શિક્ષક બનવા માગતા લોકોની શિક્ષણમંત્રીએ દિવાળી સુધારી દીધી, થઇ મોટી જાહેરાત

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્‍ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્‍યાઓ સત્‍વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્‍વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તૂર્ત જ આ જગ્‍યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્‍યું છે.

આગામી દિવસોમાં જે જગ્‍યાઓની ભરતી થનાર છે તેમાં 3000 જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકો, માધ્યમિક તથા ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણના 7518 શિક્ષણ સહાયકો તથા ઉચ્‍ચ શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંવર્ગની કુલ 1826 ખાલી જગ્‍યાઓની ભરતીનો સમાવેશ થાય છે. આમ, આગામી દિવસોમાં કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકોની ભરતી થતાં શિક્ષણ કાર્યને વધુ વેગ મળશે. પ્રાથમિક શિક્ષણમાં જે 3000 વિદ્યાસહાયકોની ભરતી થનાર છે તેમાં અન્‍ય માઘ્‍યમોમાં રહેલ ખાલી જગ્‍યા પર પ્રથમ ભરતી કરવામાં આવશે.

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્‍યાઓ કેન્‍દ્રીયકૃત રીતે ભરવા શિક્ષણ વિભાગે વર્ષ 2011-12માં જાહેરનામું બહાર પાડયું હતું. અગાઉ છેલ્‍લે એપ્રિલ 2016માં લગભગ 6316 જગ્‍યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. તેમાંથી 4063 શિક્ષણ સહાયકોને નિમણૂંક આપી દેવાયેલી. ત્‍યારબાદ આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10 ટકા અનામત આપવાનું રાજય સરકારે ઠરાવતા હવે નવા રોસ્‍ટર રજીસ્‍ટર પ્રમાણિત કરાવ્‍યા બાદ શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓની જગ્‍યાઓમાં વયનિવૃત્‍તિથી નિવૃત્‍ત થતા શિક્ષકોની ખાલી જગ્‍યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં નિયામક શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવશે. ઉલ્‍લેખનીય છે કે નિયામક શાળાઓની કચેરી દ્વારા સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્‍યામાં શિક્ષણ સહાયકોની ભરતી થશે.

ઉચ્‍ચ શિક્ષણમાં 1826 જગ્‍યાઓની ભરતી થનાર છે તેમાં 134 આચાર્ય, 1004 અધ્યાપક સહાયક અને બિન શૈક્ષણિક વર્ગ 3-4ની 688 ખાલી જગ્‍યાઓની ભરતીનો સમાવેશ થાય છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોની પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતીની કાર્યવાહી નિયામક, શાળાઓની કચેરી તથા અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા, કમિશ્‍નર, ઉચ્‍ચ શિક્ષણ કમિશ્‍નરની કચેરી દ્વારા કરવામાં આવશે.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.