શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતનું મોદી કૅબિનેટમાંથી રાજીનામું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે નરેન્દ્ર મોદી કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

તેઓ શિવસેનાના લોકસભા સાંસદ છે. સાવંત મોદી સરકારમાં ભારે ઉદ્યોગમંત્રી હતા. અરવિંદ સાવંતે ટ્વીટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે.

અરવિંદ સાવંતે ટ્વીટ કરીને કહ્યું કે, “શિવસેના સત્યની સાથે છે. આ પરિસ્થિતિમાં દિલ્હીમાં સરકારનો ભાગ બન્યા રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપું છું.”

આ રાજીનામા સાથે જ એવી આશા સેવાઈ રહી છે કે શિવસેના મહારાષ્ટ્રમાં એનસીપી અને કૉંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે.

એનસીપીએ શિવસેના સામે એવી શરત મૂકી હતી કે જો તેઓ એનડીએ સાથે ગઠબંધન તોડશે તો જ તેમને સમર્થન મળશે.

એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, “ભાજપ-એનડીએ ગઠબંધન તૂટશે અને એક ન્યૂનતમ એજન્ડા બનાવાશે તો જ એનસીપી શિવસેનાને સમર્થન આપશે.”

ભાજપએ આ ઘટનાક્રમ અંગે કહ્યું કે જો શિવસેના જનાદેશનું અપમાન કરીને એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માગતી હોય તો તેમને શુભકામનાઓ.

મહારાષ્ટ્રના ભાજપપ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે, “મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ ભાજપ-શિવસેનાના ગઠબંધન માટે હતો. અમે એકલા હાથે સરકાર નહીં બનાવી શકીએ.”

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શુક્રવારે રાજ્યના સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ ભાજપે તેમની પાસે બહુમત ન હોવાના કારણે સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો.

જે બાદ રવિવારે રાત્રે રાજ્યપાલે બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા.

જોકે, શિવસેના પાસે માત્ર 56 ધારાસભ્યો જ છે, જ્યારે સરકાર બનાવવા માટે 146 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. આવી પરિસ્થિતિમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ બન્નેના સમર્થનની જરૂર પડશે.

આ સમર્થનને લઈને એનસીપીએ શિવસેના સામે શરત મૂકી છે. કહેવાઈ રહ્યું છે કે કૉંગ્રેસ શિવસેના અને એનસીપીની સરકારને બહારથી જ સમર્થન આપી શકે છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.