સોશિયલ મીડિયાએ તમારું મગજ પણ ‘હાઇજેક’ કરી લીધું છે

SHARE WITH LOVE
 • 33
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  33
  Shares

શું તમને એવી ટેવ પડી ગઈ છે કે તમે વારંવાર કારણ વગર તમારો સ્માર્ટફોન જોયા કરો છે? શું તમે દર થોડી મિનિટે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ચેક કર્યા કરો છો?

સિલિકોન વેલીના જાણકારો કહે છે કે તમને આવી ટેવ પાડવા માટે સોશિયલ મીડિયા જ જવાબદાર છે.

તે લોકો ‘ઇરાદાપૂર્વક લત લાગે’ તેવા પોતાનાં પ્લેટફોર્મ બનાવે છે, જેથી તમે સતત તેમાં વ્યસ્ત રહો અને તેમને તગડો નફો થાય.

પરંતુ હવે ફેસબુક અને ગૂગલ સહિતની આ જ ટૅક કંપનીઓએ એવાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેની મદદથી તમે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહો અને ઓછો સમય વિતાવો.

પણ સવાલ એ છે કે કંપનીઓ આવું શા માટે કરી રહી છે? શું આ કંપનીઓ તદ્દન નવેસરથી વિચારવા લાગી છે?

તેના જવાબમાં સ્ટેનફોર્ડના લેક્ચરર અને ટૅક કન્સલ્ટન્ટ નીર એયલ સ્પષ્ટ ના કહે છે.

નીર કહે છે કે આવાં પગલાં લઈને આ કંપનીઓ લાંબાગાળાનો પોતાનો લાભ જ જોઈ રહી છે.

સોશિયલ મીડિયાની લત ગંભીર મુદ્દો ના બને તે માટે તેઓ પોતાના યુઝર્સ થોડો ઓછો સમય અહીં ગાળે તેમ ઇચ્છે છે.

લાંબા ગાળાની વ્યૂહરચના

“1960ના દાયકામાં પોતાના ગ્રાહકો શું ઇચ્છે છે તે જાણ્યા પછી અમેરિકાની કાર કંપનીઓ સીટ બેલ્ટ બનાવા લાગી હતી. આ તેના જેવું જ છે. સીટ બેલ્ટને કાયદાકીય રીતે ફરજિયાત કરાયો તેના 19 વર્ષ પહેલાંથી જ કાર કંપનીઓએ તે આપવાનો શરૂ કરી દીધો હતો.”

“વધારે સલામત કાર બનાવતી કંપનીઓનું જ વેચાણ લાંબા ગાળે વધારે વધ્યું હતું.”

એ જ રીતે ગયા વર્ષથી ટૅકનૉલૉજી ઉદ્યોગમાં એક પછી એક ‘સેફ્ટી નેટ’ માટેના પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે.

ગૂગલે એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં એવી વ્યવસ્થા કરી છે કે યુઝર્સ પોતે કઈ ઍપ્સનો ઉપયોગ કેટલો સમય કરે છે તે જાણી શકાય. તેમાં ઉપયોગની સમયમર્યાદા પણ બાંધી શકાય છે.

એપલે પણ આવા જ હેતુ સાથે પોતાની ઑપરેટિંગ સિસ્ટમ iOS 12માં સ્ક્રીન ટાઇમને કન્ટ્રોલ કરવા માટેની વ્યવસ્થા દાખલ કરી છે.

ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામે પણ તેના પર વિતાવાતા સમયને મર્યાદામાં રાખી શકાય તથા નોટિફિકેશનને ઓછા કરી શકાય તે માટેનાં આવાં જ ટૂલ્સ દાખલ કર્યાં છે.

આ નવાં પ્રકારનાં ઇન-બિલ્ટ ટૂલ્સ થિયરીમાં વ્યક્તિને પોતાનો સમય ફોન પર ગાળવા પર નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે.

જોકે, આવી ઍપ્સ છેલ્લાં થોડાં વર્ષોથી જ ઉપલબ્ધ હતી તો પછી આ કંપનીઓએ પોતે શા માટે આ બાબતમાં આટલું મોડું કર્યું?

મોડું શા માટે?

શેરબજારનું સંશોધન કરતી કંપની વેડબુશ સિક્યૉરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર ડેનિયલ ઇવ્ઝ કહે છે કે સ્માર્ટફોનના વધતા વ્યસનનો મુદ્દો ગંભીર ચર્ચા જગાવી રહ્યો છે, તેના પ્રતિસાદમાં આ પગલાં લેવાઈ રહ્યાં છે.

“છેલ્લા 12-18 મહિનાથી સ્ક્રીન ટાઇમની કન્ઝ્યુમર પર નકારાત્મક અસરોની બહુ ચર્ચા થઈ રહી છે. તેના કારણે આ ટૅક કંપનીઓ પર દબાણ આવ્યું છે કે લોકોનો કેટલો સમય વેડફાય છે તેને હાઇલાઇટ કરે.”

ઇન્ટરનેટ માટે સ્માર્ટફોનનો વપરાશ વધી ગયો છે. ત્યારબાદ ફોન બનાવતી કંપનીઓની ટીકા પણ વધારેને વધારે થઈ રહી છે.

દાખલા તરીકે એપલ કંપનીના ઇન્વેસ્ટર્સ કંપનીનો સંપર્ક સાધીને બાળકો પર ‘સ્માર્ટફોનની લત’ને કારણે થઈ રહેલી આડઅસરો વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આઈફોન બનાવતી આ કંપની કહે છે, “આઈફોનમાં 2008માં જ પેરેન્ટલ કન્ટ્રોલ દાખલ કરવાની પહેલ કરવામાં આવી હતી.”

આ ઉપરાંત આ વર્ષો દરમિયાન “એવાં ફીચર્સ તેમાં દાખલ કરાતાં રહ્યાં છે, જેથી બાળકો શું જુએ છે તેના પર વાલી નિયંત્રણો રાખી શકે”.

આવા પ્રયાસો છતાં હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે અમેરિકાના કિશોરોને લાગવા લાગ્યું છે કે તેમને સ્માર્ટફોનનું વ્યસન થઈ ગયું છે.

મૅસેજ આવે તેનો તરત જવાબ આપવો જરૂરી છે એવું તેમને લાગતું હોય છે.

આ બાબતથી એપલના ઇન્વેસ્ટર્સ ચિંતિત છે

તેઓ કહે છે કે ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી કોઈ અસર નથી થતી, આવી દલીલો “ગળે ઉતરે તેવી છે નથી”.

બીજી બાજુ સોશિયલ મીડિયા કંપનીઓ પ્રિવેસી ભંગ અને માહિતી ચોરાઈ જવાનાં કૌભાંડોના ઘેરામાં આવી રહી છે.

ઇવ્ઝ કહે છે, “દુનિયાભરમાં નિયંત્રણો માટેનું દબાણ વધી રહ્યું છે, ત્યારે આખરે કંપનીઓએ જાતે જ પોતે સારું કામ કરી રહી છે તેવું દેખાડવું જરૂરી બન્યું છે.”

આ વિશે ટ્વિટરે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ફેસબુકે જણાવ્યું કે કંપનીની એ “જવાબદારી છે કે લોકોને એ સમજવામાં મદદ કરવી કે કેટલો સમય અમારા પ્લેટફોર્મ પર સમય વિતાવવાથી તમે વધારે સારો અનુભવ મેળવી શકો છો.”

આદત છોડાવવાની વાત

તમને કોઈ દિવસ એવું લાગ્યું છે ખરું કે રોજિંદા જીવનમાં ટેકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ?

જો તમને એવું લાગ્યું હોય તો તમે એકલા નથી. ડિજિટલ દુનિયાના ભારણમાંથી મુક્ત થવા માગનારા લોકોની સંખ્યા વધી રહી છે.

ટેક કંપનીઓને ભાન થયું છે કે લોકો ડિજિટલ દુનિયાને છોડવા લાગશે તો તેમને બહુ મોટું નુકસાન થશે. તે લોકો યુઝર્સ પોતાનાથી દૂર થઈ જાય તેમ નથી ઈચ્છતા.

નીર કહે છે, “આ કંપનીઓ એવું પણ ઇચ્છે છે કે તમે તેમની પ્રોડક્ટ્સના વ્યસની પણ ના થઈ જાવ.”

વ્યસનને કારણે અમુક પ્રકારનું વર્તન કરવાની આદત પડી જાય, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બીબીસી સાથેની વાતચીતમાં નીર જણાવે છે, “તેના બદલે આ કંપનીઓ ઇચ્છે છે કે તમે જીવનભર તેમની પ્રોડક્ટ્સ વાપરતા રહો, પણ તમારા જીવનમાં ઉપયોગી થાય તે રીતે.”

“એવું ત્યારે જ થઈ શકે જ્યારે જે તે કંપનીની પ્રોડક્ટ તમને ગમતી હોય.”

હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે મોટા ભાગના લોકો રોજ બે કલાક પોતાના સ્માર્ટફોન પાછળ વીતાવે છે. તેમાંથી મોટા ભાગનો સમય સોશિયલ મીડિયામાં પસાર થતો હોય છે.

ઘણા લોકો દિવસ દરમિયાન પાંચથી છ કલાક ઇન્ટરનેટ વાપરે છે.

એવા વધુ ને વધુ પુરાવા મળી રહ્યા છે કે વધારે પડતો નેટનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ માનસિક આરોગ્ય સામે ખતરો ઊભો કરી છે. ખાસ કરીને કિશોરો અને યુવાનો પર આડઅસરો થઈ શકે છે.

સ્માર્ટફોન જેવા ઉપકરણો સાથે આપણા સંબંધો વિશે સંશોધન કરી રહેલા કમ્પ્યૂટર વૈજ્ઞાનિક પ્રોફેસર મેટ જોન્સ કહે છે: “જે ઉપકરણ તમે ખરીદો તેનાથી તમને હાની થવાની છે તેવી વાત હોય તો તે બહુ સ્ટુપીડ બિઝનેસ છે અને ખરાબ માર્કેટિંગ છે”.

જેમ-જેમ ટૅક્નૉલૉજીનો વધારે પડતો ઉપયોગ હાનિકારક છે તેવું લોકોને સમજાતું જશે તેમ-તેમ કંપનીઓએ પણ બહુ ઝડપથી તેનો પ્રતિસાદ આપવો પડશે.

આવા પ્રતિસાદના પ્રથમ પગલા તરીકે જુદાં-જુદાં પ્લેટફોર્મ્સ દ્વારા સ્ક્રિન કન્ટ્રોલ દાખલ કરવાનું શરૂ થયું છે.

પરંતુ શું આટલું પૂરતું છે?

જોકે, આ પ્રકારના પગલાથી લોકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત સમય માટે કરવામાં મદદ મળશે કે કેમ તે કહેવું વહેલું ગણાશે.

તમે ટૅક ઉપકરણો પરની નિર્ભરતા ઓછી કરવા માગતા હોય તો નીર એયલ તમને અહીં સલાહ આપી રહ્યા છે:

તેઓ કહે છે, “એકમાત્ર જવાબ એ છે કે તમારું વર્તન બદલો.”

“આ કંપનીઓ માનસિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ્સને લલચામણી બનાવે છે. આ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને વધારેને વધારે આકર્ષક બનાવવાનું કામ કંઈ છોડી દેવાની પણ નથી.”

Source: BBC


SHARE WITH LOVE
 • 33
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  33
  Shares

Leave a Reply

Your email address will not be published.