પૂર્વ સાંસદે વિવાદનો મધપૂડો છંછેડયો, ‘દગાખોર જીતુ ચૌધરીને ગધેડા પર બેસાડી ઘરે મૂકવા જવું જોઇએ’

SHARE WITH LOVE
 • 277
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  277
  Shares

રાજ્યસભાની ચૂંટણી પહેલા ચારેબાજુથી ઘેરાયેલી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટ પોલિટીક્સની ગેમ રમી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પૂર્વ ધારાસભ્યોને લઈને પણ અવાર નવાર પક્ષના નેતાઓ ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ MLA જીતુ ચૌધરીના રાજીનામાનો મુદ્દો ઉઠ્યો છે.

પૂર્વ સાંસદ કિશન પટેલે પાર્ટીના નેતાઓ પર સણસણતા આરોપ મૂકીને હડકંપ લાવી દીધો છે. પૂર્વ સાંસદ કિશન પટેલે જણાવ્યું છે કે વલસાડના કોંગ્રેસના નેતાઓ માફી માગે. એટલું જ નહીં, જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરનાર લોકો પણ માફી માગે. કિશન પટેલે ગૌરવ પંડ્યાથી લઈ તમામ મોટા નેતાઓ પાસે માફીની માગ કરી છે. કિશન પટેલે વિરોધ દર્શાવી વિવાદ ઉભો કર્યો છે. જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દઇને કોંગી નેતાઓ-કાર્યકરોને આઘાત આપ્યો છે તેની અસર પણ હજી તીવ્ર હોવાનું જણાય રહ્યું છે. વલસાડના માજી સાંસદ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આજે પ્રજા અને પાર્ટી સાથે દ્રોહ કરનાર જીતુ ચૌધરીને લોકોએ તથા કાર્યકરોએ ગધેડા પર બેસાડીને ઘરે મૂકી આવવા જોઇએ, ચંપલનો હાર પહેરાવીને, ચંપલથી માર મારવા જોઇએ તેવી ઉગ્ર ટિપ્પણી કરીને વિવાદનો મધપૂડો છંછેડયો છે.

કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપવાના કારણમાં માજી સાંસદ કિશન પટેલે લોકસભાની 2019ની ચૂંટણીમાં ગદ્દારી કરી હતી, તેમના માટે કામ કર્યુ નહોતું તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેને લઇને રોષે ભરાયેલા કિશન પટેલે આજરોજ ધરમપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં, પૈસા સામે ભલભલા ઝુકી જાય છે તેવી ટકોર કરી, જીતુ ચૌધરી રૂપિયા 50 કરોડમાં વેચાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

કાર્યકરો-નેતાઓએ લોહી-પરસેવો એક કરીને, મહેનત કરીને, ભૂખે રહીને તેમજ સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળીને તો કોઇકે લાગણી રાખીને જીતુ ચૌધરીને ચૂંટણીમાં મદદ કરી હતી. આમ છતાં તેમણે પક્ષને અચાનક ધક્કો આપ્યો હતો. આ ઘટના કોંગ્રેસના નેતા-કાર્યકરોને શરમાવે તેવી ઘટના છે તેમ માજી સાંસદે જણાવ્યું હતું.

કિશન પટેલે વધુમાં જણાવ્યું કે, જે માણસ વેચાઇ ગયો છે, તેને પ્રજા અને પાર્ટી મહત્ત્વ ન આપે. પાર્ટી સાથે દગો કરનાર માણસને ગધેડા પર બેસાડીને ઘરે મૂકવા જવું જોઇએ તેવી ટિપ્પણી તેમણે કરી હતી.

source


SHARE WITH LOVE
 • 277
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  277
  Shares