આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.

1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા

ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી સહકારી ડેરીઓ છે. અમુલ, સુમુલ જેવી એક પણ ડેરી આદિવાસી વિસ્તારોમાં નથી. એટલું જ નહિ, આદિવાસી વિસ્તારની ગાય રોજનું 500 ગ્રામ દૂધ આપે છે,અહીં ગૌ વિકાસના ખાસ પ્રયાસો નથી થયા, એક વખત સરકારે નક્કી કર્યું કે આદિવાસીઓને ભેંસ આપવી, જેથી દૂધનો ઉતાર વધુ આવે અને વેચીને થોડી ઘણી કમાણી કરી શકે. હવે ભેંસ એ મેદાની વિસ્તારનું પશુ છે, તે ઉબડ ખાબડ વિસ્તારમાં ચરી- ફરી ન શકે.આથી એક પણ ભેંસ આદિવાસી પાસે ન રહી. કેવી રીતે ન રહી તે હકીકત  તપાસવા જેવી છે.

પહેલેથી આદિવાસી-બિન આદિવાસી અક્ષરજ્ઞાનનું અંતર 20 ટકા રહ્યું છે, ખાસ પ્રયાસો કરવા છતાં તે ગાળો ઘટાડી શકાયો નથી. આપણે ત્યાં આજે 53 યુનિવર્સિટી છે, તેમાંથી જેને ખરેખર આદિવાસી વિસ્તાર કહેવાય તેમાં એક પણ યુનિવર્સિટી નથી. આ વિસ્તારમાં એક પણ તબીબી કે આયુર્વેદિક કોલેજ નથી. ઈજનેરી કોલેજ હમણાં સરકારે શરૂ કરી છે. સંશોધન એ વિકાસને વેગ આપે છે. ગુજરાતમાં 30 જેટલી ખાસ સંશોધન સંસ્થાઓ છે, તેમાંથી એક પણ આદિવાસી વિસ્તારમાં નથી. આ વિસ્તાર જે 17 ટકા છે તેમાં ગુજરાતના કુલ રોકાણના 2 ટકા રોકાણ થયું છે. તમામ ઓટા ઉદ્યોગો મેદાની વિસ્તારોમાં આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે પ્રથમ જીઆઈડીસી અને પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેંટ રીજીયન (સર) પણ આદિવાસી વિસ્તારોની બહાર છે. આમ વિકાસના કોઈ પણ માપદંડો લો તો આદિવાસી વિસ્તારોમાં નથી અને તેથી કરીને આદિવાસીઓ પછાત દેખાય છે. આ પરિસ્થિતિ હલ કરવા માટે યુનોએ 1994થી 2004 સુધી મૂળ નિવાસીઓ(આદિવાસીઓ)નો દસકો ઉજવ્યો. પછી 2004થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો. 2015નું વર્ષ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાનું વર્ષ છે.

એવું નથી કે સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા. સ્વાતંત્ર્ય પછી સરકારે ખાસ આદિવાસી કાર્યક્રમો અપનાવ્યા. આ કાર્યક્રમોની અસર પણ પડી અને દસ-પંદર ટકાનો વિકાસ પણ થયો. એક ખાસ ટ્રાઇબલ સબ પ્લાન વિસ્તારો બનાવીને સરકારે ખાસ વહીવટતંત્ર મુકીને તેમનો વિકાસ કરવાની કોશિશ કરી. પરંતુ કેટલાક કાર્યક્રમો ઉપર જણાવેલા ભેંસ આપવાના કાર્યક્રમો જેવા નીવડ્યા. જો વિકાસ કાર્યક્રમોએ બરાબર કામ કર્યું હોત તો આદિવાસી-બિન આદિવાસીનું અંતર ઘટ્યું હોત અને આદિવાસીઓ મુખ્ય ધારાપ્રવાહમાં ભળી ગયા હોત, પરંતુ જુદી રીતે ભળ્યા. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ ન હોવાથી ઘણા આદિવાસીઓ 8 મહિના માટે મેદાની વિસ્તારોમાં આવીને ખેત મજુરી અને અન્ય મજુરી કરે છે. આજે મકાન ચણનાર મજુરો મુખ્યત્વે આદિવાસીઓ છે, જે શહેરોમાં ઝુંપડા બાંધીને રહે છે. આપણે તેમને ‘મામા’ જેવા અપમાનજનક શબ્દોથી ઓળખીએ છીએ. ગુજરાતનો કોઈ સમૃદ્ધ ખેડૂત જાતે ખેતી નથી કરતો. ખેતી કરે છે આદિવાસી મજુરો. યાદ રહે સૌરાષ્ટ્રના ખેડૂતોને જમીન સુધારણા હેઠળ 1956માં જમીન મળી હતી. હવે એ જ ખેડે તેની જમીનના સિધ્ધાંત મુજબ આ ખેડૂતોને જમીન મળવી જોઈએ કે નહિ/ જમીન ખેડે છે તે આદિવાસીને શું મળે છે અને જમીનમાલિક ને શું મળે છે તે તપાસનો વિષય છે.

1990 માં જાગૃતિ આવી અને જે કેટલાક આદિવાસીઓ ભણ્યા અને આદિવાસી વિસ્તારોની બહાર નીકળી નોકરી કરતા થયા તે ભદ્ર (એલીટ) કહેવાયા. આ ભદ્ર આદિવાસીઓ બિન-ભદ્રની જેમ મારા-તમારાથી જુદા નથી દેખાતા. પરંતુ આ ભદ્ર આદિવાસીઓની પાર્શ્વ ભૂમિકા આદિવાસી હોવાથી તેમને આ તફાવત સમજાય છે. આ પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર જગતમાં બની. 1991માં બ્રાઝીલના રીઓ ડી જાનેરોમાં મળેલી વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણે ખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને તેમને પોતાના જંગલ, જમીન, પાણી અને અન્ય કુદરતી સ્રોતો પર પોતાના અધિકારોની માંગણી કરી. અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા. આ આદિવાસીઓ પોતાના અધિકારો વિષે લખવા લાગ્યા. તેમણે સાહિત્યમાં આદિવાસી સાહિત્યનો એક નવો ચાલ શરૂ કર્યો. ગુજરાતમાં એક વર્ષ પહેલા ભણેલા આદિવાસીઓએ આદિવાસી સાહિત્ય અકાદમી શરૂ કરી. કેટલાક લોકોએ સામયિકો પણ શરૂ કર્યાં. બિન રાજકીય સ્વરૂપે આદિવાસી એકતા સમિતિ ગઠિત થઇ, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના લોકો સભ્યો છે, શરત એક જ કે તે આદિવાસી હોવો જોઈએ. 9 ઓગસ્ટના રોજ વ્યારામાં 30,000 આદિવાસીઓનું એક સંમેલન યોજાયું. આમાં આદિવાસી વિકાસના પ્રયાસોમાં આદિવાસીની ભાગીદારીની વાતો થઇ. સ્વાભાવિક છે, જે લોકો પોતાના વિકાસના નિર્ણયોમાં ભાગીદારી નથી મેળવી શકતા, તેમને અંગેના વિકાસ નિર્ણયો તેમના હિતોની વિરુદ્ધ જવાની શક્યતા વધુ રહેલી છે. આ નિર્ણયોમાં ભાગીદારી દ્વારા તેઓ તેમના જળ, જંગલ અને જમીનની બાબતોમાં તેમના અવાજની માંગણી કરે છે. તેઓ ટકાઉ વિકાસ ઈચ્છે છે, પર્યાવરણ બચી રહે તેમ ઈચ્છે છે. જંગલો જળવાઈ રહે તેમ ઈચ્છે છે. આજે તો આ આદિવાસી ભદ્ર વર્ગ ખુબ નાનો છે, પરંતુ જો અનામતો યોગ્ય રીતે અમલી બને તો તેમનો વ્યાપ વધશે અને આદિવાસી વિસ્તારોમાં તેમની ભાગીદારી સાર્થક બનશે.

નોધ: (ગૂજરાત વિદ્યાપીઠમાં આપવામાં આવેલા પ્રવચનને આધારે)


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.