટો થાય છે.

હાલની કેન્દ્ર સરકારે ચૂંટણી બોન્ડની તો વ્યવસ્થા કરી છે, પરંતુ સચ્ચાઈ એ છે કે દેશના રાજકીય પક્ષોને અને નેતાઓને મળનારી આર્થિક મદદ અને દાન આપનારાઓમાં સાચાં નામ-સરનામાં મેળવવા મુશ્કેલ છે. વિવિધ રાજકીય પક્ષોને મળતાં દાન એવાં ઓછાં હોય છે જેઓ પોતાની સાચી ઓળખાણ આપવા તૈયાર હોય, તેથી પક્ષો અને નેતાઓ દ્વારા કરાતા ચૂંટણી ખર્ચના સાચા આંકડા મેળવવાનું કામ બહુ મુશ્કેલ હોય છે.  પાણીની જેમ પૈસા…

એનું દુઃખ સૌ કોઈને છે. આ વાતનું દુઃખ રાજકીય પાર્ટીઓને પણ છે. ચૂંટણીમાં પૈસાને પાણીની જેમ વહેવડાવવામાં આવે છે. આ માટે કેટલાક તો શામ, દામ, દંડ અને ભેદની નીતિ પણ અપનાવતા હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં ચૂંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે. ચૂંટણી ખર્ચમાં પારર્દિશતા લાવવાની જરૂર છે પરંતુ આ માટે એક પણ રાજકીય પક્ષ તૈયાર નથી. આખા દેશમાં નીચેથી ઉપરની તમામ ચૂંટણીઓમાં પ્રતિ વર્ષ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. આ રીતે વ્યય થતી કુલ રાશિ તથા સ્વયં ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચની ધનરાશિને જોડી દેવામાં આવે તો તે રકમ દેશની એક પંચવર્ષીય યોજનાની અડધી ધનરાશિ જેટલી થવા પામે છે.

આ આંકડો જોતાં તો એમ જ કહી શકાય કે આજની રાજનીતિ ધન-બળ પર જ અવલંબે છે.

મતદારોને પ્રલોભન

ભારતમાં જે રીતે બડી બડી ચૂંટણી રેલીઓ થાય છે, મોટી મોટી ચૂંટણી સભાઓ થાય છે અને જે રીતે ખાનગી વિમાનો કે હેલિકોપ્ટરોમાં બધા જ પક્ષોના નેતાઓ ઊડયા કરે છે તે જ દર્શાવે છે કે એ બધાં પાછળ કેટલો જંગી ખર્ચ થતો હશે. હવે તો લોકોને ચૂંટણી સભામાં લાવવા પડે છે. ક્યારેક તેમને પૈસા ચૂકવવા પડતા હોવાનું પણ કહેવાય છે. કેટલાક દૂર દૂરના વિસ્તારોમાં કેટલાક ધનવાન ઉમેદવારો મતદીઠ રોકડ રકમ ચૂકવતા હોવાનું કહેવાય છે. ક્યારેક મતદારોને લોભાવવા દારૂનાં પ્રલોભનો પણ અપાતાં હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં મહિલા મતદારોને રિઝવવા સાડીઓ અને વાસણ વહેંચાયાની વાતો પણ ચર્ચાતી હતી. ભારતની ચૂંટણી આ કારણથી જ મોંઘી બની રહી છે.

સોશિયલ મીડિયાની બોલબાલા

૨૦૧૪ની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો જેટલો  ઉપયોગ થયો હતો તે કરતાં આ વખતની ચૂંટણીમાં રાજકીય  પક્ષોનો સોશિયલ મીડિયા પરનો ખર્ચ પાંચ ગણો વધ્યો છે.  એક મોજણી મુજબ માત્ર સોશિયલ મીડિયા પર જ વિવિધ પક્ષો  દ્વારા કરાતો ચૂંટણી પ્રચારનો ખર્ચ રૂ. ૬૦૦ કરોડથી માંડીને રૂ.૫૦૦૦  કરોડ સુધી પહોંચી શકે છે. આ પ્રકારના પ્રચાર માટે એક મોટું  વ્યવસ્થાતંત્ર ઊભું કરવું પડે છે. વિવિધ રાજકીય પક્ષો સોસિયલ  મીડિયા ટીમ, વિજ્ઞાપન કંપની, ટ્વિટર મેનેજમેન્ટ, કન્ટેન્ટ  મેનેજમેન્ટ વગેરે માટે એક મોટી ટીમ રાખવી પડે છે અને તેની  પાછળ ધૂમ ખર્ચ કરવું પડે છે. આ ઉપરાંત ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ  અને યુટયુબ અને ગૂગલ એડ્સ પણ ચૂંટણી પ્રચારનાં માધ્યમો  છે

સરપંચ થવું હોય તો પણ…

આજે તો નાનકડા ગામના સરપંચ થવું હોય તો ક્યારેક રૂ. પાંચથી દસ લાખ જેટલો ખર્ચ થાય છે. નગરપાલિકાના પ્રમુખ થવું હોય તો તેથી પણ વધુ રકમ ખર્ચવી પડે છે. કેટલાંક શહેરોમાં તો નગરના કોર્પોરેટર થવા માટે કેટલાક ઉમેદવારો રૂ. એક કરોડનો ખર્ચ કરતા હોવાનું કહેવાય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે હવે કેટલાક રૂ. પાંચ કરોડ ખર્ચ કરતા હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં લોકસભામાં જવા માટે કેટલાક ઉમેદવારો રૂ. પાંચથી પચાસ કરોડની રકમ ખર્ચ કરતા હોવાની વાતો સંભળાય છે.

જો ચૂંટણી ખર્ચની આ જ વાસ્તવિકતા હોય તો સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવારનું શું ? ગલી કે ઝૂંપડપટ્ટીમાં રહેતો દેશનો ગરીબ માણસ ચૂંટણી કેવી રીતે લડી શકે ?

અને આટલો જંગી ખર્ચ કરીને ચૂંટાતા વ્યક્તિ પાસેથી પ્રામાણિકતાની અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય ? એ જ્યાંથી પણ ચૂંટણી લડવા માટે પૈસા લાવ્યો હશે તેનું ભલું પણ તેના કામોમાં અગ્રતા પર જ રહેશે ને ?


SHARE WITH LOVE
 • 113
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  113
  Shares

Leave a Reply

Your email address will not be published.